લેન્સકાર્ટના વિવાદ વચ્ચે શાર્ક ટૅન્કનાં નમિતા થાપરે તેમના નમાજના હેલ્થ-બેનિફિટ્સ દર્શાવતા વિડિયોની ટીકા કરનારા ટ્રોલ્સને જવાબ આપ્યો
નમિતા થાપર
‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા’નાં મેન્ટર, ઑન્ટ્રપ્રનર અને એમક્યૉર ફાર્માસ્યુટિકલ્સનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપરને તાજેતરમાં નમાજ વિશેના વિડિયો માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ૨૫ માર્ચે તેમણે નમાજથી શરીરને કેવી રીતે મદદ થાય છે એવો એક વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. યુઝર્સની ટીકાના પગલે નમિતા થાપરે ગઈ કાલે ફરી એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને તેના ટીકાકારોને કહ્યું હતું કે તમારામાં હિંમત હોય તો આ વિડિયોને વાઇરલ કરીને બતાવો.
ઑફિસમાં જતી વખતે નમિતા થાપરે બનાવેલા વિડિયોની શરૂઆતમાં તે એમ કહે છે કે ‘છેલ્લાં ૩ અઠવાડિયાંથી લોકો મને રં** (અપશબ્દ) કહી રહ્યા છે અને મારી પ્રિય મમ્મીને ગંદાં નામ આપી રહ્યા છે. શા માટે? નમાજના સ્વાસ્થ્ય લાભો પર રીલ બનાવવા બદલ? હું એક હેલ્થકૅર પ્રોફેશનલ છું. મેં હિન્દુ ધર્મ પર અને એના સ્વાસ્થ્ય-લાભો પર રીલ બનાવી છે. દર યોગ દિવસે હું આસનો પર રીલ બનાવું છું, ખાસ કરીને સૂર્યનમસ્કાર પર; પરંતુ ત્યારે કોઈએ કંઈ કહ્યું નહીં. મને શીખવવામાં આવ્યું હતું કે ધર્મ એટલે આદર અને શું તમે એનો આદર આ રીતે કરો છો? ખાસ કરીને મહિલાઓ પ્રત્યે? બધા લોકો અનામત બિલ પસાર ન થવા વિશે વાત કરી રહ્યા છે, પરંતુ જ્યારે મહિલાઓનું આ રીતે અપમાન થાય છે ત્યારે મૌન કેમ?’
ADVERTISEMENT
પોતાના માટે જાતે બોલવું પડશે
આ વિડિયોમાં આગળ બોલતાં નમિતા થાપર કહે છે, ‘મેં ઘણા સમય પહેલાં શીખી લીધું છે કે કોઈ તમારા માટે નથી, તમારે તમારા માટે બોલવું પડશે. તો મારા બધા ટ્રોલ્સ માટે કૃપા કરીને ચાલુ રાખો, પરંતુ યાદ રાખો કે હિન્દુ ધર્મમાં કર્મનો કન્સેપ્ટ છે અને હું એક ગર્વિત હિન્દુ છું.’
હવે આ વાઇરલ કરો
વિડિયોના છેવટમાં નમિતા થાપરે કહ્યું હતું કે ‘તમારી ઇચ્છા મુજબ આગળ વધો, કારણ કે ભગવાન તમારા બધા પર નજર રાખી રહ્યા છે. તે બધા સ્વાભિમાની, શિક્ષિત હિન્દુઓ માટે કે જેઓ માને છે કે ધર્મ એટલે આદર, ખાસ કરીને મહિલાઓ માટે, મારી નેગેટિવ રીલ્સ વાઇરલ થઈ રહી છે, હવે આને વાઇરલ કરીને બતાવો.’
નમિતા થાપરે શું કહ્યું જેથી લોકો નારાજ છે?
નમિતા થાપરે ૨૫ માર્ચે એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેના મિત્રો સાથે ઈદની ઉજવણી કરી રહ્યાં છે. આ વિડિયોમાં તેમણે નમાજના સ્વાસ્થ્ય-લાભો અને એ કેવી રીતે સંપૂર્ણ શારીરિક કસરત છે એ સમજાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે નમાઝ શરીરની લવચીકતા સુધારે છે, ઘૂંટણ અને સાંધાને ટેકો આપે છે, પાચનમાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારી છે. કેટલાક લોકોએ આ વિડિયો માટે તેની પ્રશંસા કરી, પણ મોટા ભાગના યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી.’
