ધોરડો પાસે વૉચટાવર સહિત પાંચથી ૮ કિલોમીટરના એરિયામાં ક્યાંક બેથી ૩ ઇંચના તો ક્યાંક અડધો ફુટના જામ્યા થર
વૉચટાવર પાછળ સફેદ રણ
દિવાળીના વેકેશનમાં પણ સફેદ રણનો નજારો માણવા મળશે સહેલાણીઓને : સામાન્ય રીતે ડિસેમ્બરમાં સફેદ રણ બનતું હોય છે, પરંતુ આ વખતે વરસાદ ઓછો પડ્યો અને પાણી સુકાઈ ગયું એટલે સફેદ રણ બનવાની થઈ ગઈ શરૂઆત : ધોરડો પાસે વૉચટાવર સહિત પાંચથી ૮ કિલોમીટરના એરિયામાં ક્યાંક બેથી ૩ ઇંચના તો ક્યાંક અડધો ફુટના જામ્યા થર
કચ્છમાં આવેલું વિશ્વવિખ્યાત સફેદ રણ આ વર્ષે વહેલું તૈયાર થઈ રહ્યું છે. આ વર્ષે વરસાદ ઓછો થતાં અને રણમાં જમા થયેલું વરસાદી પાણી સુકાતાં સફેદ રણ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલમાં લગભગ પાંચથી ૮ કિલોમીટરના એરિયામાં સફેદ રણ બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને દેખાઈ રહ્યું છે. ધોરડો ગામ પાસે આવેલા વૉચટાવરની આસપાસ તેમ જ રોડ ટુ હેવનની બન્ને સાઇડ સફેદ રણનો નજારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ક્યાંક બેથી ૩ ઇંચના તો ક્યાંક અડધો ફુટના થર જામ્યા છે. સફેદ રણ વહેલું બનતાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં પણ સહેલાણીઓને સફેદ રણનો નજારો માણવા મળશે.
ADVERTISEMENT
સફેદ રણને અડીને આવેલા ધોરડોના સરપંચ મિયાંહુસૈન ગુલબેગ મુતવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વખતે વરસાદ ઓછો થતાં ઓછું પાણી હોવાથી એ સુકાઈ જતાં સફેદ રણ વહેલું બની રહ્યું છે. મેઇન તો વરસાદ છે. વરસાદનું પાણી ડિસેમ્બર સુધી સુકાય નહીં, પણ આ વખતે ઓછું પાણી હતું. વરસાદ ઓછો પડ્યો જેથી ઓછું ખારું પાણી હતું એટલે એ જલદીથી સુકાઈ જતાં સફેદ રણ બની રહ્યું છે. અમારા ગામ તરફના વિસ્તારમાં તેમ જ આ વખતે તો ધોળાવીરાના રોડ ટુ હેવનની બન્ને બાજુ પણ વાઇટ રણ સારામાં સારું દેખાઈ રહ્યું છે. નહીં તો ત્યાં પાણી ભરાયેલું હોય છે, પણ આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. જે વર્ષે વરસાદ ઓછો પડે એ વર્ષે સફેદ રણ જલદી બને છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં સફેદ રણ તૈયાર થતું હોય છે, જ્યારે ધોળાવીરા સાઇડમાં માર્ચના એન્ડમાં સફેદ રણ તૈયાર થાય છે. ધોરડોમાં ડિસેમ્બર શરૂ થાય ત્યારે થોડું સફેદ રણ દેખાવા જેવું થાય છે, પણ આ વખતે બન્ને જગ્યાએ પાણી ઓછું હતું અને જે હતું એ ખારું પાણી હતું એ સુકાતાં સફેદ રણ બનવાની વહેલી શરૂઆત થઈ ગઈ છે.’
દિવાળીમાં તૂટી શકે છે સહેલાણીઓનો રેકૉર્ડ
સફેદ રણમાં વૉચટાવર મેઇન ટૂરિઝમ પૉઇન્ટ છે અને એની પાછળની સાઇડમાં સફેદ રણ દેખાવાનું શરૂ થઈ ચૂક્યું છે એમ જણાવીને મિયાંહુસૈન ગુલબેગ મુતવાએ કહ્યું હતું કે ‘વૉચટાવર તેમ જ રોડ ટુ હેવન સહિત લગભગ પાંચથી ૮ કિલોમીટરના એરિયામાં સફેદ રણ બની ગયું છે. હજી રણની અંદરની સાઇડમાં પણ પાણી ભરાયેલું છે. ત્યાં ઉત્તરના પવન લાગશે એટલે વધારે સફેદ રણ બનશે. વરસાદી પાણી સુકાઈ જાય એટલે એનું મીઠું બની જાય છે અને એના થર જામતાં સફેદ રણ તૈયાર થાય છે. હાલમાં રણમાં કેટલીક જગ્યાએ બેથી ૩ ઇંચના તેમ જ ક્યાંક અડધો ફુટના થર જામ્યા છે એટલે આ વખતે દિવાળીમાં સહેલાણીઓને સફેદ રણ જોવા મળશે. મોટા ભાગે દિવાળીમાં સફેદ રણ ઓછું જોવા મળે છે અથવા તો જોવા નથી મળતું, પરંતુ આ વર્ષે વરસાદી પાણી સુકાતાં દિવાળીમાં સફેદ રણ જોવા મળશે. પ્રવાસીઓને એનો લહાવો વહેલો મળશે એટલે પ્રવાસીઓ વધુ આવશે અને દિવાળીમાં પ્રવાસીઓનો રેકૉર્ડ તૂટશે એવું લાગે છે, કેમ કે સોશ્યલ મીડિયાને કારણે ઘણાબધાને ખબર પડી ગઈ છે કે સફેદ રણ બન્યું છે એટલે અત્યારે પણ પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આવું ૨૦૧૮માં પણ થયું હતું જ્યારે વરસાદ ઓછો પડ્યો હતો અને સફેદ રણ વહેલું તૈયાર થયું હતું.’
