ઝેરી હથિયારો તૈયાર કરવાના આરોપી ડૉ. એહમદ મોહિયુદ્દીન સૈયદ પર હુમલો થતાં આંખ અને મોઢાના ભાગે થઈ ઈજા
એહમદ મોહિયુદ્દીન સૈયદ
તાજેતરમાં ગુજરાત ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ આતંકવાદી હુમલાને અંજામ આપવા જાય એ પહેલાં આ કાવતરામાં સંડોવાયેલી ૩ વ્યક્તિની ધરપકડ કરી હતી. એ પૈકી વ્યવસાયે ડૉક્ટર એવા હૈદરાબાદના એહમદ મોહિયુદ્દીન સૈયદ પર ગઈ કાલે અમદાવાદની સાબરમતી જેલમાં ઘાતક હુમલો થયો હોવાની ચર્ચા ચાલી હતી. જોકે પોલીસે આ હુમલા વિશે ઑફિશ્યલી કોઈ વિગત જાહેર કરી નથી.
ડૉ. એહમદ મોહિયુદ્દીન સૈયદ સાબરમતી જેલમાં બંધ છે ત્યારે એવી ચર્ચા ચકડોળે ચડી હતી કે કોઈ કારણસર જેલના અન્ય કેદી સાથે ડૉ. એહમદ મોહિયુદ્દીન સૈયદની બબાલ થઈ હતી અને તેના પર કોઈ કેદીએ હુમલો કર્યો હતો જેમાં તેની આંખ અને મોઢાના ભાગે ઈજા થઈ હોવાની વિગતો બહાર આવી છે. આ બનાવના પગલે પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ હતી અને કોણે અને કેમ મારપીટની શરૂઆત કરી હતી એની તપાસ હાથ ધરી હતી.


