Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા રામ મંદિર: સરકાર હસ્તક્ષેપ ન કરી શકે, એ સ્વાયત્ત છે- ગૃહ મંત્રાલયે CICને આ શું કહ્યું?

અયોધ્યા રામ મંદિર: સરકાર હસ્તક્ષેપ ન કરી શકે, એ સ્વાયત્ત છે- ગૃહ મંત્રાલયે CICને આ શું કહ્યું?

Published : 03 July, 2026 02:13 PM | Modified : 03 July, 2026 02:43 PM | IST | Ayodhya
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રામ મંદિર ટ્રસ્ટના કથિત ચઢાવા ચોરી કેસ વચ્ચે ટ્રસ્ટ સરકારને જવાબદાર ન હોવાનો દાવો સામે આવ્યો છે; છ જુલાઈની બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય થઈ શકે તેવી શક્યતા

અયોધ્યા રામ મંદિરની ફાઇલ તસવીર

અયોધ્યા રામ મંદિરની ફાઇલ તસવીર


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં કથિત દાન ચોરીનો મામલો હજુ પણ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે એક એવી માહિતી સામે આવી છે જે તપાસ પર અસર કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ન તો કેન્દ્ર સરકારને અને ન તો ઉત્તર પ્રદેશ સરકારને જવાબદાર છે. ૬ જુલાઈએ યોજાનારી મહત્વની બેઠક પહેલાં આ માહિતી એક મહત્વના કાનૂની મુદ્દાને સ્પષ્ટ કરે છે. આ બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. મંદિરના દાનની કથિત ચોરીના વિવાદ બાદ બંનેએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.

ગૃહ મંત્રાલયનું નિવેદન, ટ્રસ્ટ પોતાના તમામ નિર્ણય પોતે જ લે છે



ગયા વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ને જણાવ્યું હતું કે રામ મંદિર પરિસરનું સંચાલન કરતું ટ્રસ્ટ પોતાના તમામ નિર્ણયો આંતરિક રીતે લે છે. ટ્રસ્ટના તમામ અધિકારો તેના કાયમી ટ્રસ્ટીઓ પાસે જ હોય છે. ગૃહ મંત્રાલયના આ જવાબના આધારે CICએ નિર્ણય આપ્યો હતો કે ટ્રસ્ટ એક સ્વતંત્ર સંસ્થા છે. સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2019ના અયોધ્યા ચુકાદા બાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં આ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.


CICનો નિર્ણય, રામ મંદિર ટ્રસ્ટ RTIના દાયરામાં નથી

CICએ કહ્યું હતું કે, ટ્રસ્ટને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. ટ્રસ્ટ પર સરકારનો કોઈ વહીવટી નિયંત્રણ પણ નથી. તેથી રામ મંદિર ટ્રસ્ટ આરટીઆઇ (RTI) કાયદાના દાયરામાં આવતું નથી. આ નિર્ણય ત્યારે આવ્યો હતો જ્યારે RTI અરજદાર નીરજ શર્માએ ફેબ્રુઆરી ૨૦૨૪માં દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.


ગૃહ મંત્રાલયે ટ્રસ્ટના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરો અંગે માહિતી માંગતી તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે CICને ગૃહ મંત્રાલયનો પક્ષ ધ્યાનમાં લઈને નિર્ણય લેવા કહ્યું હતું. ટ્રસ્ટ `પબ્લિક ઓથોરિટી`ની શ્રેણીમાં આવે છે કે નહીં તે અંગે નિર્ણય લેવા હાઈકોર્ટે સૂચના આપી હતી. કારણ કે ટ્રસ્ટ સ્વતંત્ર રીતે કામ કરે છે, તેથી કોઈ પણ કાનૂની સત્તા ચંપત રાય અથવા અનિલ મિશ્રાને પદ પરથી હટાવી શકતી નથી. 

એક સૂત્રના જણાવ્યા મુજબ, જો ચંપત રાય મહાસચિવના પદ પર ન રહે તો પણ તેઓ ટ્રસ્ટના સભ્ય તરીકે રહી શકે છે. તેવી જ રીતે, અનિલ મિશ્રાને તેમની હાલની જવાબદારીઓમાંથી મુક્ત કરી શકાય છે. પરંતુ તેઓ ટ્રસ્ટ સાથે સભ્ય તરીકે જોડાયેલા રહી શકે છે. અત્યાર સુધી એવી કોઈ પ્રક્રિયાની માહિતી સામે આવી નથી જેના દ્વારા ટ્રસ્ટના કોઈ સભ્યને હટાવી શકાય. તેથી જો કોઈ સભ્ય ટ્રસ્ટ છોડવા માંગે, તો રાજીનામું આપવું જ એકમાત્ર રસ્તો માનવામાં આવે છે.

રામ મંદિર ટ્રસ્ટમાં કુલ ૧૫ સભ્યો છે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં કુલ ૧૫ સભ્યો છે. તેમાંના ૧૧ સભ્યો કાયમી ટ્રસ્ટી છે. મહંત નૃત્ય ગોપાલ દાસ ટ્રસ્ટના અધ્યક્ષ છે. ચંપત રાય મહાસચિવ અને ગોવિંદ ગિરી દેવ કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હિંદુ પક્ષ તરફથી માલિકીના કેસની દલીલ કરનાર સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કે. પરાસરણ પણ ટ્રસ્ટના કાયમી સભ્ય છે. દિલ્હીમાં આવેલું તેમનું નિવાસસ્થાન ટ્રસ્ટનું નોંધાયેલું સરનામું પણ છે. અન્ય કાયમી સભ્યોમાં સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી વિશ્વપ્રસન્નતીર્થ, યુગપુરુષ પરમાનંદ ગિરી, મહંત દિનેન્દ્ર દાસ અને અનિલ મિશ્રાનો સમાવેશ થાય છે.

નિર્ણય માટે દસમાંથી ઓછામાં ઓછા છ સભ્યોની મંજૂરી જરૂરી

૬ જુલાઈએ યોજાનારી બેઠક પહેલાં ટ્રસ્ટનું સ્વતંત્ર માળખું વધુ મહત્વનું બની ગયું છે. મતદાનનો અધિકાર ધરાવતા ૧૦ સભ્યોમાંથી ઓછામાં ઓછા ૬ સભ્યોની મંજૂરી જરૂરી છે. તેથી કોઈપણ નિર્ણય સુધી પહોંચવું સરળ નથી. કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે ચાર અધિકારીઓ પણ ટ્રસ્ટના સભ્યો છે. પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી. તેમજ તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી.

આ સમગ્ર મામલો કેવી રીતે શરૂ થયો?

આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં થઈ હતી. RTI અરજદાર નીરજ શર્માએ કેન્દ્ર સરકાર પાસે રામ મંદિર ટ્રસ્ટના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરોના નામ માંગ્યા હતા. પરંતુ ગૃહ મંત્રાલયે તેમની અરજી નામંજૂર કરી દીધી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં નીરજ શર્માએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ને ગૃહ મંત્રાલયનો જવાબ મેળવી તેની સમીક્ષા કરવા જણાવ્યું હતું. સાથે જ ટ્રસ્ટ `પબ્લિક ઓથોરિટી` છે કે સ્વાયત્ત સંસ્થા, તે અંગે નિર્ણય લેવા સૂચના આપી હતી. ગૃહ મંત્રાલયના જવાબના આધારે CICએ પોતાના અંતિમ નિર્ણયમાં જણાવ્યું કે રામ મંદિર ટ્રસ્ટ એક સ્વતંત્ર સંસ્થા છે. આ ટ્રસ્ટની રચના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરવામાં આવી હતી. ટ્રસ્ટને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી કોઈ આર્થિક સહાય કે વહીવટી નિયંત્રણ મળતું નથી. તેથી CICએ સ્પષ્ટ કર્યું કે રામ મંદિર ટ્રસ્ટ RTI કાયદાના દાયરામાં આવતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 02:43 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK