Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાબરમતી આશ્રમે સલમાનને કહ્યું, રૂલ્સ મીન્સ રૂલ્સ

સાબરમતી આશ્રમે સલમાનને કહ્યું, રૂલ્સ મીન્સ રૂલ્સ

30 November, 2021 08:44 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ભાઈને પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે આશ્રમના નિયમોનું પાલન કરવું પડશે અને પરિસરમાં ફિલ્મને પ્રમોટ કરવા નહીં જ દેવાય. સલ્લુભાઈએ પણ કોઈ પણ ખચકાટ વગર બાપુના આશ્રમના નિયમોનું પાલન કર્યું

સાબરમતી આશ્રમની વિઝિટર્સ-બુકમાં સલમાન ખાને નોંધ લખી હતી

સાબરમતી આશ્રમની વિઝિટર્સ-બુકમાં સલમાન ખાને નોંધ લખી હતી


બૉલીવુડના ભાઈજાન સલમાન ખાને ગઈ કાલે અમદાવાદમાં મહાત્મા ગાંધીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી એ દરમ્યાન ગાંધીબાપુના આશ્રમના રૂલ્સ ફૉલો કરીને એક સામાન્ય મુલાકાતીની જેમ આશ્રમની વિઝિટ કરીને સાદગી અને નમ્રતાનાં દર્શન કરાવ્યાં હતાં. ગાંધીબાપુનો આશ્રમ જોઈને પ્રભાવિત થઈને બાપુ અને આશ્રમ વિશે જાણકારી મેળવી હતી, એટલું જ નહીં, આશ્રમ શાંતિથી જોઈ શકાય એ માટે ફરી એક વાર વિઝિટે આવવાની ઇચ્છા સલમાન ખાને વ્યક્ત કરી હતી.
સલમાન ખાન તેની નવી ફિલ્મના પ્રમોશન માટે ગઈ કાલે બૉલીવુડના મહેશ માંજરેકર સાથે અમદાવાદ આવ્યો  હતો. તે ઍરપોર્ટથી હોટેલ જવાને બદલે  સીધો જ સાબરમતી આશ્રમની મુલાકાતે ગયો હતો. આશ્રમના હોદ્દેદારોએ તેને સૂતરની આંટી પહેરાવીને આવકાર્યો હતો. સલમાન ખાને હાથમાં સૂતરની આંટી વીંટાળીને એક સામાન્ય મુલાકાતીની જેમ ભીડ વચ્ચે આશ્રમમાં ફર્યો હતો અને હૃદયકુંજમાં બાપુની રૂમ જોઈને મહાત્મા ગાંધીની તસવીરને નમન કર્યા હતા અને બાપુ વિશે જાણકારી મેળવી હતી.
સાબરમતી આશ્રમના હેડ ઑફ આઇટી વિરાટ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે અને ગઈ કાલે સલામાન ખાનના પીઆરમાંથી આશ્રમમાં ફોન આવ્યો હતો કે સલમાન ખાન આશ્રમની મુલાકાત લેવા આવી રહ્યો છે, જેથી ગઈ કાલે અમે આશ્રમ વતી જણાવ્યું હતું કે આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, પણ આશ્રમમાં પબ્લિસિટી નહીં કરવાની કે એમાં મૂવી-પ્રમોશન ન થઈ શકે. એ ઉપરાંત બૅરિકેડ લગાવવાના નથી હોતાં અને આશ્રમ મુલાકાતીઓ માટે બંધ નહીં રહે. આ પ્રોટોકૉલ જાણીને સલમાન ખાન આશ્રમની મુલાકાતે આવ્યો હતો અને તેણે આશ્રમના રૂલ્સ ફૉલો કર્યા હતા. સલમાન ખાને ગાંધીબાપુના હૃદયકુંજની મુલાકાત લીધી હતી. ગાંધીબાપુ જે રૂમમાં બેસીને કામ કરતા હતા એ રૂમમાં તે ગયો હતો અને બાપુનું ટેબલ તથા ચરખો જોયાં હતાં. મુલાકાત લીધા બાદ તેણે પરશાળમાં રાખેલા ચરખા પર હાથ અજમાવ્યો હતો અને રૂ કાંતવાની કોશિશ કરી હતી. આશ્રમ જોઈને એ કેટલાં વર્ષ જૂનો છે એમ પૂછીને સલમાન ખાને કહ્યું હતું કે આશ્રમ આટલો સરસ મેઇન્ટેન કર્યો છે. તેણે ગાંધીબાપુ વિશે અને ચરખા વિશે માહિતી જાણી હતી. આશ્રમ વતી તેને નાનો ચરખો અને ‘ગાંધી ઇન અમદાવાદ’ બુક ભેટ આપ્યાં હતાં.’
વિરાટ કોઠારીએ એમ પણ કહ્યું હતું કે ‘આશ્રમની મુલાકાત દરમ્યાન સલમાન ખાને કહ્યું હતું કે હું ફરી એક વાર વિઝિટે આવીશ જેથી હું શાંતિથી આશ્રમ જોઈ શકું. એવું તેણે આશ્રમની વિઝિટ-બુકમાં લખ્યું પણ છે.’
સલમાન ખાન સાબરમતી આશ્રમની મુલાકાતે આવતાં ચાહકોનાં ટોળાં ઊમટ્યાં હતાં અને તેની સાથે ફોટો પડાવવા અને હાથ મિલાવવા માટે તેને ઘેરી વળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 08:44 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK