Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસે હાર્વર્ડમાં મોરારી બાપુની ૯૮૨મી રામકથાનો દિવ્ય આરંભ

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસે હાર્વર્ડમાં મોરારી બાપુની ૯૮૨મી રામકથાનો દિવ્ય આરંભ

Published : 18 August, 2026 01:41 PM | IST | Ahmedabad
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

ભારતના એંસીમા સ્વતંત્રતાદિવસે અમેરિકા ખાતે આધ્યાત્મિક યાત્રાના અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.

મોરારીબાપુ

મોરારીબાપુ


ભારતના એંસીમા સ્વતંત્રતાદિવસે અમેરિકા ખાતે આધ્યાત્મિક યાત્રાના અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો. ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં બહોળી સંખ્યામાં કથાકારો, સાહિત્યકારો, વિદ્વાનો, વિચારકો સામેલ થયા. હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું!

પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ, એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે. "મારું કોઈ મિશન નથી પણ મીઠો મનોરથ છે કે હૃદય વિચારક બને બુદ્ધિ ગુણાતિત થઈ જાય."



શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી, આ સેવનીય શાસ્ત્ર છે લૌકિક-અલૌકિકને છોડીને મૌલિક થઈ જવું ખૂબ સારું રહેશે.


ભારતીય ધર્મ જગતનો એક વિશિષ્ટ ગૌરવપૂર્ણ દિન ભારતનો ૮૦મા સ્વતંત્રતા દિવસ-૧૫ ઓગસ્ટના, મોરારી બાપુની આધ્યાત્મિક યાત્રાની એક મહત્વની કડી જેવો દિવસ જ્યારે સેન્ડર્સ થિયેટર મેમોરિયલ હોલ-હાર્વર્ડ યુનિવર્સિટી-અમેરિકા ખાતે બાપુની રામકથાની ચોપાઈ તલગાજરડી વ્યાસપીઠથી ગુંજી ઊઠી.

બીજ પંક્તિ:
ગુર પ્રસાદ સબ જાનિઅ રાજા;
કહિઅ ન આપન જાન્ અકાજા
-બાલકાંડ-૧૬૪


મખ રખવારી કરિ દુહું ભાઇ;
ગુરુ પ્રસાદ સબ બિદ્યા પાઇ
-બાલકાંડ-૩૫૭

સહિત સમાજ તુમ્હાર હમારા;
ઘર બન ગુર પ્રસાદ રખવારા
-અયોધ્યા કાંડ-૩૦૬

અમેરિકા ખાતે ૧૫મી ઓગસ્ટની સાંજથી મોરારી બાપુની ૯૮૨મી રામકથાનો ગરિમાપૂર્ણ આરંભ થયો. ત્યારે આરંભે દીપપ્રજ્વલન અને વેદના ઘનપાઠની વિધિ પછી અહીંના આયોજકો દ્વારા તેમજ મનોરથી લોર્ડ ડોલર પોપટ દ્વારા સ્વાગત વિધિ થયો. ભારતથી પધારેલા સંતો-મહંતો, કથા વાચકો, હાર્વર્ડના ઐતિહાસિક સભાગારમાં સ્કોલરની ભવ્ય બેઠક વ્યવસ્થાની બેંચ પર શ્રોતાઓએ સ્થાન ગ્રહણ કર્યું ત્યારે વિશ્વવિખ્યાત વિન્ટેજ હેરિટેજ જેવા સેન્ડર્સ હોલમાં હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક (બાપુ) વિશ્વવિદ્યાલયોનુ જાણે મિલન સર્જાયું!

પરમાત્માની અસીમ કૃપાથી આ વિશ્વ વિદ્યાલયનાં આંગણામાં શ્રાવણ મહિનામાં આ રામકથાનો આરંભ,અહીં આવી શક્યા એ કથાકારો,સાહિત્યકારો,વિચાર જગતના મનીષીઓની સામે બાપુએ કહ્યું કે આજે રાષ્ટ્ર અને વિશ્વને સાધુભાષાની જરૂર છે.

પાવન પોપટે, ડોલર પોપટ, સંધ્યાબહેન, રુપિન અને શિવાંગ-આખા પરિવારને કારણે ગજબ તો નહીં પણ અજબ કામ કર્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાર્ડવર્ક અને હાર્ટવર્કનાં કારણે આ થયું છે.

યુનિવર્સિટી તરફથી એક સભ્ય વ્યવસ્થા માટે તલગાજરડા આમંત્રણ લઈને આવેલા એની વાત કરીને આનંદપૂર્ણ સદભાવ, આવકાર અને આદર બદલ બાપુએ ધન્યવાદ પ્રગટ કર્યો. આ થવાનું હતું એટલે થઈ રહ્યું છે. આ ઐતિહાસિક નહીં આધ્યાત્મિક અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે.

જ્યારે સવારે ગુજરાતથી આવેલા સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી, જય વસાવડાએ સનાતન મંદિરમાં પ્રવચન કર્યું ત્યારે જ જાણે મંગલાચરણ થઈ ગયું એમ કહી બાપુએ કહ્યું કે લૌકિક-અલૌકિકને છોડીને જે મૌલિક થઈ જાય છે એ ખૂબ સારું રહેશે. અહીં સંખ્યામાં અનેક ગુરુઓ થયા હશે, કેટલાય રાજનેતાઓ, નોબલ પુરસ્કાર વિજેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ અહીં ભણેલા હશે.

રામચરિત માનસમાં અલગ-અલગ ૩૩ વખત પ્રસાદ શબ્દમાં ત્રણ વખત `ગુરુપ્રસાદ` શબ્દ આવ્યો છે એના ઉપર સંવાદ કરશું.વિશ્વને પણ સંવાદની જરૂર છે.


 
માનસમાં જ્ઞાન,ભક્તિ,કર્મ અને ઉપાસનાનાં ઘાટ પર સંવાદ થયા છે.

યુનિવર્સિટીમાં રામકથા? સ્વાભાવિક પ્રશ્ન છે.પણ સાહિત્ય આને મહાકાવ્ય કહે છે તો એ યુનિવર્સિટીમાં થાય અને ગોસ્વામીજી માત્ર મહાકાવ્ય નહીં મહામંત્ર કહે છે. ગ્રંથ, ગ્રંથિ મુક્ત છે. આ ગ્રંથ નહીં સદગ્રંથ છે, ત્રિભુવનીય વિચાર છે, વૈશ્વિક વિચાર છે. આપણે પૂજન કરીએ છીએ, સેવન નથી કરતા. શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી, આ સેવનીય શાસ્ત્ર છે. સત્ય-પ્રેમ-કરુણા માનસની પ્રસ્થાનત્રયિ છે. પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ, એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે. આનું માહાત્મ્ય મહિમા ગાન તો છે જ પણ વક્તા ગ્રંથનો પરિચય પણ કરાવે છે.

આપણને પૂર્વગ્રહની ગ્રંથિ, હિનગ્રંથિ, લઘુતાગ્રંથિનો પરિચય છે.

સમ્રાટ અશોકને પાંચ પત્ની હતી. ત્રીજી પત્નીનું નામ પદ્માવતી, પાંચમી પત્નીનું નામ હતું:તિરસ્યરક્ષિતા-તિરસ્કારનું જે રક્ષણ કરે છે એ. પદ્માવતીનો એક પુત્ર જેનું નામ કૃણાલ હતું. જેની આંખો ખૂબ સુંદર હોય એને કૃણાલ કહે છે. એ યુવાન હતો. પાંચમી માતા પણ ખૂબ સુંદર હતી અને કૃણાલ તરફ આકર્ષિત થઈને કહે છે કે તારી આંખો ખૂબ સુંદર છે. વશીભૂત રાજાએ આ જોઈને કૃણાલની આંખો ફોડાવી દીધી, એ પછી તિરસ્યરક્ષિતાને પણ મારી નાંખવામાં આવી. આ વૃત્તિ મરવી જ જોઈએ. કૃણાલને ભગવાન બુદ્ધ પાસે લઈ જવામાં આવ્યો, ભગવાન બુદ્ધની કરુણા ભરી દૃષ્ટિ, જેમ બાર મેઘની જેમ ગુરુની બાર કૃપા હોય, બુદ્ધની દ્રષ્ટિથી કૃણાલ દેખતો થયો એવી કથા છે.

અહીં સાત સોપાન, પહેલા સોપાનના સાત મંત્રો બાદ લોકબોલીમાં પાંચ સોરઠાઓમાં તુલસીએ પાંચ દેવોની વંદના કરી. શંકરાચાર્ય વિચારને સેતુબંધ કર્યો એ પછી ગુરુવંદના થઈ. બાપુએ કહ્યું કે મારું કોઈ મિશન નથી પણ મીઠો મનોરથ છે કે હૃદય વિચારક બને બુદ્ધિ ગુણાતિત થઈ જાય.

ગુરુ પદકંજના અસંગ ચરણોમાં વંદન,આવા ગુરુમાં પાંચેય દેવો આવી જાય છે. પછી રામાયણનાં પાત્રો માતૃરૂપા કૌશલ્યા આદિ રાણીઓ સાથે-સાથે દુર્જનો અસુરો સહિત બધાની વંદના કરી અંતે પરિવારનાં સભ્ય જેવા હનુમાનજીની વંદના સાથે આજની કથાનો વિરામ થયો.

કથા વિશેષ:
•    આ રામકથા રૂપી આધ્યાત્મિક યાત્રા ઘણી બધી રીતે વિશિષ્ટ છે.
•    બાપુની આ કથા, કથાક્રમની ૯૮૨ની રામકથા છે.
•    આ કથાના મનોરથી અમેરિકા સ્થિત લોર્ડ ડોલર પોપટ પરિવાર છે.
•    યોગાનુયોગ શુભ સંયોગ એ છે કે આ રામકથાનું ગાન વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીનાં સ્થાન પરથી ભારતનાં ૮૦મા સ્વતંત્રતાદિવસ પર્વના દિવસે શરૂ થઈ રહ્યું છે.
•    અમેરિકાની ધરતી પર મોરારી બાપુ આ પહેલા ૩૯ વખત કથાગાન કરી ચૂક્યા છે. આ કથા દ્વારા અમેરિકામાં ૪૦મી વખત વ્યાસપીઠ મુખર થઈ રહી છે.
•    આ કથાગાન દરમિયાન પહેલી વખત વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવની ઉજવણી થશે.
•    શ્રાવણ સુદ સાતમ-૧૯ ઓગસ્ટનાં રોજ તુલસી જયંતિના ઉપલક્ષ્માં બાપુ અમેરિકામાં ભારતના ૫૦ જેટલા કથાકારોને પણ સાથે લઈ ગયા છે.

સાથે-સાથે ગુજરાતી સર્જકો, લેખકો, કવિઓ, કલાકારો તથા જે-તે ક્ષેત્રનાં મહાનુભાવો પણ આ ઉજવણીમાં સામેલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૦થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ થયેલો. જ્યારે કલિ પાવનાવતાર તુલસીદાસ મહારાજની પુણ્ય સ્મૃતિ સ્વરૂપે બાપુએ કૈલાશ ગુરુકુળ-મહુવાથી તુલસી જયંતીના અવસરે ભારતનાં વિવિધ પ્રાંતનાં રામકથાનાં ગાયકો, કથાવાચકો, રામચરિત માનસનાં ચિંતનકારો તથા રામકથા સંદર્ભે યોગદાન આપનારી સંસ્થાઓમાંથી કોઈ એકની પસંદગી કરી તેમના વિશિષ્ટ યોગદાન બદલ તુલસી એવોર્ડથી તેમને વિભૂષિત કરવાનો ઉપક્રમ આરંભ કરેલો. એ પછી તુલસી એવોર્ડની સાથે-સાથે વ્યાસ એવોર્ડ અને વાલ્મિકી એવોર્ડનો પણ સમાવેશ થતો ગયો.

૨૦૧૦થી ૨૦૨૪ સુધી દર વર્ષે મહુવા ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થતું રહ્યું. ગયા વર્ષે તુલસીદાસજીનાં જન્મસ્થાન રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ વખતે પહેલી વખત વિદેશની ધરતી-અમેરિકામાં આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, એ પણ વિશ્વ પ્રસિધ્ધ યુનિવર્સિટીનાં ધરાતલ પર. આ રામકથાનો વિષય પણ બાપુએ અગાઉથી જાહેર કરીને `માનસ ગુરુ પ્રસાદ` તરીકે કથાગાન કરવાનું કહ્યું છે. સાથે-સાથે કથા દરમિયાન સાયંકાલીન સભામાં રોજ વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 01:41 PM IST | Ahmedabad | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK