કચ્છ પહેલાં સવારે નરેન્દ્ર મોદી દાહોદમાં રેલવે વિભાગ સહિતનાં વિકાસકાર્યોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરીને જાહેર સભાને સંબોધશે.
નરેન્દ્ર મોદીની સભાને લઈને ભુજ-મિરઝાપર રોડ પર સભાસ્થળે ચાલી રહેલી તૈયારીઓ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ મેએ ગુજરાત જશે. તેઓ પહેલાં દાહોદની અને ત્યાર બાદ કચ્છની મુલાકાત લેશે અને બન્ને સ્થળોએ જાહેર સભાને સંબોધશે. આ મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદી કચ્છના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરમાં જઈને દર્શન કરે એવી સંભાવના છે. આ મુલાકાતને પગલે કચ્છમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
ભુજમાં ૨૬ મેએ યોજાનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના આયોજન અંગે કચ્છના પ્રભારી પ્રધાન પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ગઈ કાલે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલે ભુજ–મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ, જનમેદની માટે બેઠક-વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા-વ્યવસ્થા, વીજળી સહિતની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી પ્રધાને પૂર્વતૈયારીઓ અંગે અવગત કર્યા હતા. આ ઉપરાંત ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળે પ્રભારી પ્રધાન સહિત સ્થાનિક સંસદસભ્ય, વિધાનસભ્યો તેમ જ વહીવટી અને પોલીસ વિભાગના અધિકારીઓએ વિઝિટ કરીને સ્થળ પર સમીક્ષા કરી હતી. કચ્છ પહેલાં સવારે નરેન્દ્ર મોદી દાહોદમાં રેલવે વિભાગ સહિતનાં વિકાસકાર્યોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરીને જાહેર સભાને સંબોધશે.

