Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વરસાદ રોકાયા બાદ અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત જિલ્લાઓમાં યાતના અપાર

વરસાદ રોકાયા બાદ અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત જિલ્લાઓમાં યાતના અપાર

Published : 25 July, 2026 08:11 AM | IST | valsad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં પાંચ વ્યક્તિનાં મોત ઃ અત્યાર સુધીમાં ૪૦,૫૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું અને ૬૩૬૭ લોકોનું રેસ્ક્યુ કરાયું ઃ મદદ માટે આર્મી તેમ જ કોસ્ટગાર્ડ વહારે દોડ્યાં ઃ હજી પણ ભારે વરસાદની આગાહી

વલસાડ જિલ્લાના ટુકવાડા ગામે જીવ બચાવવા માટે છાપરે ચડી ગયેલા લોકોને બચાવ્યા હતા.

વલસાડ જિલ્લાના ટુકવાડા ગામે જીવ બચાવવા માટે છાપરે ચડી ગયેલા લોકોને બચાવ્યા હતા.


ગુજરાતમાં વરસાદ રોકાયા બાદ ગઈ કાલે અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત જિલ્લાઓમાં ભયાવહ સ્થિતિ જોવા મળી છે. અતિભારે વરસાદ અને પૂરના પ્રકોપ વચ્ચે અગણિત લોકોએ અપાર યાતનાઓ વેઠી હતી. ઘરોમાં ઘૂસી ગયેલાં પાણીથી ભારે નુકસાની સાથે ખુવારી સર્જાઈ છે. બીજી તરફ ગુજરાતમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. 
ગુજરાતના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ મીડિયાને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં ૪૦,૫૦૦ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે અને ૬૩૬૭ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તાપી, વલસાડ, આણંદ, મહેસાણા અને પંચમહાલમાં એક-એક સાથે કુલ પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.’
વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લાં ૩૦ વર્ષના સરેરાશ વરસાદ કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ૯૦.૯૮ ટકા અને નવસારી જીલ્લામાં ૯૫.૧૩ ટકા સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે.
ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ એવી વિકટ સર્જાઈ હતી કે ગુજરાતમાં મદદ માટે આર્મી તેમ જ ભારતીય કોસ્ટગાર્ડ વહારે દોડ્યાં હતાં. બચાવ-કામગીરી માટે આર્મીની બે ટુકડી અમદાવાદમાં, બે વલસાડમાં, બે નવસારીમાં તહેનાત કરાઈ છે તથા ૪ ટીમ રિઝર્વ રખાઈ છે.
ગુજરાતમાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ૧૭ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ૩૨ ટીમો બચાવ-કામગીરી કરી રહી છે.

અંબિકા નદીના પૂરના કારણે પુલ પર ઠલવાયેલો કચરો અને એની સફાઈ કરતા કામદારો.




પૂરમાં ફસાયેલા ૩૦ શ્રમિકોને એરલિફ્ટથી કરીને બચાવી લેવાયા

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ગણદેવી તાલુકાના મેંધર ગામે ફસાયેલા અંદાજે ૩૦ જેટલા શ્રમિકોને બચાવી લેવા માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક અૅર-રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. ચારેતરફ ભરાયેલાં પાણી વચ્ચે જવાનોએ સલામત રીતે શ્રમિકોને અૅરલિફ્ટ કરીને સુર‌િક્ષત સ્થળે ખસેડ્યા હતા.
ભારે વરસાદ અને પૂરની વચ્ચે ઝિન્ગા તળાવમાં કામ કરી રહેલા ૩૦થી વધુ શ્રમિકો ફસાઈ ગયા હતા. આ તમામ મજૂરો જીવ બચાવવા માટે ૨૪ કલાકથી કાચા શેડના છાપરા પર બેસવા મજબૂર થયા હતા. તેઓએ સોશ્યલ મીડિયાથી મદદ માટે અપીલ કરી હતી. આ અપીલ વહીવટી તંત્ર સુધી પહોંચી હતી. નવસારી જિલ્લા વહીવટી તંત્ર, ભારતીય કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓના સંકલનથી રાહત અને બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શ્રમિકોને બચાવી લેવા હેલિકૉપ્ટર મોકલાયું હતું અને એક પછી એક શ્રમિકને અૅરલિફ્ટ કરાયા હતા. જ્યારે શ્રમિકોનું અૅરલિફ્ટ થયું ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો હતો અને ભારતીય કોસ્ટગાર્ડનો તેમ જ વહીવટી તંત્રનો જીવ બચાવવા માટે આભાર માન્યો હતો.


વરસાદે હવે કાઢ્યો ઉત્તર ગુજરાતનો વારો ઃ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ૩૩૪, રાધનપુરમાં ૨૩૮ મિલીમીટર વરસાદ ખાબક્યો 

દક્ષિણ ગુજરાતને ધમરોળી રહેલા મેઘરાજાએ ગઈ કાલે ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો હતો. રાતે ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ૩૩૪ અને રાધનપુરમાં ૨૩૮ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. 

ગુજરાતમાં રાતે ૮ વાગ્યા સુધીમાં ૨૬૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં નવા બનેલા વાવ–થરાદ જિલ્લાના દિયોદરમાં ૨૧૩ મિલીમીટર અને ભાભરમાં ૨૦૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત બનાસકાંઠાના દાંતીવાડામાં ૧૮૦ મિલીમીટર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૧૭૮, ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ૧૭૨, મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૧૬૬, ખેડા જિલ્લાના નડિયાદમાં ૧૫૫, બનાસકાંઠાના ડીસામાં ૧૨૭ અને ઓગડમાં ૧૨૦, મહેસાણા જિલ્લાના ખેરાલુ અને અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ૧૧૬, બનાસકાંઠાના હડાદમાં ૧૧૩, ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ૧૦૭, કચ્છના રાપરમાં ૧૦૪, મહીસાગર જિલ્લાના વીરપુરમાં ૧૦૨, વાવ–થરાદના સુઇગામમાં ૧૦૧ અને મોરબીમાં ૧૦૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદમાં ૪૧ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 08:11 AM IST | valsad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK