તોફાન કરતાં બાળકોને અનુલોમ-વિલોમ પ્રાણાયામની સજા આપતા પાલિતાણાના આ શિક્ષકે કંઈકેટલાય ઇનોવેટિવ પ્રયોગો કર્યા છે
મોરારીબાપુ પાસેથી મળેલા ચિત્રકૂટ અવૉર્ડ સાથે નાથાલાલ.
આજથી વીસેક વર્ષ પહેલાં ૯૫ ટકા કરતાં વધુ બાળકો કસાઈવાડેથી વિખરાયેલા વાળ અને લોહીથી ખરડાયેલાં વસ્ત્રો પહેરીને માત્ર મધ્યાહ્ન ભોજન માટે સ્કૂલમાં આવતાં. એવામાં એક શિક્ષક આવ્યા જેમણે ઘરે-ઘરે જઈને તિરસ્કૃત કરતા વાલીઓને સમજાવવાથી લઈને બાળકોને નવડાવવા, વાળ ઓળી આપવા કે નખ કાપી આપવા જેવું કામ પણ સ્કૂલમાં કર્યું. ભણાવવાની સાથે અનેક નવતર પ્રયોગો દ્વારા પછાત વિસ્તારમાંથી આવતાં બાળકોને એન્જિનિયરિંગની ડિગ્રી સુધી પહોંચાડનારા ૪૬ વર્ષના નાથાલાલ ચાવડાએ પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાને મજાની સ્કૂલ અને સંસ્કારસિંચનના ધામ તરીકે કેવી રીતે ડેવલપ કરી એની રસપ્રદ દાસ્તાન પ્રસ્તુત છે
પાલિતાણાનો કસાઈવાડો. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તારની સરકારી સ્કૂલમાં બદલી થવી એટલે શિક્ષકો માટે કાળા પાણીની સજા ગણાતી. આવી જ એક સજા ભોગવવા ૨૦૦૪ની ૨૯ નવેમ્બરે પચીસ વર્ષનો એક જુવાનિયો હાથમાં ઑર્ડર લઈને શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાનાં પગથિયાં ચડે છે. શરૂઆતના દિવસોમાં તો તેને સમજાયું જ નહીં કે આ નરક જેવા માહોલમાં કામ ક્યાંથી શરૂ કરવું? પણ તે જુવાનિયાના લોહીમાં ખેડૂત બાપની કઠોર શ્રમનિષ્ઠા અને આપત્તિને અવસરમાં પલટાવવાની ખુમારી વણેલી હતી. તેણે સ્કૂલનું ટાઇમટેબલ બાજુ પર મૂક્યું. તે રોજ સવારે કસાઈવાડાની લોહીથી ખદબદતી ગલીઓમાં ફરતો, વાલીઓની નારાજગી વહોરીને પણ બાળકોને સ્કૂલમાં મોકલવાની ભલામણ કરતો, સ્કૂલમાં આવતાં બાળકોને પકડી-પકડીને પોતાના હાથે નવડાવતો, તેમના વિખરાયેલા વાળમાં તેલ નાખીને ઓળી આપતો અને નખ કાપી આપતો. ધીમે-ધીમે વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતીને તેમનો પારવાર આદર અને પ્રેમ મેળવનારો તે જુવાનિયો એટલે આજે આખા ભાવનગર જિલ્લામાં ઇનોવેશનના પર્યાય ગણાતા શિક્ષક નાથાભાઈ ચાવડા. છેલ્લાં ૨૧ વર્ષના અવિરત પુરુષાર્થ, ૧૫,૦૦૦થી વધુ કલાકના વ્યક્તિગત સમયદાન અને પોતાની આગવી કોઠાસૂઝથી નાથાભાઈએ આ સજાની સ્કૂલને આજે આખા પંથકમાં મજાની સ્કૂલ અને પવિત્ર સેવા આશ્રમ બનાવી દીધી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે કૃષ્ણાર્પણ શ્રેષ્ઠ શિક્ષક સન્માન, મોરારીબાપુના હસ્તે રામાર્પણ અને જૂનાગઢ ભારતી આશ્રમ દ્વારા શિવાર્પણ શ્રેષ્ઠ શિક્ષક સન્માન અવૉર્ડ ઉપરાંત ‘પ્રતિભાશાળી શિક્ષક’, ‘મનુભાઈ પંચોળી – સૉક્રેટિસ સન્માન’ જેવાં અનેક માતબર પારિતોષિકથી સન્માનિત થયેલા આ કર્મયોગી શિક્ષક સામાજિક સંસ્થાઓ પાસેથી ૨૧ લાખ રૂપિયાથી વધુનું ભંડોળ લાવીને સરકારી શિક્ષણની કાયાપલટ કરી ચૂક્યા છે. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલા ક્રાન્તિકારી પ્રયોગો વિશે થયેલી ખાસ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.
ADVERTISEMENT
કારખાનાથી સ્કૂલના ‘હીરા’ ઘસવા સુધી
વિખ્યાત સાહિત્યકાર મનુભાઈ પંચોળી ઉર્ફે ‘દર્શક’ની કર્મભૂમિ માઈધાર ગામના વતની નાથાભાઈની સફર પણ કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. નાથાભાઈ પોતે દસમા ધોરણમાં નાપાસ થયા હતા. સૌરાષ્ટ્રના સામાન્ય પરિવારના દીકરાની જેમ મા-બાપે તેમને હીરા ઘસવાના કારખાને મોકલી દીધા. જોકે નિયતિને મંજૂર નહોતું કે નાથાભાઈ કારખાનામાં હીરા ઘસે. કુદરતે તો તેમની પાસે નિશાળમાં માનવહીરા ઘસાવાનું નક્કી કર્યું હતું. મોટા ભાઈ મદદે આવ્યા. તેમણે ફરી દસમાની પરીક્ષા અપાવી અને નાથાભાઈની ભણતરની ગાડી પાટે ચડી ગઈ. હાઈ સ્કૂલ માટે પાલિતાણા આવ્યા અને સ્ટુડન્ટ ઑફ ધ યરનો ખિતાબ જીત્યા. આગળ ભાવનગર જઈને ભણ્યા અને પછી પુણેથી બૅચલર્સ ઑફ ફિઝિકલ એજ્યુકેશન (BPEd)ની પદવી લઈને શિક્ષક બન્યા. ભૂતકાળને યાદ કરતાં નાથાભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘શરૂઆતમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ નહોતા આવતા એટલે કસાઈવાડામાં સર્વે માટે હું પોતે જ ગયો ત્યારે કોઈક વાલીએ ‘તમે તમારું કામ કરો’ એમ કહીને જાકારો આપ્યો તો કોઈકે વળી ‘હા, અમે જોઈશું’ કહીને વાતને ટૂંકી કરી નાખી. અમારાં બાળકો ભણે કે ન ભણે એમાં આ શિક્ષકને શું પડી છે એ રીતે ઘણાને મારા ઇરાદા પર શંકા પણ જાગી. જોકે જ્યારે મેં બાળકોના વાળ ઓળવાનું અને તેમને નવડાવવાનું શરૂ કર્યું ત્યારે કસાઈવાડાના કઠોર વાલીઓ ઓગળવા માંડ્યા. તેમને લાગ્યું કે આ કોઈ સરકારી નોકરિયો માસ્તર નથી, આ તો અમારા છોકરાઓની સાચી ચિંતા કરે છે. બસ, એ દિવસથી વાલીઓનો જે સદ્ભાવ મળ્યો એણે મારા મગજમાં સમસ્યાઓ ઉકેલવા માટે નવા-નવા કીમિયા જગાડવાનું શરૂ કર્યું.’
ઇનોવેશનની અસર
અત્યારે શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં કુલ ૩૬૫ વિદ્યાર્થીઓ છે. એમાં ૯૬ ટકા મુસ્લિમ સમુદાયના છે અને બાકીના અનુસૂચિત જાતિના અને દેવીપૂજકો છે. સામાન્ય રીતે વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે ત્યારે નાથાભાઈએ દિવાળીના વેકેશનના ૩૦ કલાક સ્કૂલના પરિસરમાં ગાળીને એની સફાઈ, શૌચાલયની સફાઈ અને રંગરોગાન જાતે કર્યું. ‘ઘસાઈને ઊજળા થઈએ’ એ સૂત્રને તેમણે ચરિતાર્થ કર્યું છે. તેમના શિક્ષણના પ્રયોગો માત્ર સ્કૂલ પૂરતા સીમિત નથી. ‘મારી જેલ, મારી શાળા’ પ્રોજેક્ટ અંતર્ગત જેલના કેદીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપવા, રમતગમત દ્વારા કેદીઓનું હૃદય-પરિવર્તન કરવા અને રામાયણ-મહાભારતના પ્રસંગો સંભળાવવા તાલુકા કાનૂની સેવા સમિતિમાં પૅરાલીગલ વૉલન્ટિયર તરીકે નાથાભાઈની પસંદગી થઈ હતી. નાથાભાઈ કહે છે, ‘જેલ એક શાળા હોવી જોઈએ એ વિચાર સાથે પાલિતાણા કોર્ટની મંજૂરી લઈને હું બપોરનું ભોજન રવિવારે કેદીઓ સાથે કરતો. ધ્યાનયોગ, પ્રાણાયામ, વિવિધ મૂલ્યશિક્ષણના વર્ગો યોજતો. તેમને ‘તિરંગા’ ફિલ્મ દેખાડી. નવરાત્રિમાં ગરબા રાખ્યા. કેદીઓને ગરબે રમાડ્યા. તેમનામાં પરિવર્તનનું નવું બીજ રોપવાનું કામ કર્યું. આપણી પ્રવૃત્તિઓને ઝોન કક્ષાએ દિલ્હીમાં બેસ્ટ પૅરાલીગલનું સન્માન મળ્યું.’
૨૧ વર્ષની સફરનો નિચોડ શું? નાથાભાઈ અત્યંત દૃઢતાથી કહે છે, ‘પાલિતાણાની આ સ્કૂલમાં મારી પોસ્ટિંગ થઈ ત્યારે શરૂઆતના થોડાક મહિના તો હું પણ મોજમાં હતો. કામ કરવાનું નહીં અને બેઠાં-બેઠાં પગાર મળે. જોકે પછી મન કચવાતું. અન્ય સ્કૂલોના શિક્ષકોનો અમારા તરફ જોવાનો નજરિયો જુદો હતો. એટલે થયું કે હવે બદલાવ જાતે જ લાવવો પડશે. મારો અનુભવ કહે છે કે શિક્ષણની કે ક્યાંયની પણ સમસ્યાનો રામબાણ ઇલાજ ઇનોવેશન છે. તમે જ્યારે કોઈ એક નાની સમસ્યા ઉકેલવા નવતર પ્રયોગ કરો છો ત્યારે સ્કૂલની બીજી ૧૦ સમસ્યાઓ આપોઆપ ઊકલી જાય છે. બેશક ઘણી વાર એમાં લોકોનો વિરોધ પણ આવે. શરૂઆતમાં મારા વધુ કામ કરવાના વલણથી પણ ઘણાના પેટમાં તેલ રેડાતું, કારણ કે મારા કારણે તેમણે પણ વધારે કામ કરવું પડતું. મારા નામની ફરિયાદો પણ થતી. જોકે ‘નડતર’ને મેં ‘નવતર’થી જીતવાનું નક્કી કર્યું. આજે પરિણામ આપણી સામે છે. જે કસાઈવાડાનાં બાળકો ક્યારેય પેન પકડવા તૈયાર નહોતાં તેઓ આજે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે. વાલીઓનો પણ એટલો જ સપોર્ટ છે. હું જોઈ રહ્યો છું કે તેમનું જ નહીં, તેમના આખા પરિવારનું જીવનધોરણ બદલાયું છે. સ્વચ્છતાની સાથે વ્યસનમુક્તિ, સાચું બોલવું, નિખાલસપણું વગેરે પણ બાળકોમાં આવ્યાં છે. વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે. પહેલાં જે શિક્ષણની ભૂખ નહોતી એનાથી ઊંધું વાતાવરણ હવે સર્જાયું છે. મારા માટે આ સ્કૂલ નથી પણ સેવાશ્રમ છે. સ્કૂલ એ માણસ બનાવવાની ફૅક્ટરી છે.’
યસ, આ વાત તો
સાચી છે. કસાઈવાડાનાં બાળકો ગ્રૅજ્યુએશન કરતાં થયાં. કેટલાંક એન્જિનિયરિંગની દિશામાં પણ આગળ વધ્યાં છે. સંસ્થાઓ તરફથી સહાય લેવાની સાથે નાથાભાઈ પોતે પણ પોતાનાથી બનતી આર્થિક મદદ વિવિધ કાર્યોમાં વાપરે છે. તેઓ કહે છે, ‘ઈશ્વરની કૃપાથી મારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે એટલે સરકારે મને આપેલું મારું મેડિકલ અલાઉન્સ મેં ક્યારેય મારા અંગત ઉપયોગ માટે નથી વાપર્યું. એ બધી જ રકમ હું બાળકોની આ પ્રવૃત્તિઓ પાછળ વાપરી નાખું છું.’
પ્રજ્ઞાકુટિર : વિદ્યાર્થીઓએ જાતે બનાવ્યો વાંસ-કોથળામાંથી ક્લાસરૂમ: પ્રવૃત્તિ-આધારિત શિક્ષણને કારણે સ્કૂલમાં બાળકોની સંખ્યા એટલી વધી ગઈ કે વર્ગખંડો ટૂંકા પડવા માંડ્યા. સામાન્ય શિક્ષક હોત તો સરકારમાં લેખિત માગણી કરીને હાથ ધોઈ નાખત, પણ નાથાભાઈએ બાળકો સામે જ વાત મૂકી કે આપણે ત્યાં વર્ગની સંખ્યા ઓછી છે તો શું કરીશું? બાળકોએ જ રસ્તો દેખાડ્યો કે આપણો વર્ગ આપણે જાતે બનાવીએ. નાથાભાઈએ માર્ગદર્શકની ભૂમિકા ભજવીને વિદ્યાર્થીઓ પાસે જ વાંસ અને કોથળાની મદદથી એક સુંદર ઝૂંપડીનું નિર્માણ કર્યું જેને નામ આપ્યું ‘પ્રજ્ઞાકુટિર’. આ કુટિરને એવી રીતે સજાવી કે એ પ્રાચીન ઋષિના આશ્રમ જેવી લાગવા માંડી. મીડિયામાં આ પ્રયોગ એટલો ગાજ્યો કે એને ભાવનગર જિલ્લાના ઇનોવેશન ફેરમાં સ્થાન મળ્યું. આ પ્રયોગથી વર્ગખંડની અછત તો પૂરી થઈ જ, સાથે નાથાભાઈને નિત્ય નૂતન ઇનોવેશન કરવાની નવી ઊર્જા મળી.
સાઇકલ ડ્રાઇવિંગ સ્કૂલ : વિદ્યાર્થીઓની હાજરી વધારવાની ટ્રિક :
સ્કૂલમાં બાળકોની અનિયમિતતા તોડવા માટે નાથાભાઈએ બાળકોના સાઇકલ પ્રત્યેના આકર્ષણને હથિયાર બનાવ્યું. તેમણે રવિવારે સ્કૂલના મેદાનમાં સાઇકલ ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરી, પરંતુ એમાં પ્રવેશ માટે એક અનોખી કડક શરત રાખી : જે બાળક ચાલુ મહિનામાં સ્કૂલમાં ૯૦ ટકા કે એથી વધુ હાજરી આપશે તેને જ આવતા મહિનાની સાઇકલ શાળામાં પ્રવેશ મળશે. નાનાં બાળકો માટે સાઇકલ એટલે લક્ઝરી કાર સમાન હતી. પરિણામે રવિવારે સાઇકલ શીખવાના મોહમાં બાળકો આખો મહિનો નિયમિત સ્કૂલ આવવા લાગ્યાં અને ઓછી હાજરીની સમસ્યાનો કાયમી અંત આવી ગયો. ૯ સાઇકલ દાતા પરિવાર પાસેથી પ્રાપ્ત થઈ.
સાક્ષરતા દીપ : વાલીઓ માટે રાત્રિશાળા :
કોઈ પણ બાળક ત્યાં સુધી નિયમિત સ્કૂલમાં નહીં આવે જ્યાં સુધી તેના વાલી શિક્ષણનું મૂલ્ય નહીં સમજે. આ વિચાર સાથે નાથાભાઈએ વાલીઓને ટાર્ગેટ બનાવ્યા. તેમણે નિરક્ષર વાલીઓની યાદી તૈયાર કરી અને તેમના માટે રાતે સ્કૂલ શરૂ કરી. આ રાત્રિશાળાનો લાભ ૪૫થી વધુ વાલીઓએ લીધો. જ્યારે અભણ વાલીઓ પોતે રાત્રે સ્લેટ-પેન લઈને બેઠા ત્યારે તેમનામાં અક્ષરજ્ઞાન સાથે એક નવો આત્મવિશ્વાસ જાગ્યો. વાલીઓને થયું કે આ નવો માસ્તર અમારા છોકરાઓનું ભલું કરશે અને જોતજોતાંમાં સ્કૂલ અને વાલીઓ વચ્ચેનું અંતર ઓગળી ગયું.
વિદ્યા ક્લિનિક : અનોખી શૈક્ષણિક ઉપચારપદ્ધતિ : બાળકો ભણવામાં કેમ કાચાં રહી જાય છે? એના નિદાન માટે નાથાભાઈએ દર મહિનાની બીજી તારીખે સ્કૂલમાં વિદ્યા ક્લિનિક શરૂ કર્યું છે. આ દિવસે જેમ ડૉક્ટર દરદીનું નિદાન કરે એમ શિક્ષક અને વાલી સાથે બેસે છે. બાળકની નબળાઈઓ, તેનાં કૌટુંબિક કે માનસિક કારણો જાણીને બન્ને સાથે મળીને તેનો શૈક્ષણિક ઉપચાર કરે છે. આ અદ્ભુત પ્રયોગ રાજ્યકક્ષા સુધી શ્રેષ્ઠ ઇનોવેશન તરીકે પસંદગી પામ્યો છે. જે પણ વિષયમાં વિદ્યાર્થી નબળો હોય એની પાછળનાં કારણો જાણીને એમાં તેને પારંગત બનાવવાના પ્રયાસો થાય છે.
ઇનોવેટિવ રવિ મંડળ : ભાર વિનાનું ભણતર : ચાલુ દિવસોમાં ટાઇમટેબલ અને સિલેબસના દબાણને કારણે જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ નથી થઈ શકતી એના માટે નાથાભાઈએ ઇનોવેટિવ રવિ મંડળની સ્થાપના કરી છે. રવિવારે બાળકો કોઈ પણ દફ્તર કે પાઠ્યપુસ્તક વિના સ્કૂલમાં આવે છે. આખો દિવસ માત્ર ચિત્રકામ, સંગીત, નાટક, રમતો અને વિવિધ પ્રવૃત્તિઓ થાય છે જેમાં શિક્ષકો પણ બાળકો બનીને જોડાય છે. મજાની વાત એ કે વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિઓનું પ્લાનિંગ પણ વિદ્યાર્થીઓનું આ ગ્રુપ પોતે જ કરે છે. આ પ્રયોગ ખરા અર્થમાં ગાંધીજીની નયી તાલીમ, ભાર વિનાના ભણતર અને ન્યુ એજ્યુકેશન પૉલિસીનો ઉત્તમ નમૂનો છે. આ ગ્રુપ વિવિધ તહેવારો મુજબ જાતે જ પ્રોગ્રામ પણ કરે છે.
તોફાનની સજા : અનુલોમ-વિલોમ પ્રાણાયામ : સામાન્ય રીતે સ્કૂલમાં તોફાન કરતાં બાળકોને નકારાત્મક શારીરિક કે માનસિક સજા આપવામાં આવે છે જે બાળકના મનમાં દ્વેષ પેદા કરે છે. નાથાભાઈએ આ પરંપરા બદલી નાખી. જો કોઈ બાળક વર્ગખંડમાં અતિશય તોફાન કે મસ્તી કરે તો તેને વઢવાને બદલે શાંતિથી બેસાડીને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરાવવામાં આવે છે. આ અનોખી સજાથી બાળકની ચંચળતા શાંત થાય છે, તેનો ગુસ્સો ઓગળે છે અને તેનામાં આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થાય છે.
પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ કૅમ્પસ :
સ્કૂલના પરિસરને સ્વચ્છ રાખવા માટે આ એક અદ્ભુત સ્વયંશિસ્તનો પ્રયોગ છે. આ અંતર્ગત બાળકોની એક ખાસ ટુકડી બનાવવામાં આવે છે જે સમયાંતરે આખા કૅમ્પસનું પૅટ્રોલિંગ કરે છે. જો ક્યાંય કચરો દેખાય તો તેની ડાયરીમાં વિગતવાર નોંધ કરે છે અને કચરો ડસ્ટબિનમાં નાખે છે. બીજા દિવસે પ્રાર્થનાસભામાં આ નોંધ વંચાય છે. જેમ કે ગઈ કાલે બપોરે ૧.૩૦ વાગ્યે અમારી સફર દરમ્યાન ત્રીજા ધોરણના વર્ગની પાછળની બારી પાસે ચૉકલેટના ત્રણ કાગળ મળ્યા હતા. આ નાનકડા પ્રયોગની અસર એવી થઈ કે પોતાના વર્ગનું નામ પ્રાર્થનાસભામાં ખરાબ ન દેખાય એ માટે દરેક વર્ગનાં બાળકો સજાગ બની ગયાં અને આખી સ્કૂલ આપોઆપ પ્લાસ્ટિકમુક્ત અને ચકાચક બની ગઈ.
પાકું કરો અને ઇનામ જીતો : બાળકોમાં મૌખિક ગણતરીશક્તિ અને ભાષાપ્રભુત્વ વધે એ માટે આ સ્પર્ધાત્મક કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો. આ અંતર્ગત ઘડિયા, પલાખાં, કવિતાઓ અને ગણિતની પાયાની બાબતો જે બાળક મૌખિક રીતે પાકી કરીને સંભળાવે તેને ત્વરિત પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે. આ પ્રયોગથી ગરીબ બાળકોમાં પાયાનું શિક્ષણ ખૂબ મજબૂત બન્યું છે. તેમને મનગમતાં ઇનામો મળશે એ લાલચમાં તેઓ વધુ ને વધુ ભણવામાં ધ્યાન આપવા માંડ્યાં.
સ્કૂલ બંધ, શિક્ષણ નહીં : કોરોના મહામારીમાં આખી દુનિયા થંભી ગઈ હતી ત્યારે નાથાભાઈએ શિક્ષણ અટકવા ન દીધું. કોવિડ નાઇન્ટીન, સ્વાઇન ફ્લુ અને ચિકનગુનિયા જેવા વાઇરસના પ્રકોપ દરમ્યાન ઉકાળા કેન્દ્રો શરૂ કર્યાં. જ્યાં લોકો બેસણામાં જતા ત્યાં તેમને ચાને બદલે આ હર્બલ ઉકાળા પિવડાવવા માટે પ્રોત્સાહિત કરતા. સાથે તેમણે સ્થાનિક મદરેસાના સંચાલકોનો સંપર્ક કરીને મદરેસાનો ઉપયોગ સરકારી સ્કૂલના શિક્ષણ માટે પણ થઈ શકે એ સાબિત કરી બતાવ્યું. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે શેરીના ઓટલે પણ તેમણે લાંબો સમય સ્કૂલો ચલાવી. કોરોના પછી બાળકોમાં જે લર્નિંગ-લૉસ થયો હતો એને પૂરો કરવા માટે તેમણે નિયમિત સ્કૂલનો સમય પૂરો થયા પછી પણ વધારાના કલાકોનું સમયદાન આપીને બાળકોને વ્યક્તિગત રીતે ભણાવ્યાં છે.
રાહી શબરી વન : મોરારીબાપુ જ્યારે સ્કૂલની મુલાકાતે પધારેલા ત્યારે નાથાભાઈએ સ્કૂલમાં એક શબરી વન બનાવવાનું સપનું જોયેલું. આ સપનાને પૂરું કરવા તેમણે પોતાના ઉનાળુ વેકેશનના ૧૦૦ કલાકનું શ્રમદાન આપ્યું અને અમદાવાદની રાહી ફાઉન્ડેશન સંસ્થા પાસેથી ૨૨,૦૦૦ રૂપિયાના આર્થિક યોગદાનથી સ્કૂલના પરિસરમાં ‘રાહી શબરી વન’નું નિર્માણ થયું. એમાં સીતોપલાદી, અરડૂસી જેવાં ૧૦૦થી વધુ વિવિધ ઔષધીય અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે જે આજે બાળકો માટે વિજ્ઞાનની જીવંત પ્રયોગશાળા બન્યું છે.
સુલસા શ્રાવિકા કૌશલ્ય વર્ધન કેન્દ્ર :
અહીં ભણતી દીકરીઓ માટે એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટી તરીકે સીવણકામ શીખી શકે એ માટે દાતાઓની સહાયથી આઠ સીવણ-મશીન મળ્યાં છે. બે કલાક વહેલી આવીને દીકરીઓને અહીં વિશેષ સીવણ અને ગૂંથણની ટ્રેઇનિંગ અપાય છે. આ કામથી પણ દીકરીના પરિવારોને ખાસ્સી મદદ મળી છે.
ભોજન અને ભજનગૃહ : અમારે ત્યાં પહેલાં બાળકો તડકામાં ભોજન કરતાં એમ જણાવતાં નાથાભાઈ કહે છે, ‘એક દિવસ અહીં ધર્મબોધિ મહારાજસાહેબની પધરામણી થઈ. તેમણે બાળકોને પૂછ્યું કે શું જોઈએ છે? અમે કહ્યું કે ભજન અને ભોજનખંડ મળી જાય તો સારું અને સ્કૂલના એ ભાગને માથે છત મળી ગઈ. એમાં પણ ચારેય બાજુએ અહિંસા અને માતા-પિતાને આદર આપવાના વિવિધ ધર્મગ્રંથોના સંદેશને અમે મૂક્યા જેથી બાળકો વાંચે અને જીવનમાં ઉતારે. આજે દરરોજનાં અઢીસો બાળકો પ્રાર્થના અને ભોજન કરે છે.’
આદિનાથ આરોગ્યરથ : આ સ્કૂલમાં બીમાર બાળકો અને તેમનાં માતા-પિતા માટે અઠવાડિયાની ૩ આરોગ્યસેવા ઉપલબ્ધ થઈ છે. નાથાભાઈ કહે છે, ‘બાળકો અને વાલીઓમાં બીમારીનું પ્રમાણ ખૂબ હતું. શેત્રુંજય યુવક મંડળ નામની સંસ્થાએ ગ્રામ્ય લેવલે સેવા શરૂ કરી હતી. એમાંથી અઠવાડિયાના ૩ દિવસ સાંજે પાંચથી ૬ વાગ્યે અમારે ત્યાં આરોગ્યરથ આવીને ઊભો રહે. તેમને પ્રાથમિક સારવાર આપે અને વધુ તપાસની જરૂર હોય તો એનું પણ માર્ગદર્શન આપે. કેટલાંક બાળકોની મોટી બીમારીઓનું નિદાન પણ આ આરોગ્યસેવા થકી થયું છે. ૬૦થી વધારે દરદીઓ અહીં લાભ લઈ રહ્યા છે.’
આદિનાથ ધ્યાન કેન્દ્ર : નવકાર મંત્ર એ યુનિવર્સલ મંત્ર છે અને નકારાત્મક ઊર્જાને રોકવાનું અમોઘ શસ્ત્ર છે એવું નાથાલાલ માસ્તરે ક્યાંક સાંભળ્યું હતું. ૯ કરોડ નવકારના જાપનું મહત્ત્વ જાણ્યા પછી તેમણે સ્કૂલની અગાસી પર બનાવેલા આદિનાથ ધ્યાન કેન્દ્ર અંતર્ગત સ્વૈચ્છિક પ્રાર્થનામાં નવકાર જાપ કરાવવાનું શરૂ કર્યું. દરરોજ સવારે છઠ્ઠા ધોરણથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ નવકારનો સામૂહિક જાપ અને વિશ્વમંગલની પ્રાર્થના કરતા હોય છે.
ભાઈબંધની દીવાલ : અપરિગ્રહ અને સ્વમાન
સ્કૂલના પરિસરમાં નાથાભાઈના ફળદ્રુપ ભેજાની નીપજસમી આ દીવાલ આવેલી છે. આ દીવાલ પાછળનો નિયમ એવો છે કે જેમના ઘરે વધારાનાં, જૂનાં પણ પહેરી શકાય એવાં કપડાં, સ્વેટર, કોટ કે શાલ છે તેઓ આ દીવાલ પર આવીને ટીંગાડી જાય અને જેમને આ વસ્તુની જરૂર છે તેઓ પૂછ્યા કે જણાવ્યા વિના પોતાની જરૂરિયાત મુજબની વસ્તુ ત્યાંથી લઈ જાય. આજના સમયમાં લોકો નાની વસ્તુનું દાન કરીને સોશ્યલ મીડિયા પર ફોટો પાડીને ઢોલ પીટે છે જેનાથી લેનારનું સ્વમાન ઘવાય છે. ભાઈબંધની દીવાલથી ગરીબ બાળક પોતાનું સ્વમાન સાચવીને વસ્તુ લઈ શકે છે અને આપનાર બાળકના મનમાં અપરિગ્રહવૃત્તિ એટલે કે જે વધારાનું છે એ સમાજ માટે છોડી દેવાના ગુણનું બીજારોપણ થાય છે.
આદિનાથ રમકડાંની ગાડી
આ વર્ષના ઇનોવેશન ફેરમાં પ્રસ્તુત થનારો આ તેમનો તદ્દન નવો કન્સેપ્ટ છે. પ્રાથમિક સ્કૂલનાં નાનાં-નાનાં ભૂલકાંઓ રમત-રમતમાં ગણિત, વિજ્ઞાન અને ભાષાના પાયાના સિદ્ધાંતો શીખી શકે એ માટે તેમણે નકામી સામગ્રીમાંથી એક આકર્ષક રમકડાંની ગાડી તૈયાર કરી છે. બાળકો રમતાં જાય છે અને અઘરા કન્સેપ્ટ્સ સરળતાથી આત્મસાત્ કરતાં જાય છે. આ ઉપરાંત બાળકોને અમુક રમકડાં ઘરે પણ લઈ જવા મળે અને બાળકો એકબીજા સાથે રમકડાં એક્સચેન્જ પણ કરે.
ચિત્રકૂટ અતિથિગૃહ અને બાપુની બોરડી
આ કન્સેપ્ટ વિશે નાથાભાઈ પાસેથી જ સાંભળીએ. તેઓ કહે છે, ‘મેં વર્ષો પહેલાં ચિત્રકૂટ અતિથિગૃહ વાંસ અને કાપડમાંથી બનાવ્યું હતું. મનમાં એક ભાવ હતો કે એક દિવસ પૂજ્ય મોરારીબાપુ આ અતિથિગૃહમાં પધારે અને ભોજન આરોગે. હું દરરોજ ટિફિન લઈને અહીં આવતો અને એ એક દિવસની રાહ જોતો કે મોરારીબાપુ અહીં આવશે. ૭ વર્ષે એ ઇચ્છા પૂરી થઈ અને પાલિતાણામાં બાપુની સપ્તાહ હતી ત્યારે બાપુ ચિત્રકૂટ અતિથિગૃહમાં પધાર્યા. રાબેતા મુજબ હું ટિફિનમાં સરગવાની સિંગની કઢી અને બાજરાના રોટલા લાવ્યો હતો એ બાપુએ આરોગ્યા અને બોર પણ ચાખ્યા. એ બોરના ઠળિયાને વાવીને અમે બોરડીનું ઝાડ વાવીશું એવો સંકલ્પ કર્યો છે જે બાપુની બોરડી તરીકે પ્રચલિત થશે. અમારી માટે બાપુની એ જીવનભરની યાદગીરી બની જશે.’
