પાટીદાર યુવા આગેવાનોએ હર્ષ સંઘવી અને અધિકારીઓ સમક્ષ કરી રજૂઆત: લગ્નની નોંધણીના મુદ્દે ગુજરાત સરકારે પાટીદારોને આપ્યું આશ્વાસન
પ્રતીકાત્મક તસવીર
પાટીદાર સમાજની દીકરીઓને ભગાડી જઈને લગ્ન કરવાની ઘટનાઓના પગલે લગ્નની નોંધણીના મુદ્દે પાટીદાર યુવા આગેવાનોએ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સમક્ષ દીકરીનાં લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામે જ થાય એ સહિતની રજૂઆત કરી હતી. એને પગલે લગ્નની નોંધણીના મુદ્દે ગુજરાત સરકારે પાટીદારોને આશ્વાસન આપ્યું હતું.
પાટીદાર યુવા આગેવાનોએ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ કાયદો અને ન્યાયતંત્ર વિભાગના પ્રધાન હર્ષ સંઘવી, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કૌશિક વેકરિયા તેમ જ કાયદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને લગ્નની નોંધણીની કાર્યવાહીમાં ફેરફાર કરવાની રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
પાટીદાર આંદોલન સમિતિના દિનેશ બાંભણિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘અમે રજૂઆત કરી હતી કે લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરીને દીકરીઓના આધાર કાર્ડમાં જે સરનામું હોય એ તાલુકા સેન્ટર પર તેનાં લગ્નની નોંધણી થવી જોઈએ, લગ્નની નોંધણીની સત્તા તાલુકા વિકાસ અધિકારીને આપવી જોઈએ, લગ્નની નોંધણીનો કાગળ આવે એમાં માતા-પિતાને વાંધો લેવાનો સમય આપવામાં આવે, બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ થાય તો એની કાર્યવાહી કરવાની સત્તા તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવે. અડધો કલાક સુધી અમારી ચર્ચા ચાલી હતી અને સરકારે અમને સાંભળીને આશ્વત કર્યા હતા કે ટૂંક સમયમાં કાયદામાં ફેરફાર કરવામાં આવશે.’


