રોસ્ટર મુજબ મહિલા અને બાળકોના ગુના સંબંધિત પિટિશનની સુનાવણી જસ્ટિસ સારંગ કોતવાલ અને જસ્ટિસ શ્રીરામ મોડકની ખંડપીઠમાં થવી જોઈએ.
દિશા સાલિયન અને તેના પિતા
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુની ફરીથી તપાસ કરવાની માગણી તેના પિતાએ બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરીને કરી છે. આ પિટિશનમાં વરલીના ઉદ્ધવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર સહિતના લોકો સામે FIR નોંધીને તપાસ કરવાની માગણી દિશાના પિતા સતીશ સાલિયને કરી છે. આ અરજીની સુનાવણી ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ ડૉ. નીલા ગોખલે સમક્ષ હાથ ધરવામાં આવી હતી.
જોકે સતીશ સાલિયનના વકીલ ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ ખંડપીઠને કહ્યું હતું કે ‘આ પિટિશન ખોટી ખંડપીઠમાં લિસ્ટ કરવામાં આવી છે. રોસ્ટર મુજબ મહિલા અને બાળકોના ગુના સંબંધિત પિટિશનની સુનાવણી જસ્ટિસ સારંગ કોતવાલ અને જસ્ટિસ શ્રીરામ મોડકની ખંડપીઠમાં થવી જોઈએ.’
ADVERTISEMENT
આ સાંભળીને જસ્ટિસ રેવતી મોહિતે-ડેરેએ સબમિશન કરવા વિશે પૂછ્યું હતું અને રજિસ્ટ્રારને રોસ્ટર મુજબ પિટિશન માંડવાનો આદેશ આપ્યો હતો.
ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ કહ્યું હતું કે ‘સતીશ સાલિયનની પિટિશનની સુનાવણી હવે જસ્ટિસ સારંગ કોતવાલ અને જસ્ટિસ શ્રીરામ મોડકની ખંડપીઠ સમક્ષ થશે. જોકે આગામી સુનાવણીની તારીખ હજી સુધી આપવામાં નથી આવી એટલે ક્યારે સુનાવણી શરૂ થશે એ અત્યારે કહી નહીં શકાય.’

