Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઢોસાના ખીરાએ જીવ લીધો કે પરિવારે પૉઇઝન પી લીધું?

ઢોસાના ખીરાએ જીવ લીધો કે પરિવારે પૉઇઝન પી લીધું?

Published : 08 April, 2026 07:06 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સવાલનો જવાબ મેળવવા અમદાવાદમાં અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું : બહારથી લાવેલા ખીરામાંથી ઢોસા ખાધા પછી બે બાળકીઓનાં મોત, મમ્મી-પપ્પા હૉસ્પિટલમાં સારવાર હેઠળ

પોલીસ અને FSLની ટીમે નાની દીકરીનો મૃતદેહ જ્યાં દફનાવ્યો હતો ત્યાંથી બહાર કાઢીને તપાસ હાથ ધરી હતી. તસવીર : જનક પટેલ.

પોલીસ અને FSLની ટીમે નાની દીકરીનો મૃતદેહ જ્યાં દફનાવ્યો હતો ત્યાંથી બહાર કાઢીને તપાસ હાથ ધરી હતી. તસવીર : જનક પટેલ.


અમદાવાદમાં ખીરામાંથી ઢોસા બનાવીને પરિવારે ખાધા બાદ બે બાળકીનાં રહસ્યમય સંજોગોમાં મોત થયાં હતાં, જ્યારે માતા-પિતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈ કાલે ફૉરે​​ન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ને સાથે રાખીને અઢી મહિનાની બાળકીનો દાટી દીધેલો મૃતદેહ બહાર કાઢીને પોલીસે એને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. શંકાસ્પદ અને રહસ્યમય સંજોગોમાં થયેલાં બે બાળકીઓનાં મોત પરથી પડદો ઊંચકીને સાચું કારણ જાણવા તેમ જ પરિવારે પૉઇઝન લીધું કે ખીરાના કારણે બે બાળકીનાં મોત થયાં એ મુદ્દે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

ચાંદખેડા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર જે. કે. મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં બે બાળકીનાં મોત થયાં હતાં. આ પૈકી અઢી મહિનાની બાળકીનું પોસ્ટમૉર્ટમ બાકી હતું. પરિવારે પોલીસને જાણ કર્યા વગર બાળકીની દફનવિધિ કરી દીધી હતી એટલે તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમૉર્ટમ થઈ ગયું છે અને હવે એના રિપોર્ટની રાહ જોઈએ છીએ. આ કેસમાં ખીરાને કારણે મોત થયું છે કે તેમણે અલગથી પૉઇઝન લીધું છે એ બે ઍન્ગલ પર તપાસ ચાલુ છે. આખી ફૅમિલીએ પૉઇઝન લીધું છે કે કેમ એ થિયરી પર પણ તપાસ હાથ ધરી છે.’  



ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચાંદખેડામાં રહેતા વિમલ પ્રજાપતિ અને તેમનાં પત્ની ભાવના ૧ એપ્રિલે ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યાં હતાં. રાતે ખીરામાંથી ઢોસા બનાવીને વિમલ પ્રજાપતિએ ખાધો હતો. બીજા દિવસે ભાવના અને તેમની ૪ વર્ષની મોટી દીકરી મિષ્ટીએ ખાધો હતો, અઢી મહિનાની નાની દીકરી રાહાને પણ ખવડાવ્યો હતો. ઢોસા ખાધા બાદ પ​રિવારના તમામ સભ્યોની તબિયત બગડી હતી અને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. એમાં નાની દીકરી રાહાનું ૨ એપ્રિલે, જ્યારે મોટી દીકરી મિષ્ટીનું સારવાર દરમ્યાન ૪ એપ્રિલે અવસાન થયું હતું. મોટી દીકરીની સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ હતી, જ્યારે અઢી મહિનાની નાની દીકરીના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 07:06 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK