પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે બની દિલધડક અને રૂંવાડાં ઊભાં કરી દેતી ઘટના : મોતના મુખમાં પહોંચી ગયેલો માલધારી ગભરાયો નહીં : સિંહણનો ગુસ્સો શાંત કરવા એના પર હાથ ફેરવ્યો : એને ભગાડવા દેકારો મચાવી દીધો ગામવાસીઓએ : આખરે માલધારીને છોડીને સિંહણ જતી રહી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સૌરાષ્ટ્રમાં ગીરના સાવજો સાથે માણસોના સહઅસ્તિત્વ સામે સવાલ કરતી વધુ એક દિલધડક અને રૂંવાડાં ઊભાં કરી દેતી ઘટના ભાવનગર જિલ્લામાં આવેલા યાત્રાધામ પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે ગઈ કાલે બની હતી. ગામના એક માલધારી કાળુ પરમાર પર સિંહણ અચાનક હુમલો કરીને તેના પગ પર બેસી જતાં ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. અડધો કલાક સુધી ચાલેલી જીવસટોસટની આ ઘટનામાં મોતને વેંત છેટું જોઈને ગભરાવાને બદલે કાળુ પરમારે સંયમથી કામ લઈને સિંહણનો કોળિયો બની જવાને બદલે એને પંપાળીને એની પકડમાંથી છૂટવા માટે પ્રયાસ કર્યો હતો અને જાણે કે કોઈ ચમત્કાર થયો હોય એમ સિંહણ માલધારીને છોડીને જતી રહેતાં સૌએ રાહતનો દમ લીધો હતો. જોકે સિંહણના હુમલામાં ઘાયલ થયેલા માલધારીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
ગરાજિયા ગામમાં રહેતો કાળુ પરમાર સવારે ગાયને ઘાસચારો નાખવા જતો હતો ત્યારે અચાનક આવી ગયેલી સિંહણે તેના પર હુમલો કર્યો હતો અને તેને નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ તે તેના પગ પર બેસી ગઈ હતી અને ઘુરકિયાં કરતી હતી. રૂંવાડાં ઊભાં કરી દેતી આ ઘટનાથી આખા ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો અને બધા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાળુ પરમારને બચાવવા માટે સૌકોઈએ પ્રયાસો હાથ ધર્યા હતા અને સિંહણને ભગાવવા માટે ભારે દેકારો મચાવી દીધો હતો. આ બાજુ કાળુ પરમારે સિંહણની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એની પકડ મજબૂત હોવાથી તે ફાવ્યો નહોતો. મોતના મુખમાં પહોંચી ગયેલા માલધારીએ ગભરાયા વગર સંયમથી કામ લઈને મોતના મુખમાંથી છૂટવા માટે છેલ્લા પ્રયાસના ભાગરૂપે સિંહણના માથે હાથ ફેરવીને એને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સિંહણે તેને ન છોડતાં નિઃસહાય થઈને પડી રહ્યો હતો. સિંહણની સાથે લગભગ અડધો કલાક સુધી આ માલધારી જમીન પર ફસડાઈને પડી રહ્યો હતો. જોકે બીજી તરફ ગામના લોકો તેને બચાવી લેવા સતત બુમરાણ મચાવતા હોવાથી આખરે સિંહણ અચાનક કાળુ પરમારને છોડીને જતી રહી હતી.
ADVERTISEMENT
હિંમતને લોકોએ બિરદાવી
પોતાની અને ગામના લોકોની હાજરીમાં મોતને નજરોનજર જોનાર કાળુ પરમારની હિંમત અને સમજશક્તિને દાદ આપવા જેવી છે. સિંહણના હુમલાથી ભોંયભેંગા થયા બાદ સિંહણ ઉપર ચડીને બેસી જાય તો છપ્પનની છાતીનાં પાટિયાં પણ બેસી જાય એવા બનાવમાં કાળુ પરમારે જે હિંમત બતાવી એને ગામવાસીઓએ બિરદાવી હતી. આ દિલધડક ઘટનાનો લાઇવ વિડિયો વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સિંહણના હુમલામાં માલધારી લોહીલુહાણ થઈ ગયો હતો. સિંહણે જ્યારે આ માલધારીને છોડ્યો ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ગામલોકોમાં ફફડાટ ફેલાયો
અમરેલી જિલ્લામાં માણસો પર સિંહોએ કરેલા હુમલાની ઘટનાઓ બની છે ત્યાં વધુ એક વાર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પણ માણસ પર સિંહણના હુમલાની ઘટના બનતાં ગામલોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. રેવન્યુ વિસ્તારમાં માણસ પર ફરી વાર સિંહણના હુમલાથી રેવન્યુ વિસ્તારનાં ગામોમાં રોષ સાથે ગભરાટ ફેલાયો છે. ગરાજિયા ગામમાં કાળુ પરમાર પર હુમલો કર્યો એ પહેલાં ગામની અન્ય એક વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો. જોકે તે છટકીને બચી ગઈ હતી.
મેં એને પંપાળી અને એણે મારો હાથ ઢીલો મૂક્યો ઃ કાળુ પરમાર
સિંહણના હુમલાને કારણે ઘાયલ થયેલા કાળુ પરમારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘સવારે હું મારી ગાયને ઘાસ ખવડાવવા માટે જતો હતો ત્યારે સિંહણે મારા પર અચાનક હુમલો કર્યો હતો. પહેલાં મારી ઓડ પર મારીને એણે મને પાડી દીધો હતો અને પછી મારો હાથ મોઢામાં મૂકી દીધો હતો. જોકે મેં એને પંપાળ્યો એટલે એણે મારો હાથ ઢીલો મૂક્યો હતો. એટલે મેં હાથ કાઢી લીધો. એ પછી મારી ગાય પાસે ગયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.’
ગીરમાં વરસતા વરસાદમાં ટહેલવા નીકળ્યો સિંહ પરિવાર
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદમાં હાઇવે પર સિંહનો એક પરિવાર બેખોફ અંદાજમાં ફરતો નજરે પડ્યો હતો. વેરાવળ–ભાવનગર હાઇવે પર ૪ સિંહોને જોઈને વાહનચાલકોએ તેમનાં વાહન રોકી દીધાં હતાં અને થોડે દૂર જઈ સુરિક્ષત રીતે આ દુર્લભ નજારાનો આનંદ લીધો હતો. વરસતા વરસાદમાં લટાર મારવા નીકળેલા સિંહ પરિવારનો વિડિયો વાઇરલ થયો હતો.
