₹2,800 કરોડના ફ્રેઇટ કૉરિડોર પ્રોજેક્ટનું લોકાર્પણ; Gen Zની મોટી ઉપસ્થિતિમાં તેમણે વિપક્ષ પર ‘નારાજ ફૂફા’ અને ‘જૂઠાણાની ગૂંજ’ જેવા કટાક્ષ કર્યા હતા. સાથે જ રેલવે, સૌર ઊર્જા, સ્વદેશી ઉત્પાદન, કૌશલ્ય વિકાસ અને AIને લગતી સરકારી યોજનાઓની વાત કરી.
મોદીએ રેમ્પ વૉક કરીને લોકોમાં ધુંઆધાર એન્ટ્રી મારી હતી. - તસવીર પીએમનું X હેન્ડલ
કી હાઇલાઇટ્સ
- વિપક્ષને આડે હાથે લઈ માર્યા મ્હેણાં
- AI શીખવા અપીલ કરી
- વડોદરા ચોખ્ખું જ રાખજો એમ કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોરને વિકસિત ભારતની ‘જીવનરેખા’ ગણાવ્યો હતો. Gen Zની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વિપક્ષ પર ‘નારાજ ફૂફા’ અને ‘જૂઠાણાની ગૂંજ’ જેવા કટાક્ષ કર્યા હતા. સાથે જ રેલવે, સૌર ઊર્જા, સ્વદેશી ઉત્પાદન, કૌશલ્ય વિકાસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે સરકારની આગામી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સભાસ્થળે પહોંચેલા વડાપ્રધાન મોદીનું ‘હીરાબાના લાલ, મારા ભારતના લાલ...’ ગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચ સુધી બનાવવામાં આવેલા રૅમ્પ પરથી પસાર થતાં તેમણે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
We are strengthening India`s infrastructure to move people and goods faster, create new opportunities and power economic growth. Addressing a programme in Vadodara during the launch of key projects. https://t.co/JfapjA64fm
— Narendra Modi (@narendramodi) September 8, 2026
ADVERTISEMENT
‘વડોદરાનો વીડિયો જોઈને ગર્વ થયો’
પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને વડોદરામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા હું આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. વડોદરામાં જે સેવાભાવથી સ્વચ્છતા અને સ્વાગત અભિયાન ચલાવવામાં આવ્યું છે, એ માટે હું શહેરના દરેક નાગરિકને અભિનંદન આપું છું. મેં ગઈકાલે વડોદરાનો એક વીડિયો જોયો અને મને ખૂબ ગર્વ થયો.”
ફ્રેઇટ કૉરિડોરની અંતિમ કડી પૂર્ણ
વડાપ્રધાને કહ્યું હતું કે, ₹2,800 કરોડના પ્રોજેક્ટ સાથે ફ્રેઇટ કૉરિડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આ પ્રોજેક્ટ છેલ્લા 12 વર્ષમાં દેશમાં કામ કરવાની પદ્ધતિ કેવી રીતે બદલાઈ છે તેનું ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રોજેક્ટના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, ફ્રેઇટ કૉરિડોર અંગે 2004માં વિચાર કરવામાં આવ્યો અને 2006માં તેના માટે કંપનીની રચના થઈ હતી. જોકે, 2014 સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ સુધી ફરતી રહી અને એક કિલોમીટરનું કામ પણ આગળ વધ્યું નહીં. 2014 બાદ આ પ્રોજેક્ટને ગતિ આપવામાં આવી અને હવે અંદાજે 2,500 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે.
The 2,800+ km Dedicated Freight Corridor is now complete. ✅
— Narendra Modi (@narendramodi) September 8, 2026
This is a major milestone for Gati Shakti and India’s logistics transformation. pic.twitter.com/R8LQpzhg2u
તેમણે કહ્યું કે ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર દેશના વેપાર અને પરિવહન ક્ષેત્રનો મુખ્ય આધાર બની રહ્યો છે. અગાઉ પૅસેન્જર ટ્રેનો અને માલગાડીઓ એક જ રેલવે ટ્રૅક પર દોડતી હોવાથી બન્નેની ગતિને અસર થતી હતી. અલગ ફ્રેઇટ કૉરિડોર બનવાથી હવે માલસામાન વધુ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે.
30 કલાકની મુસાફરી હવે 10થી 12 કલાકમાં
વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે, પૂર્વ અને પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર પર દરરોજ 430થી વધુ માલગાડીઓ દોડી રહી છે. અગાઉ જે માલગાડીને 100 કિલોમીટરનું અંતર કાપવામાં સાડાછ કલાક લાગતા હતા, એ હવે લગભગ અડધા સમયમાં આ અંતર પૂરું કરી શકે છે. માર્ગ મારફતે માલ પહોંચાડવામાં જ્યાં 30 કલાક લાગતા હતા, ત્યાં હવે 10થી 12 કલાકમાં માલ પહોંચાડી શકાશે. તાજેતરમાં જવાહરલાલ નેહરુ પોર્ટથી વડોદરા સુધી દોડાવવામાં આવેલી ડબલ-સ્ટૅક કન્ટેનર ટ્રેનનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, “એક જ ટ્રેન દ્વારા 250થી વધુ ટ્રક જેટલો માલ મુંબઈથી વડોદરા પહોંચ્યો છે.”

‘હવે નારાજ ફૂફાજી પૂછશે, ટ્રકચાલકોનું શું થશે?’
આ ઉદાહરણ આપતાં વડાપ્રધાને ફરી ‘નારાજ ફૂફા’નો ઉલ્લેખ કરીને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, “હવે જે નારાજ ફૂફાજી છે તેઓ બૂમો પાડશે કે ટ્રકચાલકોનું શું થશે? પરંતુ આ વ્યવસ્થાથી મોટી માત્રામાં માલસામાન દેશના એક ખૂણેથી બીજા ખૂણે ઝડપથી પહોંચી શકશે.” આ પહેલાં 5 સપ્ટેમ્બરે દિલ્હીની શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સના શતાબ્દી સમારોહમાં પણ મોદીએ દરેક નવા પ્રોજેક્ટનો વિરોધ કરનારા લોકોને ‘નારાજ ફૂફા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, હાઈ-સ્પીડ ટ્રેન, UPI, સંસદની નવી ઇમારત કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જેવા દરેક નવા કામ વખતે કેટલાક લોકો “આની શું જરૂર છે?” એવો સવાલ કરે છે.
‘જૂઠાણાની ગૂંજ ફેલાવનારા દરેક ચોરાહે મળશે’
મોદીએ કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, “જૂઠાણાની ગૂંજથી લોકોને ભ્રમિત કરનારા દરેક ચોરાહે મળી જશે, પરંતુ ભારતનો યુવાન સત્યની હુંકાર સાથે ચાલે છે.” તેમણે જણાવ્યું કે દેશના યુવાનો જોઈ રહ્યા છે કે સરકાર સોલર, વિન્ડ, હાઇડ્રો અને ન્યુક્લિયર એનર્જી સહિતના ક્ષેત્રો પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવનારા સમયમાં અનેક વ્યવસ્થાઓ વીજળી આધારિત બનવાની હોવાથી ભારતે ઊર્જા ક્ષેત્રની સમગ્ર ઇકોસિસ્ટમ મજબૂત કરવી પડશે.
‘ચિપથી શિપ સુધી ભારતમાં ઉત્પાદન’
આત્મનિર્ભર ભારત અને સ્થાનિક ઉત્પાદન અંગે વડાપ્રધાને કહ્યું કે આજે ભારત ‘ચિપથી શિપ’ સુધીના ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે. વડોદરામાં શરૂ થયેલી C-295 વિમાન ઉત્પાદન સુવિધાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે શહેર હવે દેશમાં વિમાન ઉત્પાદન માટે પણ ઓળખાય છે. તેમણે કહ્યું કે, 2014 બાદ દેશમાં 50,000 આધુનિક રેલ કોચ બનાવવામાં આવ્યા છે. અગાઉની સરકાર પર પ્રહાર કરતાં મોદીએ દાવો કર્યો કે, “જૂની સરકાર 10 વર્ષમાં 50,000 ટૉઇલેટ પણ બનાવી શકતી નહોતી, જ્યારે અમે 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા છે.” તેમણે ઉમેર્યું કે આ વર્ષનું રેલવે બજેટ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. રેલવેના વિસ્તરણથી માત્ર મુસાફરીની સુવિધા જ નહીં, પરંતુ રોજગાર અને નવા ઉદ્યોગોની તકો પણ સર્જાઈ રહી છે.

યુવાનોને AIમાં પારંગત બનવા અપીલ
શિક્ષણ અને રોજગાર અંગે વાત કરતાં મોદીએ કહ્યું કે આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, તેની સાથે કૌશલ્ય પણ જરૂરી છે. નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક ઑનલાઇન કોચિંગની દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું કહ્યું હતું. તેમણે યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પારંગત બનવા અપીલ કરતાં જણાવ્યું કે, AI દ્વારા અનેક ક્ષેત્રોમાં નવી તકો ઊભી થઈ શકે છે અને સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
‘હવે વડોદરાને ગંદું થવા નથી દેવું’
સંબોધનના અંતે મોદીએ ગુજરાતીમાં વડોદરાના લોકોને શહેર સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “વડોદરાને આટલું સ્વચ્છ બનાવ્યું છે, હવે તેને ગંદું થવા નથી દેવું. હું પોતે ગંદકી નહીં કરું એવો સંકલ્પ કરીએ અને દિવાળી સુધી શહેરને ચકાચક રાખીએ.”
