સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ઍરફોર્સ દ્વારા ગઈ કાલે સાંજ સુધીમાં કુલ ૬૪ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા છે
ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટમાંથી ૧૭૦૦થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ઍરફોર્સ દ્વારા ગઈ કાલે સાંજ સુધીમાં કુલ ૬૪ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ કામે લાગે એ પહેલાં જ વરસાદે આતંક મચાવી દેતાં ઍરફોર્સની ટીમ કામે લાગી ગઈ હતી. ઍર-લિફ્ટનાં વધુમાં વધુ ઑપરેશન જામનગર જિલ્લામાં કરવામાં આવ્યાં હતાં, જેમાં એક જ વિસ્તારમાંથી ૧૩ મહિલા, ૧૧ પુરુષો અને ૭ બાળકો મળી કુલ ૩૧ લોકોનું રેસ્ક્યુ ઑપરેશન સૌથી દિલધડક હતું. જામનગરના કલેક્ટર સૌરભ પારધીએ કહ્યું કે ‘ચાલુ વરસાદ, સતત થતી રહેતી વીજળી અને ભારે પવન વચ્ચે બાળકોને ઍર-લિફ્ટ કરવાનું કામ ખરેખર સાહસની ચરમસીમા સમાન હતું, ઍરફોર્સને એને માટે દાદ આપવી પડે.’
જામનગર જિલ્લામાંથી ૫૦થી વધુ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા હતા તો છૂટાછવાયાં ગામમાંથી પણ ઍરફોર્સ દ્વારા ઍર-લિફ્ટની કામગીરી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટમાંથી ૧૭૦૦થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી, આ કામગીરીમાંથી મોટા ભાગની કામગીરી સ્થાનિક પોલીસ અધિકારી અને કૉર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં જુદી-જુદી ઘટનામાં ૨૦થી વધુ ગાડી પાણીના વહેણમાં તણાતાં સ્થાનિક લોકોએ બચાવકાર્ય કરીને ગાડીમાં રહેલા ૪૦થી વધુ લોકોને બહાર કાઢીને તેમના જીવ બચાવ્યા હતા.

