ગુજરાત વિદ્યાપીઠના ૭૧મા દીક્ષાંત સમારોહમાં દ્રૌપદી મુર્મુ હાજર રહ્યાં અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર સંસ્કૃતિના સંવાહક બનવાનો અનુરોધ કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં.
સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં અને ભક્તિભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકાપૂજન કર્યું હતું. દ્રૌપદી મુર્મુનું ઉપરણું, મંદિરની પ્રતિકૃતિ, ફૂલ અને તુલસીમાંથી બનેલી અગરબત્તી, ગોલ્ડપ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ અને પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમ જ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં સૌપ્રથમ વખત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે-સાથે સામાજિક પ્રવૃત્તિના આધારે વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૧૯૨૦માં બ્રિટિશ સરકાર વિરુદ્ધના અસહકાર આંદોલન દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી એનો ઉલ્લેખ કરીને દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે ‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર આવીને આનંદની અનુભૂતિ થઈ રહી છે. એક સમયે દેશવાસીઓને બ્રિટિશ હસ્તકની શાળાઓ અને કૉલેજોનો ત્યાગ કરીને રાષ્ટ્રીય શિક્ષણસંસ્થાઓની સ્થાપના કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ આહવાનને પગલે દેશવાસીઓનાં સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોનું ૧૦૫ વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે.’
ADVERTISEMENT
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાની સંસ્કૃતિના સંવાહક બનીને એને સમગ્ર દેશમાં પ્રોત્સાહિત કરવાનો અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સ્વદેશીના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તમારે સક્રિય ભૂમિકા ભજવવાની છે, રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે.

