ટેમ્પોમાં ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠાના ભાવિકોનો એક નાનો સમૂહ હતો
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના જોધપુરમાં ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે બાલેસર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં NH-125 પર ખારી બેરી ગામ પાસે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ટ્રેલર શ્રદ્ધાળુઓથી ભરેલા ટેમ્પો સાથે અથડાતાં છ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો અને ૭ બાળક સહિત ૧૨ જેટલા લોકો ઘાયલ થયા છે. ખારી બેરી ગામમાં એક વળાંક પર બાજરીની બોરીઓથી ભરેલા એક ટ્રેલરે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો અને એ યાત્રાળુઓથી ભરેલા ટેમ્પો સાથે અથડાયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ ગંભીર રીતે નુકસાન પામ્યો હતો, જેમાં ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ઘાયલોને બહાર કાઢ્યા હતા અને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી.
અકસ્માત બાદ બધા ઘાયલોને બાલેસર કમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા પછી ડૉક્ટરોએ તાત્કાલિક ગંભીર રીતે બીમાર દરદીઓને જોધપુરની MDM હૉસ્પિટલમાં રિફર કર્યા હતા.
ADVERTISEMENT
ટેમ્પોમાં ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠાના ભાવિકોનો એક નાનો સમૂહ હતો. જીવ ગુમાવનારાઓમાં ધનસુરા પાસેના રુઘનાથપુરાના લોગલ પરમાર, નવ્યા પરમાર, જીનલ પરમાર અને કૃષ્ણા પરમાર અને પુંસરી ગામના કેશા વાળંદ અને પ્રીતેશ પ્રજાપતિનો સમાવેશ છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત એક વળાંક પર થયો હતો, જ્યાં સવારનું ધુમ્મસ અને વધુ ઝડપ પરિબળો હોઈ શકે છે. ટ્રેલરના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વાહનને જપ્ત કરવામાં આવ્યું છે. યાત્રાળુઓ રામદેવરામાં રણુજા તીર્થનાં દર્શને જઈ રહ્યા હતા.
ગ્વાલિયર-ઝાંસી હાઇવે પર ટ્રૅક્ટર-ટ્રૉલીમાં ઘૂસી ગઈ ફૉર્ચ્યુનર કાર, પાંચ લોકોનાં મૃત્યુ
ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે ગ્વાલિયર-ઝાંસી રોડ પર માલવા કૉલેજની સામે રેતી લઈ જઈ રહેલી ટ્રૅક્ટર-ટ્રૉલીમાં ફુલ સ્પીડમાં જઈ રહેલી ફૉર્ચ્યુનર ગાડી ઘૂસી ગઈ હતી. એ ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
જમ્મુ-કાશ્મીરના બડગામમાં ડમ્પર અને કારની અથડામણમાં ૪નાં મૃત્યુ
શનિવારે મોડી રાતે જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ડમ્પર અને સુમો કારની એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારનો ખુડદો બોલી ગયો હતો. એમાં ૧૦ વર્ષના બાળક સહિત કુલ ૪ જણે જીવ ગુમાવ્યો હતો. ૩ સભ્યો તો એક જ પરિવારના હતા.


