શ્રીનગરના લાલ ચોકમાં જઈને સુરતી લાલાઓનો આતંકવાદીઓને પડકાર
શ્રીગરના લાલ ચોકમાં ટાવર પાસે સુરતના યુવાનોએ ‘મૈં હિન્દુ હૂં, માર દો ગોલી’ના લખાણવાળાં ટી-શર્ટ પહેરીને આતંકવાદ અને આતંકવાદીઓ સામે વિરોધ કરીને તિરંગો લહેરાવ્યો હતો.
શનિવારે શ્રીનગર જવા નીકળ્યા, રવિવારે બપોરે લાલ ચોક પર જઈને મૈં હિન્દુ હૂં, માર દો ગોલી લખેલું ટી-શર્ટ પહેરીને વંદે માતરમ્ અને ભારત માતા કી જયનો સૂત્રોચ્ચાર કર્યો અને સુરત પાછા આવી ગયા
પહલગામ નજીક બૈસરન વૅલીમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુ પુરુષોને ગોળી મારીને હિન્દુઓ ફરી કાશ્મીર આવે નહીં એ પ્રકારનો મેસેજ આપ્યો હતો. એનાથી ડરવાને બદલે હિંમતભેર આતંકવાદીઓને મેસેજ આપવા માટે સુરતના ચાર મિત્રોએ રવિવારે શ્રીનગરના લાલચોકમાં ટાવર પાસે પહોંચીને ત્રિરંગો લહેરાવી ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’નો સૂત્રોચ્ચાર કર્યો હતો અને આતંકવાદીઓ અને આતંકવાદ સામે વિરોધ-પ્રદર્શન કરીને ‘મૈં હિન્દુ હૂં, માર દો ગોલી’ લખાણ ટી-શર્ટ પર લખીને દર્શાવ્યું હતું કે ‘અમે ડરતા નથી, કાશ્મીર આવીશું જ.’
ADVERTISEMENT
વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા અને સુરતમાં રહેતા નરેન્દ્ર ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહલગામની ઘટના બાદ ગુસ્સો આવ્યો હતો અને આતંકવાદીઓએ ધર્મ પૂછીને માત્ર હિન્દુઓને મારી નાખ્યા એથી અમારે આતંકવાદીઓને મેસેજ આપવો હતો કે અમે હિન્દુઓ ડરતા નથી એટલે અમે ચાર મિત્રો - હું, અજયસિંહ રાજપૂત, ભગવતી દુબે અને વિજય વિશ્વકર્માએ શુક્રવારે રાતે પ્લાન કરીને શનિવારે શ્રીનગર ગયા હતા. રવિવારે શ્રીનગરમાં આવેલા લાલચોકમાં બપોરે ૧૨ વાગ્યે પહોંચ્યા હતા. અમે ત્યાં ગયા ત્યારે ટી-શર્ટ પહેર્યાં હતાં જેના પર લખ્યું હતું, ‘મૈં હિન્દુ હૂં, માર દો ગોલી.’ આ લખાણ લખીને આતંકવાદીઓ અને આતંકવાદ સામે અમે કટાક્ષ કર્યો હતો, કેમ કે ટેરરિસ્ટ્સે ધર્મ પૂછીને હિન્દુઓને માર્યા એટલે અમે આવું લખીને બતાવ્યું કે અમે પણ હિન્દુ છીએ, મારી બતાવો; તમે કેટલાને મારશો? કેટલાને ડરાવશો? એ લોકોને એવું છે કે ડર પેદા કરીને હિન્દુઓને ડરાવી દઈશું તો કાશ્મીરમાં કોઈ આવશે નહીં. અમે ગભરાતા નથી. લાલચોકમાં ટાવર પાસે અમે જે વિરોધ-પ્રદર્શન કર્યું એમાં કોઈ નેગેટિવ વાત નથી કરી, આતંકવાદીઓ અને આતંકવાદ સામે વિરોધ કર્યો છે, સરકાર સામે નહીં. અમારે એ મેસેજ આપવો હતો કે અમે ડરતા નથી, કાશ્મીર આવીશું જ. તમે હિન્દુ ધર્મને શું કામ ટાર્ગેટ કરો છો? શું કામ ડરાવવા માગો છો? હિન્દુ કોઈનાથી ડરતો નથી. અમે લિબરલ છીએ એ અમારી સંસ્કૃતિ છે. અમારામાં દયા છે એ ગૉડગિફ્ટ છે, અમારા વડવાઓએ અમને વારસામાં આપ્યું છે. અમે દયા કરીએ છીએ એનો અર્થ એ નથી કે વૉરથી ગભરાઈ જઈએ છીએ કે મોતથી ડરી જઈએ છીએ.’
લાલચોકમાં જ્યારે સુરતના આ ચાર યુવકો આતંકવાદ સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ-કર્મચારી સાથે થોડી માથાકૂટ થઈ હતી એ વિશે વાત કરતાં નરેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે ‘અમે જ્યારે દેખાવ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ-કર્મચારી સાથે થોડી માથાકૂટ થઈ હતી. એ પોલીસ-કર્મચારી અમારા ટી-શર્ટ પરનાં લખાણ જોઈને કહેતા હતા કે આ હિન્દીમાં લખ્યું છે એ ગલત છે. અમે ત્યાં માર્ક કર્યું કે આર્મીવાળા સારા છે. અમે આખો દિવસ લખાણ સાથેનાં ટી-શર્ટ પહેરીને લાલચોકના બજારમાં ફર્યા હતા અને ગઈ કાલે સુરત પાછા ફર્યા હતા.’

