પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને સેવા કેન્દ્રસ્થાને રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ‘કમલમ’ માત્ર પાર્ટીનું કાર્યાલય ન રહેતાં મુશ્કેલીમાં રહેલા લોકો માટે આશાનું કેન્દ્ર બનવું જોઈએ. લોકો પોતાની સમસ્યાઓ લઈને અહીં આવે ત્યારે તેમને ઉકેલ મળવો જોઇએ.
નવસારીમાં સંબોધન કરતા પહેલાં લોકોનો પ્રેમ સ્વીકારતા પીએમ - તસવીર સૌજન્ય X
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક તૈયાર થયેલા ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે 5,000થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનનું નવસારીમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1,100 મહિલાઓએ માથે કળશ સાથે તેમનું સ્વાગત કર્યું હતું, જ્યારે 500 જેટલા પુરુષોએ ડમરુ વાદન કર્યું હતું. લોકાર્પણ બાદ પીએમ મોદીએ ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર, ડિજિટલ કોલ સેન્ટર અને લાઇબ્રેરી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT
માવાની ટેવ પર હળવા અંદાજમાં PM મોદીની ટકોર
ગુજરાતીમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ સૌરાષ્ટ્રના લોકોમાં જોવા મળતી માવા અને પાન-મસાલાની ટેવનો હળવા અંદાજમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “સૌરાષ્ટ્રના ઘણાય ભાઈઓ અહીં રહે છે. મને ખબર નથી અહીં નવસારીમાં માવાની ટેવ આવી છે કે નથી આવી. અને જો આવી હોય તો પછી... ‘ભારત માતા કી જય’ કરે અને પિચકારી મારે!” જોકે આ હળવી ટકોર સાથે તેમણે આરોગ્યનો ગંભીર સંદેશ પણ આપ્યો હતો. કેન્સરના જોખમનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ડૉક્ટરો પણ લોકોને માવાની ટેવમાંથી મુક્ત થવાની સલાહ આપે છે.
Addressing a programme in Navsari. Watch. https://t.co/E4J412nByJ
— Narendra Modi (@narendramodi) September 8, 2026
‘કમલમ દુઃખીયાઓનો આશરો બનવું જોઈએ’
પીએમ મોદીએ ભાજપના કાર્યકરોને સેવા કેન્દ્રસ્થાને રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ‘કમલમ’ માત્ર પાર્ટીનું કાર્યાલય ન રહેતાં મુશ્કેલીમાં રહેલા લોકો માટે આશાનું કેન્દ્ર બનવું જોઈએ. લોકો પોતાની સમસ્યાઓ લઈને અહીં આવે ત્યારે તેના ઉકેલ માટે કાર્યકરોએ પ્રયાસ કરવા જોઈએ. પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે ડિજિટલ પેમેન્ટ અને જામીનગીરી વગરની લોનથી લાખો લારી-ગલ્લા અને રેકડી-પાથરણાવાળાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમણે નવસારીના કાર્યકરોને કોઈ પણ લારી-ગલ્લાવાળો યોજનાના લાભથી વંચિત ન રહે તેની કાળજી લેવા જણાવ્યું હતું.

‘અડધા કલાકમાં આખું નવસારી ફરી લેવાતું’
પીએમ મોદીએ નવસારી સાથે જોડાયેલી જૂની યાદો પણ વાગોળી હતી. તેમણે કહ્યું કે સંગઠનના કામ માટે નવસારી આવતા ત્યારે તેઓ કોઈના સ્કૂટર પર બેસીને શહેરમાં ફરતા અને અડધા કલાકમાં આખું નવસારી ફરી શકાતું હતું. આજે નવસારી ઘણું વિસ્તર્યું છે તેમ કહી તેમણે શહેર વધુ પ્રગતિ કરે અને નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
