ફોન કરીને પાંચ અન્ય લોકોને બોલાવીને આઠેય જણે કર્યો સામૂહિક રેપ, બધાની ધરપકડ: નવસારીના વાંસદા તાલુકાના ગામની ઘટના
પ્રતીકાત્મક તસવીર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં ૧૫ વર્ષની એક ટીનેજર પર ૮ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ રેપની ઘટનામાં આઠમાંથી ૩ તો તેના દોસ્તો જ હતા. બુધવારે રાતે શૌચ માટે બહાર નીકળેલી ટીનેજરનું ૩ યુવાનોએ મોઢું દબાવીને અપહરણ કરી લીધું હતું. તેઓ તેને બળજબરીથી બાઇક પર બેસાડીને ચેકડૅમ પાસેની એક રૂમમાં લઈ ગયા હતા. આ ત્રણ જણે ફોન કરીને બીજા પાંચ જણને ત્યાં બોલાવ્યા હતા. મારી નાખવાની ધમકી આપીને આઠેય જણે વારાફરતી છોકરી પર રેપ કર્યો હતો. એ પછી કોઈનીયે સામે મોં ખોલશે તો જાનથી જઈશ એવી ધમકી આપી હતી. તેના દોસ્તો ફરીથી છોકરીને તેના ઘરે મૂકી ગયા હતા અને ગુરુવારે વહેલી સવારે છોકરી પોતાના ઘરની બહાર પાર્ક કરેલી ગાડીમાં બેભાન અવસ્થામાં પરિવારને મળી હતી. ભાનમાં આવીને તેણે પરિવારજનોને બધી વાત કરી હતી. દીકરીની માએ પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
વાંસદા પોલીસે કહ્યું હતું કે ‘બુધવારે રાતે ૮ વાગ્યે ટીનેજરનો પરિવાર સૂવા જતો રહ્યો હતો. રાતે કિશોરી શૌચક્રિયા માટે ઘરની બહાર નીકળી ત્યારે તેનું અપહરણ થયું હતું. અપહરણ કરનારા તેના મિત્રો જ હતા. આ મિત્રોની કડક પૂછપરછ કરતાં તેમણે બીજા પાંચ જણ વિશે પણ માહિતી આપી હતી. અમે આઠેય આરોપીઓને પકડી લીધા છે.’


