Rajkot News: આ બૉટલ સીધી એક છોકરાના છાતી પર વાગી હતી, જેને લીધે તેનું મોત નીપજયું હતુ. શાપર પોલીસ અધિકારીએ આ મામલે અજાણ્યા પ્રવાસી સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ટ્રેનમાંથી મુસાફરી દરમિયાન લોકો બારીમાંથી અનેક વખત બોટલો અને કચરો ફેંકે છે. આ સાથે ઉલ્લેખનીય છે કે કેટલાક અસમાજિક તત્વો ભારતીય રેલવે અને લોકોને નુકસાન પહોંચાડવા માટે ટ્રેનો પર પથ્થમારો કરે છે. આ બધી ઘટનાઓ અનેક વખત સામે આવી છે. જોકે હાલમાં ગુજરાતના રાજકોટથી એવો ચોંકાવરો કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કારણ કે આ ઘટનામાં ટ્રેનમાંથી એક પ્રવાસીએ પાણીની બૉટલ ફેંકી હતી, જેને લીધે એક યુવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
રાજકોટના શાપરમાં બનેલી આ ઘટનામાં ટ્રેનમાં સવાર એક પ્રવાસીએ જોરથી બારીની બહાર પાણીની બૉટલ ફેંકી હતી. આ બૉટલ સીધી એક છોકરાના છાતી પર વાગી હતી, જેને લીધે તેનું મોત નીપજયું હતુ. શાપર પોલીસ અધિકારીએ આ મામલે અજાણ્યા પ્રવાસી સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
મૃતક 14 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા મૂળ મધ્યપ્રદેશના છે. મૃતકના પિતા સંતોષ ગોડઠાકર શાપરના ગણેશનગર વિસ્તારમાં રહે છે અને કારખાનામાં મજૂરી કરે છે. તેમનો 14 વર્ષનો પુત્ર બાદલ જે પાંચમા ધોરણમાં ભણતો હતો, પહેલી એપ્રિલે બપોરે તેના મિત્રો સાથે શાપરમાં આવેલા મસ્કત ફાટક તરીકે ઓળખાતા વિસ્તારમાં ગયો હતો. આ સ્થળેથી જ્યાંથી ટ્રેન પસાર થાય છે ત્યાં રેલવે ટ્રેક નજીક બાદલ અને તેનાં મિત્રો બેઠા હતાં. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળ – બાન્દ્રા ટ્રેન પસાર થઈ રહી હતી આ દરમિયાન તેમાંથી એક અજાણ્યા મુસાફરે જોરથી પાણીની બૉટલ બહાર ફેંકી હતી. આ બૉટલ સીધી જઈને બદલના છાતીનાં ભાગે વાગી હતી. બૉટલ વાગતા બદલ ત્યાં જ ઢળી પડયો હતો.
બદલના મિત્રોએ તેને તરત જ શાપરનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરનાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં શાપર પોલીસ આરોગ્ય કેન્દ્ર અને હૉસ્પિટલ પહોંચી હતી. શરૂઆતમાં પોલીસને હાર્ટઍટેકથી મોત થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેનું સમાધાન કરવા પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા ચાલુ ટ્રેનમાંથી એક મુસાફરે ફેંકેલી પાણીની બૉટલ છાતી પર વાગ્યા પછી બાદલ ઢળી પડયાનું સામે આવ્યું હતું.
સીસીટીવી ફૂટેજના આધારે શાપર પોલીસે રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમણે એમ કહ્યું હતું કે હૃદયનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જયાં કોઈ વજનદાર વસ્તુ જોરથી વાગે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ કિસ્સામાં પણ તેમ જ થયાનું જણાઈ રહ્યું છે. જેને આધારે પોલીસે અજાણ્યા મુસાફર સામે બેદરકારીને લીધે મૃત્યુ નિપજાવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી મુસાફરની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.

