પેટ્રોલ નહીં મળે એવી અફવાથી લોકોએ કામધંધો છોડીને ભરતડકે પેટ્રોલ પમ્પોની બહાર લગાવી લાઇનો
અમદાવાદના પેટ્રોલ પમ્પ પર વાહનચાલકોની લાઇન લાગી હતી.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને એના પગલે વૈશ્વિક ક્રૂડ ઑઇલની સપ્લાયને અસર પડી છે. એવા સમયે ગઈ કાલે અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પેટ્રોલ નહીં મળે એવી અફવાઓએ જોર પકડતાં પટ્રોલ પમ્પો પર જોતજોતાંમાં લાંબી લાઇનો લાગી ગઈ હતી. અમદાવાદમાં તો પેટ્રોલને લઈને રીતસરની અંધાધૂધી સર્જાઈ હતી તો ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ પેટ્રોલ લેવા માટે વાહનચાલકોએ દોડધામ મચાવી હતી. લોકોએ કામધંધો છોડીને ભરતડકે વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પમ્પોની બહાર એકથી બે કિલોમીટર જેટલી લાઇનો લગાવી હતી. ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરની લાઇનો લાગતાં રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ સર્જાતાં રોડ બ્લૉક થઈ ગયા હતા. આ રસ્તા ખોલવા માટે ટ્રાફિક પોલીસ દોડતી થઈ હતી. પેટ્રોલ પમ્પો પર વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે લોકો ઊમટી પડતાં કેટલાય પમ્પો પર સ્ટૉક ખલાસ થઈ જતાં ‘નો સ્ટૉક’નાં બોર્ડ મૂકી દેવાયાં હતાં જેના કારણે એકથી બીજા પેટ્રોલ પમ્પો પર વાહનચાલકોએ દોડધામ કરી હતી.
રાજ્ય પાસે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે: હર્ષ સંઘવી
ADVERTISEMENT
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘અફવાઓથી દોરાઈને ભાગદોડ કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે-જોડે હજારો લોકોનો કારણ વગર સમય ન વેડફીએ. આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે માટે જનતાએ સંગ્રહખોરી કે પૅનિક કરવાની કોઈ જરૂર નથી.’
ત્રણ કે ચાર પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ નહીં હોવાથી આ પૅનિક થયુંઃ ગુજરાત પેટ્રોલ પમ્પ અસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કર
ગુજરાત પેટ્રોલ પમ્પ અસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું હતું કે ‘પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં સરકાર તરફથી કે ઑઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ-ડીઝલ મળે છે. અમદાવાદમાં જોવા જઈએ તો ૨૧૦ પેટ્રોલ પમ્પો છે, પરંતુ ત્રણ કે ચાર પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ નહીં હોવાથી આ પૅનિક થયું છે. માટે હું વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં. આપણને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. આવી પરિસ્થિતિ હોય ત્યારે અફવાઓ ન માનીને અને પૅનિક ન કરવું જોઈએ.’
