૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઑપરેશન સિંદૂર દરમ્યાન ગુજરાતનાં જુદાં-જુદાં શહેરો-નગરોમાંથી સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનારી ૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તનાવપૂર્ણ માહોલમાં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી સાથે ઑપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ સમય દરમ્યાન દેશવિરોધી અને વૈમનસ્ય પોસ્ટ કરનારાં તત્ત્વો સામે કાર્યવાહી કરવા ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સૂચના આપતાં ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશ્યલ મીડિયા મૉનિટરિંગ યુનિટ દ્વારા ખાસ નજર રાખતાં દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે એવાં લખાણોવાળી પોસ્ટ ધ્યાન પર આવતાં આવી પોસ્ટ કરનાર ખેડા જિલ્લાના બે, ભુજના બે, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાંથી એક-એક મળીને કુલ ૧૪ વ્યક્તિ સામે ફર્સ્ટ ઇન્ફરમેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

