૮ ડિસેમ્બરે અંધારામાં ટ્રક ખાઈમાં પડી ગઈ હતી. આર્મીને એ ફસાયેલી ટ્રક શોધવામાં જ ૪ કલાક લાગ્યા હતા
બે દિવસ પહેલાં અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ખાઈમાં પડેલી ટ્રક સુધી પહોંચવા માટે આર્મીના જવાનો દોરડાની મદદથી ખીણમાં ઊતર્યા હતા અને ચાર કલાકની જહેમત બાદ ઝાડીમાં ફસાયેલી ટ્રક મળી હતી અને મૃતદેહોને પણ દોરડાથી જ ઉપર લાવવામાં આવ્યા હતા.
જીવતો બચેલો એક માણસ બે દિવસ ચાલીને આર્મી-કૅમ્પ પર પહોંચ્યો ત્યારે જાણ થઈ ૮ ડિસેમ્બરની રાતની ઘટનાની
અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના હ્યુલિઆંગ વિસ્તારમાં એક ટ્રક ૧૦૦૦ ફુટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. હ્યુલિઆંગ-ચવલાગામ ઇન્ડો-ચાઇના બૉર્ડર રોડ પર મજૂરોથી ભરેલી ટ્રક જઈ રહી હતી ત્યારે ઘાટીવાળા વિસ્તારમાં સંતુલન ખોરવાતાં ટ્રક લગભગ ૧૦૦૦ ફુટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનર સહિત ૨૧ જણનો જીવ ગયો હતો. બચાવદળને અત્યાર સુધીમાં ૧૮ શબ મળી ચૂક્યાં છે.
ADVERTISEMENT
આ અકસ્માત બે દિવસ પહેલાં એટલે કે ૮ ડિસેમ્બરે થયો હતો, પરંતુ એની જાણકારી છેક ગઈ કાલે મળી હતી. આ અકસ્માતમાં બચી ગયેલી એક વ્યક્તિ બે દિવસ સુધી ચાલીને કોઈક રીતે ગઈ કાલે સવારે આર્મી-કૅમ્પ સુધી પહોંચી હતી. તેણે ઘટનાની જાણ કરતાં બચાવદળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમને અકસ્માત-સ્થળ સુધી પહોંચવામાં પણ ૧૦ કલાકથી વધુ સમય લાગ્યો હતો. અંજાવ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે ‘અકસ્માત ખૂબ ખતરનાક પહાડી વિસ્તારના વળાંક પર થયો હતો. અહીંના રોડ ખૂબ સાંકડા છે અને કેટલાક ભાગોમાં તો ઢોળાવ ખૂબ જ વધુ છે. બૉર્ડર રોડ નિર્માણના કામ માટે કામગારોને લઈ જવાઈ રહ્યા હતા. ખાઈ ખૂબ ઊંડી હોવાથી બચાવકાર્યમાં પણ મુશ્કેલી થઈ રહી હતી.’
૮ ડિસેમ્બરે અંધારામાં ટ્રક ખાઈમાં પડી ગઈ હતી. આર્મીને એ ફસાયેલી ટ્રક શોધવામાં જ ૪ કલાક લાગ્યા હતા. રેસ્ક્યુ-ટીમ દોરડાની મદદથી ખાઈમાં ઊતરી હતી. મૃતદેહોને પણ દોરડાથી બાંધીને ઉપર લાવવામાં આવી રહ્યા છે. રોડનિર્માણ માટે કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરોની પૂછપરછ કરીને કામગારોનાં નામ અને તેમની ઓળખ કરવાનું કામ ચાલુ છે જેથી તેમના પરિવારજનોને જાણ કરી શકાય.


