પોલીસને AAPના ઉમેદવારના માણસની મળી ઑડિયો-ક્લિપ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દક્ષિણ ગુજરાતમાં ગયા શુક્રવારે ટીનેજરની છેડતીની ઘટનામાં પોલીસને એક ઑડિયો-ક્લિપ મળી આવી છે. એવો આક્ષેપ થયો છે કે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારના માણસની આ ઑડિયો-ક્લિપમાં સુરતમાં બનેલી ઘટનાને પગલે પાટીદારોને ભડકાવવા માટેનો પ્રી-પ્લાન હતો કે શું?
સુરતના અલથાણ વિસ્તારમાં શુક્રવારે રાતે ચાલીસેક વર્ષના મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝ શેખે એક ટીનેજરનો હાથ પકડી બીભત્સ ઇશારા કરીને છેડતી કરતાં તેમ જ તેની સાથે જઈ રહેલી તેની ફ્રેન્ડની પણ છેડતી કરતાં મામલો બિચક્યો હતો અને મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને જબરદસ્ત હંગામો મચી ગયો હતો. શનિવારે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતી વખતે પણ હોબાળો થયો હતો.
ADVERTISEMENT
સુરત પોલીસે આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરતાં એક ઑડિયો-ક્લિપ મળી આવી હતી. ચર્ચાઈ રહ્યું છે કે સુરતના અલથાણ વૉર્ડના ઉમેદવાર જીવરાજ પટેલનો કોઈ માણસ ઑડિયો-ક્લિપમાં વાત કરી રહ્યો છે. એમાં જીવાકાકાના નામ જોગ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હતી જેમાં ઢીલા પડવાનું નથી, જો આપણે ઢીલા પડીશું તો ક્રેડિટ બધી સંઘવી લઈ જશે એ મતલબની વાત થઈ રહી છે. પોલીસે આ ઑડિયો-ક્લિપના આધારે તપાસ શરૂ કરી છે. આ ઑડિયો-ક્લિપે અનેક સવાલો ઊભા કર્યા છે અને આ ઘટના બની એ પછી પાટીદારોને ઉશ્કેરવાનું કાવતરું કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને નુકસાન કરવાનો ઇરાદો હતો કે બીજું કંઈ એ મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે.
