ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે અમદાવાદમાં મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો
ભૂપેન્દ્ર પટેલે સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી.
અમદાવાદમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવીને કહ્યું હતું કે ‘થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને હવે તો લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ-કાઉન્ટર જોવા મળે છે.’
કૃષિપ્રધાન રાઘવજી પટેલ અને અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં અમદાવાદ સહિત સાત મહાનગરપાલિકાઓમાં બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી પ્રારંભ કરાવીને કહ્યું હતું કે ‘શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બૅક ટુ બેઝિકના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો માર્ગ દેશ અને દુનિયાને બતાવ્યો છે. આદીકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલાં બરછટ ધાન્યો આપણો વારસો છે. આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય-ચેઇન વિકસી છે.’
ADVERTISEMENT
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત સાત મહાનગરોમાં યોજાયેલા મિલેટ્સ મહોત્સવમાં રાજયભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઑર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓએ સ્ટૉલ રાખ્યા છે. આ ઉપરાંત મિલેટ લાઇવ ફૂડ સ્ટૉલ્સે મુલાકાતીઓમાં આકર્ષણ જમાવ્યું છે.

