સુરતની ચૂંટણીમાં BJPનાં મહિલા ઉમેદવારની આ વિગતોએ જગાવી ચકચાર, આવું ઉમેદવારી-ફૉર્મ મંજૂર પણ થઈ ગયું
ઉમેદવારી-ફૉર્મની સાથે રજૂ કરેલી ખરાઈની કૉપી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી જેમાં ૧૯૯૭માં BA અને ૧૯૯૬માં MAની વિગતો દર્શાવાઈ છે
સુરતમાં યોજાનારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી ફૉર્મ ભરવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં મહિલા ઉમેદવારની શૈક્ષણિક વિગતોએ આશ્ચર્ય સરજ્યું છે. આ મહિલા ઉમેદવારે ભરેલી વિગતો મુજબ તેમણે બૅચલર ઑફ આર્ટ્સ (BA)નો અભ્યાસ કર્યાના એક વર્ષ પહેલાં માસ્ટર ઑફ આર્ટ્સ (MA)નો અભ્યાસ કરી લીધો હતો અને એ બાબત ચર્ચાનો મુદ્દો બની છે અને સોશ્યલ મીડિયામાં તેમની એ વિગતો વાઇરલ થવાની સાથે ચર્ચાસ્પદ બની છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉર્ડ-નંબર ૨૯નાં BJPનાં મહિલા ઉમેદવાર સુધા પાંડેએ ઉમેદવારી કરવાની સાથે કરેલા સોગંદનામામાં ૧૯૯૭માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે અને ૧૯૯૬માં MAનો અભ્યાસ કર્યો હોવાની વિગત ભરી છે. સુધા પાંડેએ મધ્ય પ્રદેશના રાની દુર્ગાવતી વિશ્વ વિદ્યાલયમાંથી ૧૯૯૭માં BAનો અભ્યાસ કર્યો હોવાની અને આ જ વિશ્વ વિદ્યાલયમાંથી ૧૯૯૬માં MAનો અભ્યાસ કર્યો હોવાની વિગતો દર્શાવી છે. આ વિગતો તેમણે લેખિતમાં દર્શાવી છે અને નવાઈ ઊપજાવે એવી વાત એ બની છે કે તેમનું ઉમેદવારી-ફૉર્મ મંજૂર પણ થઈ ગયું છે.
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી ડિગ્રીની વિગતો જોઈને લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે આ ઉમેદવારે ગ્રૅજ્યુએશન પહેલાં માસ્ટર્સની ડિગ્રી કેવી રીતે મેળવી હશે? આ ભૂલ હોવા છતાં ચૂંટણી-અધિકારીએ ફૉર્મ ચકાસ્યું હશે કે નહીં કે ફૉર્મ ચકાસ્યા વગર મંજૂર કરી દીધું હશે એવા પ્રશ્ન ઊઠ્યા છે.
ADVERTISEMENT
આ છબરડો બહાર આવતાં સુધા પાંડે બચાવની સ્થિતિમાં આવી ગયાં હતાં. તેમણે મીડિયાને કહ્યું હતું કે ‘આ માત્ર ટેક્નિકલ ખામી સાથે ટાઇપિંગ મિસ્ટેક છે. મારી પાસે તમામ અસલ ડિગ્રી અને સર્ટિફિકેટ છે. ઍફિડેવિટ તૈયાર કરવામાં ભૂલ થઈ હોઈ શકે છે, પણ મારા દસ્તાવેજ સાચા છે.’
