મિસમૅનેજમેન્ટને લીધે મુંબઈની ૨૨૭ બેઠકમાંથી ૪ ઇલેક્શન પહેલાં જ માઇનસ થઈ ગઈ
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ
ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે એક-એક બેઠક માટે ભારે વાટાઘાટો કરી હતી. જોકે આવી સ્થિતિના અંતે પણ BMCની ચૂંટણીમાં ૪ સીટો એવી છે જ્યાં BJP કે શિંદેસેના ચૂંટણી જ નથી લડી રહ્યાં. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ‘આવું મિસમૅનેજમેન્ટને લીધે થયું છે. આ ૪ બેઠકો પર બન્ને પાર્ટી એના કૅન્ડિડેટ ઊભા કરવામાં નિષ્ફળ ગઈ હતી. શિવસેના (UBT)-મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની યુતિ અને કૉન્ગ્રેસ-વંચિત બહુજન આઘાડીની યુતિને કારણે મહાયુતિ કટોકટીના જંગમાં છે અને ૨૨૭માંની દરેક બેઠક અત્યંત મહત્ત્વની છે. એકનાથ શિંદેની શિવસેનાએ તો નૉમિનેશન પાછું ખેંચવાના છેલ્લા દિવસ પછી પણ ઉમેદવારોનું સત્તાવાર લિસ્ટ જાહેર જ નથી કર્યું. BJPએ પણ બંધબારણે કામ કરવાના પ્રયાસ વધારે કર્યા હતા, કારણ કે ટિકિટ ઇચ્છતા ઉમેદવારોમાં બળવો ન ફાટી નીકળે એનો બન્ને પક્ષને ડર હતો. જોકે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવવામાં થયેલા મિસમૅનેજમેન્ટને લીધે ૪ બેઠકો લડ્યા વગર જ સરી ગઈ છે. વૉર્ડ-નંબર ૧૪૫, ૧૬૭, ૨૧૧ અને ૨૧૨માં BJP કે શિંદેસેનાનો એક પણ ઉમેદવાર નથી. સીટ-શૅરિંગની અંતિમ ફૉર્મ્યુલા પ્રમાણે આમાંથી બે સીટો શિવસેના પાસે અને બે BJP પાસે હતી.’
કયા ચાર વૉર્ડ મહાયુતિ મતદાન પહેલાં જ હારી ગઈ છે?
ટ્રૉમ્બે-ચિત્તા કૅમ્પ એરિયામાં આવેલા વૉર્ડ-નંબર ૧૪૫માં કૉન્ગ્રેસ, અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (UBT) વચ્ચે ફાઇટ છે.
કુર્લા-વેસ્ટના વૉર્ડ-નંબર ૧૬૭માં કૉન્ગ્રેસ, શિવસેના (UBT) અને સમાજવાદી પાર્ટી વચ્ચે સ્પર્ધા છે
સાઉથ મુંબઈના વૉર્ડ-નંબર ૨૧૧માં કૉન્ગ્રેસ, અજિત પવારની NCP અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે.
સાઉથ મુંબઈના જ વૉર્ડ-નંબર ૨૧૨માં કૉન્ગ્રેસ, રાજ ઠાકરેની MNS અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ છે.
ADVERTISEMENT
પુણેમાં રોબોડૉગ ઊતર્યો પ્રચારના મેદાનમાં

ઇલેક્શન નજીક આવી રહ્યું છે એમ રાજકીય પાર્ટીઓ જાતભાતનાં ગતકડાં કરીને પ્રચાર કરી રહી છે. આવું જ એક ગતકડું પુણેમાં જોવા મળ્યું હતું, જ્યાં વોટર્સને રીઝવવા માટે હાઈ-ટેક રોબોટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોને રસ્તા પર એક રોબોટિક કૂતરો જોવા મળ્યો હતો, જે ધીમે-ધીમે નાનાં-નાનાં ડગલાંઓ ભરીને પૉલિટિકલ પ્રચાર કરતો જોવા મળ્યો હતો. આ ડૉગી-રોબો પર એક પૉલિટિકલ પાર્ટીનો પ્રચાર કરતું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું અને એને ઑટોમેટિક મોડ પર રસ્તાઓ-ગલીઓમાં ફરતો છોડી દેવામાં આવ્યો હતો. આ હાઈ-ટેક કૅમ્પેનિંગ શહેરમાં લોકોની ચર્ચાનો વિષય બની ગયું હતું.


