બાઇક ઓવરટેક કરવાના મુદ્દે થઈ બોલાચાલી એમાં મુસ્લિમ યુવાને મર્ડર કરી નાખ્યું : હત્યા બાદ તોડફોડ કરવા સાથે વાહનો અને દુકાનોમાં આગચંપીની ઘટના : પોલીસ દોડતી થઈ, આગેવાનો સાથે કરી બેઠક અને પરિસ્થિતિને લીધી નિયંત્રણમાં
ધંધુકામાં આગચંપી અને તોડફોડ.
ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ગઈ કાલે બપોરે બાઇક ઓવરટેક કરવા જેવી નાની વાતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. યુવાનની હત્યાના પગલે ધંધુકા શહેરમાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને દુકાનો તેમ જ વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાના બનાવો બનતાં શહેરમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ-અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. એટલું જ નહીં, હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
ધંધુકામાં બાઇક ઓવરટેક કરવાના મુદ્દે મુસ્લિમ અને ભરવાડ કોમની બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એવી તો ઉગ્ર બની હતી કે મુસ્લિમ વ્યક્તિએ ભરવાડ યુવાનના પગમાં છરી મારી દીધી હતી. એને કારણે લોહી વધુ પડતું વહી જતાં યુવાનનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઉશ્કેરાયેલાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને કેટલીક દુકાનો તેમ જ વાહનોમાં આગ લગાડી હતી. એમાં દુકાનો અને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ધંધુકામાં અચાનક જ બનેલી આ ઘટનાથી શહેરમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ હતી. વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને જતા રહ્યા હતા અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને કાફલો ખડકી દીધો હતો અને ધંધુકાના સંવેદનશીલ વિસ્તારોમાં પૅટ્રોલિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે શહેરના આગેવાનો સાથે બેઠક પણ કરી હતી અને શહેરમાં શાંતિનો માહોલ બની રહે એ માટે પ્રયાસ કર્યા હતા.
