Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કૉલેજિયન યુવતીઓના મૃતદેહ મળ્યા

સુરતમાં સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કૉલેજિયન યુવતીઓના મૃતદેહ મળ્યા

Published : 08 March, 2026 07:50 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાથરૂમમાંથી દવાની ત્રણ બૉટલ અને સિરિન્જ પણ મળ્યાં, મોબાઇલની સર્ચ-હિસ્ટરીમાં ChatGPTને પૂછ્યું હતું કે સુસાઇડ કેવી રીતે કરાય?

સ્વામીનારાયણ મંદિરના CCTV કૅમેરામાં રોશની અને જ્યોત્સ્ના બાથરૂમમાં જઈ રહેલી દેખાય છે. રોશની અને જ્યોત્સના.

સ્વામીનારાયણ મંદિરના CCTV કૅમેરામાં રોશની અને જ્યોત્સ્ના બાથરૂમમાં જઈ રહેલી દેખાય છે. રોશની અને જ્યોત્સના.


સુરતના દિન્ડોલી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓનાં શબ મળી આવ્યાં હતાં. આ ઘટના શુક્રવાર, ૬ માર્ચની છે. ૧૮ વર્ષની રોશની અને ૨૦ વર્ષની જ્યોત્સ્ના બન્ને બાળપણની પાકી સહેલીઓ હતી. મરનાર યુવતીના એક સંબંધીએ કહ્યું હતું કે તે સવારે ૭ વાગ્યે કૉલેજ જવા માટે નીકળી હતી અને તેમનો કૉલેજથી પાછા આવવાનો સમય બપોરે ૧૨.૩૦ વાગ્યાનો હતો. બપોરે ૧.૩૦ વાગ્યા સુધી જ્યારે બન્ને છોકરીઓ પાછી ન આવી ત્યારે પરિવારજનોએ તેમને ફોન કર્યો હતો. બેમાંથી કોઈએ ફોન નહોતો ઉઠાવ્યો કે મેસેજનો જવાબ આપ્યો નહોતો. બન્નેના પરિવારોએ બપોરે ૩ વાગ્યે દિંડોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી મોબાઇલ લોકેશન ટ્રૅક કરતાં ખબર પડી હતી કે તેમનું અંતિમ લોકેશન સણિયા ગામના સ્વામીનારાયણ મંદિરની પાસે છે. પરિવારજનો અને પોલીસને મંદિર પરિસરમાં તેમની સ્કૂટી પાર્ક કરેલી મળી હતી. 

બાથરૂમમાંથી મળી લાશ



આખા પરિસરની તલાશી લેતાં બાથરૂમની લાઇટો ચાલુ જોવા મળી હતી અને અંદરથી દરવાજો બંધ હતો. શંકા જતાં પોલીસે દરવાજો તોડ્યો હતો જ્યાં બન્ને યુવતીઓ મૃત અવસ્થામાં મળી હતી. પોલીસે મંદિરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ફંફોસતાં ફુટેજમાં તેઓ બન્ને સવારે ૭.૧૫ વાગ્યાની આસપાસ મંદિરમાં દાખલ થઈ હોવાનું જોવા મળ્યું હતું. સવારે ૭.૩૦ વાગ્યે બન્ને જાતે જ બાથરૂમ તરફ ગઈ હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાથરૂમમાંથી પોલીસને ઇન્જેક્શનની સિરિન્જ, દવાની ૩ બૉટલો અને ઝેરની પડીકીઓ મળી હતી. આ પુરાવાઓ પરથી સંકેત મળે છે કે તેમણે કોઈ દવાના ઓવરડોઝ કે ઝેરનું સેવન કરીને આત્મહત્યા કરી હશે. 


AIને પૂછ્યું 

તપાસ દરમ્યાન તેમના મોબાઇલમાંથી ChatGPTની સર્ચ-હિસ્ટરી પણ સામે આવી હતી. રોશનીએ આત્મહત્યા કરતાં પહેલાં પોતાના ફોન પર ChatGPTને સુસાઇડ કઈ રીતે કરી શકાય એ વિશે સર્ચ કર્યું હતું. પોલીસે તેમના મોબાઇલ ફોન ફોરૅન્સિક તપાસ માટે મોકલી દીધા છે. તેમનાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલાયાં છે. તેમના વિસેરાના નમૂનાઓને ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી તેમણે કયા કેમિકલનું સેવન કરેલું એની ચોક્કસ માહિતી મેળવી શકાય. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ તેમના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.  


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 07:50 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK