બધા અધિકારીઓ અને કર્મચારીઓની રજા કૅન્સલ કરી દેવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિને પગલે ગુજરાતના બધા અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ, અમદાવાદ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોટા અવાજવાળા ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે બધા વિભાગો અને ખાતાંઓ તેમ જ બોર્ડ, નિગમો, પંચાયત, કૉર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ તેમ જ કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા પ્રકારની રજા તાત્કાલિક અસરથી રદ કરી છે. એ ઉપરાંત રજા પર ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવા સંબંધિત વિભાગો અને ખાતાંઓના વડાને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી ૯૬ કલાક સુધી ગુજરાતમાં ડ્રોન ઉડાડવા તેમ જ ૧૫ મે સુધી મોટા અવાજવાળા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ ફટાકડાઓથી લોકોના મનમાં ભય અને શંકા ઊભી થઈ શકે છે જે હાલના સંજોગોમાં હિતાવહ નથી.

