Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નવી પેઢીને મોબાઇલથી છેટે રાખીને વતનની માટી અને સંસ્કારો સાથે કઈ રીતે જોડવી?

નવી પેઢીને મોબાઇલથી છેટે રાખીને વતનની માટી અને સંસ્કારો સાથે કઈ રીતે જોડવી?

Published : 14 November, 2026 07:34 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઉત્તર ગુજરાતનાં પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજે કરી સરાહનીય પહેલ : ૩ ‌દિવસનો ‌વિન્ટર કૅમ્પ યોજીને બાળકોને ગ્રામ્ય જીવનનો વાસ્તવિક અનુભવ કરાવ્યો : અમદાવાદ, સુરત, વડોદરા ઉપરાંત મુંબઈ, પુણે તેમ જ અમેરિકાથી પણ આવ્યાં પાટીદાર સમાજનાં ૬૦૦થી વધુ બાળકો

ભાન્ડુ ગામે વિન્ટર કૅમ્પમાં આવેલાં બાળકોએ ગ્રામ્ય જીવનની ઝલક નિહાળી હતી, બાળકોને ટ્રૅક્ટરમાં બેસાડીને ફેરવવામાં આવ્યાં હતાં.

ભાન્ડુ ગામે વિન્ટર કૅમ્પમાં આવેલાં બાળકોએ ગ્રામ્ય જીવનની ઝલક નિહાળી હતી, બાળકોને ટ્રૅક્ટરમાં બેસાડીને ફેરવવામાં આવ્યાં હતાં.


ઉત્તર ગુજરાતનાં બાલીસણા, ભાન્ડુ, વાલમ, સંડેર અને મણુંદ ગામના લેઉવા પાટીદાર સમાજે દિવાળીના પર્વમાં સરાહનીય અને ઉદાહરણીય પહેલ કરી હતી. પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજે સમાજનાં બાળકોને ગ્રામ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવાની સાથે વતનની માટી અને સંસ્કારો સાથે જોડવા ભાન્ડુ ગામે યોજેલા વિન્ટર કૅમ્પમાં મોબાઇલથી દૂર રાખી ગ્રામ્ય જીવનનો વાસ્તવિક અનુભવ કરાવ્યો હતો. આ વિન્ટર કૅમ્પમાં અમદાવાદ, સુરત, વડોદરા ઉપરાંત મુંબઈ, પુણે તેમ જ અમેરિકામાં રહેતાં પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજનાં ૬૦૦થી વધુ બાળકો આવ્યાં હતાં.

મહેસાણા જિલ્લાના ભાન્ડુ ગામે ૩ દિવસનો વિન્ટર કૅમ્પ ગઈ કાલે શુક્રવારે પૂરો થયો હતો. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજનાં બાળકો ગ્રામ્ય સંસ્કૃતિની યાદો અને વતનની માટીની મહેક સાથે લઈને જવા ઉપરાંત સમાજજીવનના પાઠ શીખીને ઘરે પરત ફર્યાં હતાં. વિન્ટર કૅમ્પ આયોજન સમિતિના જ‌સ્મિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ભાન્ડુ ગામે પહેલી વાર સમાજનાં બાળકો માટે વિન્ટર કૅમ્પ રાખ્યો હતો. આ કૅમ્પ કરવા પાછળનો હેતુ આજની પેઢી પોતાના વતનથી પરિચિત થાય; ગામ અને સમાજના વારસા, સંસ્કૃતિ વિશે માહિતગાર થાય અને સંસ્કૃતિ સાથે કનેક્ટ રહી ગ્રામીણ જીવનનો અનુભવ કરે એ હતો. ૩ દિવસના આ કૅમ્પમાં સમાજનાં ૯થી ૧૪ વર્ષનાં ૬૦૦થી વધુ બાળકો ભાન્ડુ ગામે આવ્યાં હતાં. ગ્રામ્ય જીવનની સમજ માટે ગામમાં ગામડું ઊભું કરાયું હતું જેમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક સાથે લાઇવ પાત્રો રખાયાં હતાં. કરિયાણાની દુકાન, ગાયનો વાડો, બાંધેલી ગાયો અને એને દોહતા ગ્રામજનો, રોટલા ઘડતી મહિલાઓ પણ હતી. ખેતીના પરંપરાગત ઓજારો હળ, રાંપ, સુંડલો, ચાયણો, ઘોડી સહિતનાં સાધનોની બાળકોને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામડાનાં મકાનો, રસોડું, વાસણો, વલોણું, ઘંટી, કૂવો અને ચોરો પણ બનાવીને એના વિશે જાણકારી આપીને ગામડાંઓ અને ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. ૩ દિવસ દરમ્યાન અલગ-અલગ કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ ઉપરાંત ભાતીગળ મેળાનું આયોજન પણ કરાયું હતું જેનું સંચાલન સમાજની બહેનોએ કર્યું હતું. કૅમ્પમાં આવનારાં બાળકો પાસેથી એકપણ રૂપિયો ચાર્જ કરવામાં આવ્યો નહોતો અને ગામના લોકોએ યથાશક્તિ ફાળો એકઠો કર્યો હતો.’




ઊભી કરાયેલી કરિયાણાની દુકાન.


રમાડી જૂની રમતો 

ગામડાંઓમાં રમાતી જૂની રમતો રમાડતાં બાળકોને મોજ પડી ગઈ હતી. સાપોલિયું, લખોટી,ગિલોલ, ગોફણ, ગિલ્લીદંડા, રસ્સીખેંચ જેવી લુપ્ત થતી રમતો રમાડીને એ રમત વિશે પરિચય કરાવ્યો હતો. એટલું જ નહીં, ગામડાંઓમાં જૂનાં નાનાં ટાયરો લઈને એક નાના દંડા વડે એને આગળ ધકેલીને ગામમાં બાળકો ફરતાં એવી રમત પણ રમાડી હતી. આ ઉપરાંત બાળકોને ટ્રૅક્ટરમાં બેસાડીને ફેરવ્યાં હતાં અને ઘોડેસવારી પણ કરાવી હતી.



ઊભા કરાયેલા ગામડામાં ગ્રામ્ય જીવનની ઝલક.

બાળકોને ગામમાં રહેવાની કરાઈ વ્યવસ્થા

બહારગામથી આવેલાં બાળકોને ગામના પાટીદારોને ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ‌સ્મિન પટેલના ઘરે ૭ બાળકોને રાખ્યાં હતાં. આમ કરીને બાળકોમાં સમૂહજીવન, કૌટુંબિક અને સમાજભાવના કેળવાય એવો હેતુ હતો. બાળકોને આ વ્યવસ્થા અનુકૂળ પડી હતી અને સમાજના વડીલો સાથે તેમ જ તેમના કુટુંબ સાથે આત્મીયતા કેળવાઈ હતી. એક દિવસ બાળકોને વન-ભોજન કરાવ્યું હતું. બાળકોને પતરાળામાં જમવાનું પીરસ્યું હતું અને એનો અનુભવ કરાવ્યો હતો. વન-ભોજન માટેની તમામ રસોઈ ચૂલા પર બનાવી હતી. બાળકોને એ પણ જણાવ્યું હતું કે આપણા વડવાઓ આ રીતે રસોઈ કરતા હતા.


શાકભાજી વેચતાં બહેનો.

૩૦૦ સ્વયંસેવકોની ટીમ રહી ખડેપગે 

૩ દિવસના વિન્ટર કૅમ્પ માટે સમાજના ૩૦૦ સ્વયંસેવકોની ટીમ તહેનાત હતી. સમાજનાં ૬૦૦થી વધુ બાળકો માટેનું આયોજન, તેમના ૩ દિવસ રહેવા-જમવા સહિતની વ્યવસ્થા સ્વયંસેવકોએ સંભાળી હતી. ૩૦૦ સ્વયંસેવકોની બાવીસ ટીમ બનાવી હતી અને દરેક ટીમને બાળકોની જવાબદારી સોંપી હતી અને સંભાળ રાખી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 07:34 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK