સિક્યૉરિટી ગાર્ડે રાશિદાની વાત સાંભળવાની ના પાડતાં તેણે સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
કર્જતના ફેમસ વડાપાંઉમાં સાબુનો ટુકડો નીકળતાં રેલવેએ સ્ટૉલ સીલ કરી દીધો
કર્જતના ફેમસ વડાપાંઉમાં સાબુનો ટુકડો નીકળ્યો હોવાની ફરિયાદ રાશિદા ઇશાક ઘોરી નામની મહિલાએ કર્યા બાદ સેન્ટ્રલ રેલવેએ કર્જત રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે પરના સ્ટૉલને સીલ કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
કર્જત રેલવે સ્ટેશનના બે નંબરના પ્લૅટફૉર્મ પરના કર્જત સ્પેશ્યલ વડાપાંઉના સ્ટૉલ પરથી રાશિદા ઘોરીએ વડાપાંઉ ખરીદ્યું હતું. વડાપાંઉ ખાવા માટે રાશિદાએ પૅકેટ ખોલ્યું ત્યારે એમાં સાબુનો ટુકડો જોઈને તે સ્ટૉલ પર પાછી ગઈ હતી અને તેણે સ્ટેશન પર હાજર સિક્યૉરિટી ગાર્ડને ફરિયાદ કરી હતી. જોકે સિક્યૉરિટી ગાર્ડે રાશિદાની વાત સાંભળવાની ના પાડતાં તેણે સ્ટેશન-માસ્ટરની ઑફિસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં, તેણે RailMadad ઍપમાં આ સંબંધે જાણ કરી હતી.
ADVERTISEMENT
રાશિદા ઘોરીની ફરિયાદની રેલવેએ ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ કર્જત સ્પેશ્યલ વડાપાંઉના સ્ટૉલને વધુ તપાસ કરવા માટે સીલ કરી દીધો હતો. રેલવેએ ફરિયાદી રાશિદા ઘોરીને મેસેજ કર્યો હતો કે કર્જત વડાપાંઉના સ્ટૉલને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવ્યો છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સ્ટૉલ બંધ રહેશે.

