દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમના કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત અને તાલુકા વિકાસ અધિકારીની પોલીસે કરી ધરપકડ
બળવંત ખાબડ.
ગુજરાતના દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમના કૌભાંડમાં ખુદ ગુજરાત સરકારના પ્રધાનના પુત્ર અને સરકારના જ કર્મચારીઓએ સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પોલીસમાં કરવામાં આવી છે. એકબીજાની સાઠગાંઠ રચીને કામ પૂરું કર્યા વગર કરોડો રૂપિયા લઈ લીધા હોવાની ફરિયાદના પગલે દાહોદ પોલીસે ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ગઈ કાલે ધરપકડ કરી હતી. કરોડો રૂપિયાના કૌભાંડમાં પ્રધાનપુત્રની ધરપકડ થતાં કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રધાનના રાજીનામાની માગણી કરી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનાં કૂવા તથા રેઢાણા તથા ધાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં સ્કીમ હેઠળનાં સામૂહિક કામ પૂરાં નહીં થયાં હોવા છતાં પણ બળવંત ખાબડ અને સરકારી કર્મચારીઓએ એકબીજાની સાઠગાંઠ રચીને કામોનું કમ્પ્લીશન સર્ટિફિકેટ તથા ખોટા પુરાવા ઊભા કરી પૂરું પેમેન્ટ કરી દેવામાં આવ્યું અને પેમેન્ટ મેળવી પણ લેવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કૌભાંડ વિશે વિપક્ષોએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ચૈતર વસાવાએ પ્રધાનનું રાજીનામું માગવા સાથે મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘૧૯ પંચાયતોમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા અમે વિધાનસભામાં રજૂ કર્યા હતા ત્યારે માત્ર ૩ પંચાયતમાં તપાસ થઈ છે અને ૭૧ કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. બીજી પંચાયતોમાં પણ તપાસ થાય તો વધુ કૌભાંડ બહાર આવશે.’
ગુજરાત કૉન્ગ્રેસ પ્રદેશના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘શ્રમિકો, ગ્રામીણ યુવકો-યુવતીઓ અને પરિવારોની રોજગારીનો અધિકાર આ કૌભાંડથી છીનવાયો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રધાનના પુત્ર દ્વારા આચરવામાં આવેલા મહાકૌભાંડમાં દાહોદના બે તાલુકામાં સરકારના પ્રધાનના પુત્ર દ્વારા ૭૦ કરોડની રકમનાં કાગળ પર કામ થયાં છે. આ મુદ્દે પ્રધાને રાજીનામું આપવું જોઈએ.’
ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેમના હાથમાં સત્તા છે, જેમણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે ત્યારે તે લોકો અને તેમના મળતિયા સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં વાડ જ ચીભડાં ગળે છે, કોટવાલ જ ચોર છે.’

