‘છેલ્લાં ૧૭ વર્ષથી હું અમદાવાદના પતંગ મહોત્સવમાં આવું છું. અમદાવાદ ઉપરાંત સુરત, કેવડિયા કૉલોની સહિતનાં સ્થળોએ યોજાતા પતંગ મહોત્સવમાં જઉં છું
અમદાવાદના પતંગ મહોત્સવમાં પતંગ ચગાવવા આવેલાં અંધેરીનાં કલ્પના ખારવા અને પીષૂય ખારવા. સોમવારે અમદાવાદમાં કાગડા આકારની પતંગ સાથે કલ્પના ખારવા.
અંધેરીનાં ૬૬ વર્ષનાં કલ્પના ખારવા સ્કૂલ-કૉલેજ દરમ્યાન પતંગ ઉડાડવાનાં શોખીન હતાંઃ દીકરાઓનાં મૅરેજ બાદ હવે પતિ પીયૂષ ખારવા સાથે પતંગ ચગાવવા જાય છે પતંગ મહોત્સવમાં
અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અંધેરીનાં ૬૬ વર્ષના કલ્પના ખારવાએ પતંગ ચગાવીને એ વાતને યથાર્થ ઠેરવી છે કે ઉંમર એક પડાવ છે, એને શોખની સાથે કોઈ લેવાદેવા નથી, શોખને ઉંમરનું બંધન નડતું નથી. અમદાવાદમાં અવનવા આકાર અને ડિઝાઇનની પતંગ ચગાવવાની સાથે-સાથે કલ્પનાબહેન તલસાંકળી લઈને આવ્યાં હતાં અને દેશવિદેશના પતંગબાજોને તલસાંકળી ખવડાવીને એની પાછળનું મહત્ત્વ સમજાવ્યું હતું.
ADVERTISEMENT
સ્કૂલ-કૉલેજના દિવસોમાં પતંગ ચગાવવાનો શોખ ધરાવતાં કલ્પનાબહેને અમદાવાદમાં હજારો લોકોની વચ્ચે પતંગ ચગાવીને મોજ કરી હતી. પતિ પીયૂષ ખારવા સાથે આવેલા કલ્પનાબહેને પાછલી ઉંમરે પણ પતંગ ચગાવવાના શોખ વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅરેજ પછી ઘર સાચવવું, બાળકોનો ઉછેર કરવો સહિતનાં કામોને કારણે પતંગનો શોખ બાજુ પર રહી ગયો હતો. મૅનેજ પણ નહોતું થઈ શકતું. હવે દીકરાઓનાં લગ્ન થઈ જતાં પતંગ ચગાવવાનો મારો શોખ પૂરો કરી રહી છું. સ્કૂલ-કૉલેજમાં અભ્યાસ કરતી ત્યારે હું પતંગ બહુ ચગાવતી હતી. મારા મિસ્ટરને પણ પતંગ ચગાવવાનો શોખ છે. તેઓ પતંગોત્સવમાં જતા હોય છે એટલે તેમની સાથે હું પણ જઉં છું. મારી ઉંમરની મહિલાઓને હું મેસેજ આપું છું કે પોતાના શોખ પૂરા કરવા જોઈએ, ઘરમાંથી બહાર નીકળો અને જે શોખ હોય એ પૂરા કરો.’
ઉતરાણના પર્વમાં તલસાંકળી, સિંગની ચિક્કી, શેરડી, બોર સહિતનાં ફ્રૂટ્સ ખાવાની પરંપરા વર્ષોથી અકબંધ રહી છે ત્યારે કલ્પનાબહેન અમદાવાદમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તલસાંકળી લઈને આવ્યાં હતાં. તેઓ દેશવિદેશથી આવેલા પતંગબાજોને તલસાંકળી વહેંચતાં હતાં અને એના વિશે જાણકારી પણ આપતાં હતાં. કલ્પનાબહેને કહ્યું હતું કે ‘આપણે ત્યાં આ પર્વમાં તલસાંકળીનું મહત્ત્વ છે. સૌકોઈ આ દિવસોમાં તલસાંકળી ખાતા હોય છે એટલે હું પણ તલસાંકળી સાથે લેતી આવી છું. એ અહીં પતંગ ચગાવવા આવેલા મહેમાનોને આપું છું અને એની પાછળનું મહત્ત્વ પણ સમજાવું છું. વિદેશના લોકો પણ આપણી આ સંસ્કૃતિથી માહિતગાર થવા સાથે આ વિશે જાણીને અચરજ પણ પામે છે.’
પતંગોત્સવ માટે ખાસ ડિઝાઇન કરેલા ડ્રેસની વાત કરતાં કલ્પના ખારવાએ કહ્યું હતું કે ‘અમદાવાદ પતંગ મહોત્સવમાં આવવાનું હતું એટલે વિચાર આવ્યો કે પતંગ ઉડાડવા જઈએ છીએ તો પતંગને લઈને ડ્રેસ પણ બનાવું. એમ વિચારીને ડિઝાઇન વિચારીને જુદા-જુદા પ્રકારના પતંગો, ફીરકી અને દોરીની ડિઝાઇનની એમ્બ્રૉઇડરી કરાવીને ડ્રેસ બનાવ્યો છે.’
અંધેરીમાં રહેતા ૭૨ વર્ષના પીયૂષ ખારવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૭ વર્ષથી હું અમદાવાદના પતંગ મહોત્સવમાં આવું છું. અમદાવાદ ઉપરાંત સુરત, કેવડિયા કૉલોની સહિતનાં સ્થળોએ યોજાતા પતંગ મહોત્સવમાં જઉં છું તેમ જ ફ્રાન્સના પતંગ મહોત્સવમાં પણ ગયો છું. અમદાવાદમાં મેં અને કલ્પનાએ સોમવારે કાગડાના આકારનો પતંગ ચગાવ્યો હતો. એ જોઈને પબ્લિકને મજા આવી ગઈ હતી અને લોકો દંગ રહી ગયા હતા. ઉત્સાહમાં આવી જઈને લોકોએ ચીસો પણ પાડી હતી. અમે અહીં અવનવા આકારની પતંગો લઈને આવ્યા છીએ. મુંબઈથી અમારી ટીમ આવી છે. અમારી પતંગો રઉફભાઈ બનાવે છે. પતંગબાજો અવનવી પતંગો ચગાવતા હોય છે ત્યારે હવે તો મોટી પતંગના ઢઢ્ઢામાં વાંસની પટ્ટીની જગ્યાએ કાર્બન-સ્ટિક આવી ગઈ છે. અમદાવાદમાં પતંગોત્સવનો માહોલ કંઈક અલગ જ હોય છે. અહીં પતંગ ઊડતી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે એટલે અમને પણ પતંગ ચગાવવાની મજા આવે છે.’


