સોલાપુરમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન અસદુદ્દીન ઓવૈસીએ કરી વિવાદાસ્પદ વાત- BJP અને શિંદેસેનાએ આપી આકરી પ્રતિક્રિયા
અસદુદ્દીન ઓવૈસી
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોલાપુરમાં એક રૅલી દરમ્યાન પોતાના દિવાસ્વપ્નની વાત રજૂ કરીને નવો વિવાદ ઊભો કર્યો હતો. ઓવૈસીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા ભારતીય બંધારણનાં ધર્મનિરપેક્ષ મૂલ્યોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે મારું સપનું છે કે એક દિવસ હિજાબ પહેરેલી દીકરી ભારતની વડા પ્રધાન બનશે. તેમની આ ટિપ્પણી પર શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી જોરદાર પ્રતિક્રિયા આવી હતી.
લોકસભાના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ પોતાની વાતને ટેકો આપવા માટે પાડોશી દેશ પાકિસ્તાન સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે ‘પાકિસ્તાનના બંધારણમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ફક્ત એક જ ધર્મની વ્યક્તિ દેશના વડા પ્રધાન બની શકે છે, પણ ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતા છે. મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવે છે એ લાંબા સમય સુધી ચાલશે નહીં. નફરત ફેલાવનારનો અંત આવશે ત્યારે ખ્યાલ આવશે કે લોકોના મનમાં કેવી રીતે ઝેર નાખવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
ઓવૈસીની ટિપ્પણી પછી તરત જ BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી તીખી પ્રતિક્રિયા આપીને ‘પસમંદા’ મુસ્લિમ અથવા હિજાબ પહેરેલી મહિલાને AIMIMના પ્રમુખ બનાવવાનો પડકાર ફેંક્યો હતો. શિવસેનાના પ્રવક્તા શાઇના એનસીએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે વડા પ્રધાનપદ માટે કોઈ ખાલી જગ્યા નથી.


