ગઈ કાલે માંગરોળ અને કેશોદમાં ખાબક્યો ૧૦ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ: મેઘલ નદીમાં પૂર આવ્યું : જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો થયા પાણી-પાણી
માંગરોળથી કેશોદ જતો રસ્તો જળમગ્ન હાલતમાં મુકાઈ ગયો હતો.
સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪૦ તાલુકામાં પડ્યો હળવોથી ભારે વરસાદ : કોસંબા નજીક મુંબઈ- અમદાવાદ નૅશનલ હાઇવે પર ભરાયાં વરસાદી પાણી : રાજકોટ પાસે ઓવરબ્રિજ પર ભરાયું વરસાદી પાણી
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલે મેઘો મુશળધાર વરસ્યો હતો. માંગરોળ અને કેશોદમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ ૧૦ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. એને કારણે આખો પંથક જળબંબોળ થયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૪૦ તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. એમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદ ઉપરાંત માણાવદરમાં સાડાઆઠ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લાના માળિયા-હાટીનામાં ૭ ઇંચથી વધુ, વંથલીમાં ૪ ઇંચ જેટલો, જૂનાગઢ શહેર અને મેંદરડામાં બે ઇંચથી વધુ, વિસાવદરમાં બે ઇંચ જેટલો અને ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
મુશળધાર વરસાદને કારણે માંગરોળ, કેશોદ તેમ જ માણાવદરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને ગ્રામ્યવિસ્તારોની હાલત કફોડી બની ગઈ હતી. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
ભારે વરસાદને પગલે માળિયા-હાટીનામાં મેઘલ નદીમાં પૂર આવ્યું હતું. ચેકડૅમો છલકાઈ ગયા હતા.
બીજે ક્યાં કેટલો વરસાદ?
બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સવાસાત ઇંચ, જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૬ ઇંચથી વધુ, ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળમાં ૬ ઇંચ જેટલો, પોરબંદરના કુતિયાણામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
રાજકોટ–અમદાવાદ હાઇવે પર માલિયાસણા પાસે ઓવરબ્રિજ પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે વાહનચાલકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. સામાન્ય રીતે અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં હોય છે, પરંતુ અહીં તો ઓવરબ્રિજ પર પાણી ભરાઈ ગયાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદને પગલે સુરત જિલ્લાના કોસંબા નજીક મુંબઈ–અમદાવાદ નૅશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે વાહનચાલકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા.
બારડોલી–નવસારી સ્ટેટ હાઇવે પર તરભોણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાયાં હતાં.
