Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂર. આ માત્ર નામ નથી. આ દેશના કોટિ-કોટિ લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે

ઑપરેશન સિંદૂર. આ માત્ર નામ નથી. આ દેશના કોટિ-કોટિ લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે

Published : 13 May, 2025 07:34 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત કોઈ પણ ન્યુક્લિયર બ્લૅકમેઇલને સહન નહીં કરે.ટેરર અને ટૉક એકસાથે ન થઈ શકે, ટેરર અને ટ્રેડ એકસાથે ન ચાલી શકે તથા પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે

ગઈ કાલે રાષ્ટ્રના સંબોધનમાં નરેન્દ્ર મોદીનો આકરો મિજાજ.

ગઈ કાલે રાષ્ટ્રના સંબોધનમાં નરેન્દ્ર મોદીનો આકરો મિજાજ.


પાકિસ્તાને વિનંતી કરી, એણે હવે કોઈ દુઃસાહસ નહીં કરવામાં આવે એવી બાંયધરી આપી એટલે આપણે જવાબી કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે એમ જણાવીને નરેન્દ્ર મોદી રાષ્ટ્રના સંબોધનમાં જબરા ગરજ્યા


પાકિસ્તાનને પરાસ્ત કર્યા પછી રાષ્ટ્રને કરેલા પ્રથમ સંબોધનમાં નરેન્દ્ર મોદી શું બોલ્યા એ શબ્દશ: વાંચો...




ગઈ કાલે મુંબઈમાં ટીવીના એક શોરૂમમાં બધી સ્ક્રીન પર ચાલી રહેલું નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર સંબોધન.

પ્રિય દેશવાસીઓ,


નમસ્કાર!

આપણે સૌએ વીતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને એનો સંયમ બન્ને જોયાં છે.

હું સૌથી પહેલાં ભારતની પરાક્રમી સેનાઓને, સશસ્ત્ર દળોને, આપણી ગુપ્તચર એજન્સીઓને અને આપણા વૈજ્ઞાનિકોને તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઑપરેશન સિંદૂરનાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે. હું તેમની વીરતાને, તેમના સાહસને, તેમના પરાક્રમને આજે સમર્પિત કરું છું આપણા દેશની માતાઓને, દેશની દરેક બહેનને અને દેશની દરેક દીકરીને.

 બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી એનાથી દેશ અને દુનિયા હચમચી ગયાં હતાં. રજાઓ વિતાવવા આવેલા
નિર્દોષ-માસૂમ નાગરિકોને ધર્મ પૂછીને, તેમના પરિવારની સામે જ, તેમનાં બાળકોની સામે નિર્દયતાપૂર્વક મારી નાખ્યા.

આતંકનો આ ખૂબ બીભત્સ ચહેરો હતો, ક્રૂરતા હતી. આ દેશના સદ્ભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો. મારા માટે વ્યક્તિગત રૂપે આ પીડા ખૂબ મોટી હતી.

 આ આતંકવાદી હુમલા પછી આખો દેશ, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ,

એક સૂરમાં, આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઊભાં થયાં.

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી દેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી હતી.

અને આજે દરેક આતંકવાદી અને આતંકનું દરેક સંગઠન જાણી ગયું છે કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 ઑપરેશન સિંદૂર. આ માત્ર નામ નથી. આ દેશના કોટિ-કોટિ લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઑપરેશન સિંદૂર ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

૬ મેની મોડી રાતે અને ૭ મેની સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકનાં ઠેકાણાંઓ પર, તેમનાં ટ્રેઇનિંગ સેન્ટરો પર સચોટ પ્રહાર કર્યા.

 આતંકવાદીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂટ થાય છે, નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે, રાષ્ટ્ર સર્વોપરી હોય છે ત્યારે પોલાદી નિર્ણય લેવામાં આવે છે. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઇલોએ હુમલા કર્યા, ભારતના ડ્રોને હુમલા કર્યા ત્યારે આતંકવાદી સંગઠનોની ઇમારતો જ નહીં, તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ હતી.

બહાવલપુર અને મુરીદગે જેવાં આતંકી ઠેકાણાંઓ એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યાં છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકવાદી હુમલા થયા છે, એ પછી નાઇન ઇલેવન હોય, લંડન ટ્યુબ બૉમ્બિંગ્સ હોય કે પછી ભારતમાં દાયકાઓમાં જે પણ મોટા આતંકવાદી હુમલા થયા છે - તેમના તાર ક્યાંક ને ક્યાંક આતંકનાં આ ઠેકાણાંઓ સાથે જ જોડાયેલા છે.

 આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા એટલે ભારતે આતંકવાદીઓના હેડક્વૉર્ટર્સ ઉજાડી દીધાં.

ભારતે આ હુમલાઓમાં ૧૦૦થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ જે છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા, ભારતની વિરુદ્ધ કાવતરાં ઘડતા હતા તેમને ભારતે એકઝાટકે ખતમ કરી નાખ્યા.

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું, હતાશામાં ઘેરાઈ ગયું હતું, ડરી ગયું હતું. આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું. આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાને બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી સ્કૂલો-કૉલેજોને, ગુરુદ્વારાઓને, મંદિરોને અને સામાન્ય નાગરિકોનાં ઘરોને નિશાન બનાવ્યાં. પાકિસ્તાને આપણાં સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં, પરંતુ એમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું.

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઇલો ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયાં. ભારતની સશક્ત ઍર ડિફેન્સ સિસ્ટમે તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધાં. પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ તેમના પર પ્રહાર કરી દીધો.

ભારતનાં ડ્રોને, ભારતની મિસાઇલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો. પાકિસ્તાની વાયુસેનાના ઍરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું. ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું જેનો એને અંદાજ પણ નહોતો.

ભારતની આક્રમક કાર્યવાહી પછી પાકિસ્તાન બચવાના રસ્તા શોધવા લાગ્યું. પાકિસ્તાન આખી દુનિયામાં તનાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી એની મજબૂરીમાં ૧૦ મેએ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો. જોકે ‍ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્તનાબૂદ કરી ચૂક્યા હતા. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડિયેર બનાવી દીધા હતા.

આથી જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી, પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું કે અમારા તરફથી આગળ કોઈ આતંકવાદી ગતિવિધિ કે સૈન્ય દુઃસાહસ કરવામાં નહીં આવે ત્યારે ભારતે એના પર વિચાર કર્યો.

 અને હું ફરીથી કહી રહ્યો છું‍ કે આપણે પાકિસ્તાનનાં આતંકી અને સૈન્ય ઠેકાણાંઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે. આવનારા દિવસોમાં આપણે પાકિસ્તાનના દરેક પગલાને આ કસોટી પર માપીશું કે તેઓ શું વલણ અપનાવે છે.

 ભારતની ત્રણેય સેનાઓ - આપણું વાયુદળ, આપણું સૈન્ય અને આપણું નૌકાદળ, આપણી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ – BSF, ભારતનાં અર્ધ-લશ્કરી દળો સતત અલર્ટ પર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇક પછી હવે ઑપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઑપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યુ નૉર્મ નક્કી કર્યું છે.

પહેલું જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને રહીશું. એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું જ્યાંથી આતંકવાદનાં મૂળિયાં નીકળે છે.

બીજું  કોઈ પણ ન્યુક્લિયર બ્લૅકમેઇલને ભારત સહન નહીં કરે. ન્યુક્લિયર બ્લૅકમેઇલની આડમાં ફૂલીફાલી રહેલાં આતંકવાદી ઠેકાણાંઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું  આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ-અલગ નહીં જોઈએ.

ઑપરેશન સિંદૂર દરમ્યાન દુનિયાએ ફરી એક વાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે. જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા પાકિસ્તાની સેનાના મોટા-મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા. સ્ટેટ સ્પૉન્સર્ડ ટેરરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈ પણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે અને આ વખતે ઑપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે અને સાથે જ ન્યુ એજ વૉરફેરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે. આ ઑપરેશન દરમ્યાન આપણાં મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રામાણિકતા સાબિત થઈ છે. આજે દુનિયા જોઈ રહી છે એકવીસમી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ. એનો સમય આવી ગયો છે.

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂટ રહીએ છીએ, આપણી એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી.

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરરિઝમ સામે ઝીરો ટૉલરન્સ. આ એક વધુ સારી દુનિયાની ગૅરન્ટી છે.

પાકિસ્તાની સૈન્ય અને પાકિસ્તાન સરકાર જે રીતે આતંકવાદને પોષી રહ્યાં છે એ એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. પાકિસ્તાને બચવું હોય તો એણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો પડશે. એ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એકસાથે ન થઈ શકે,

ટેરર અને ટ્રેડ, એકસાથે ન ચાલી શકે

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માગું છું. અમારી ઘોષિત નીતિ રહી છે.

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે તો એ ફક્ત ટેરરિઝમ પર જ થશે.

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે તો પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર... PoK પર જ થશે.

આજે બુદ્ધપૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે. માનવતા, શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો. દરેક ભારતીય શાંતિથી જીવી શકે. વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે. એને માટે ભારત શક્તિશાળી હોય એ ખૂબ જરૂરી છે અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ભારતે આ જ કર્યું છે.

હું ફરી એક વાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2025 07:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK