આમિર આલમ રૂમમાં સૂતો હતો ત્યારે હથોડાથી તેના માથાના ભાગે ઘા કરીને હત્યા કરી હતી
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ ગુજરાતના સુરતમાં ધંધાના હિસાબમાં ઝઘડો થવાથી મામાએ તેના ૨૫ વર્ષના ભાણાના માથામાં હથોડો મારીને હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. ઉધના પોલીસ-સ્ટેશનમાં પરવેઝ મુખ્તાર મોહમ્મદ આલમે ફરિયાદ નોંધાવી હતી કે તેનો ભાઈ આમિર મુખ્તાર મોહમ્મદ આલમ ૬ ઑક્ટોબરથી ગુમ છે. પોલીસે આ કેસની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગુમ થનાર આમિર આલમ છેલ્લે જમવા માટે મોહમ્મદ ઇફ્તેખાર વાજિદ અલી સાથે ગયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપી મોહમ્મદ ઇફ્તેખાર વાજિદ અલીએ પોલીસને જણાવ્યું હતું કે ૬ ઑક્ટોબરે રાત્રે સાડાબાર વાગ્યે સિલાઈ મશીનના ધંધાના હિસાબ બાબતે આમિર આલમ સાથે ઝઘડો થયો હતો. એની અદાવત રાખીને બીજા દિવસે સવારે સાત વાગ્યે આમિર આલમ રૂમમાં સૂતો હતો ત્યારે હથોડાથી તેના માથાના ભાગે ઘા કરીને હત્યા કરી હતી. એ પછી લાશના છરા વડે ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકની ગૂણીમાં ભરી એને ઍક્ટિવા પર મૂકીને ભાઠેમાં આવેલી ખાડીમાં નાખી દીધી હતી.

