રામ મંદિરમાં ૩૬.૮ ડિગ્રી તથા વિક્રોલી, ભાયખલા અને બાંદરા ૩૫ ડિગ્રી પાર
ગરમીમાં ઠંડકનો એહસાસ : અનેક મુંબઈગરા ગઈ કાલે રવિવારની રજામાં ગરમીથી રાહત મેળવવા પરિવાર સાથે મરીન ડ્રાઇવ પહોંચી ગયા હતા અને ઠંડા પવનની મજા માણી હતી. (તસવીર: આશિષ રાજે)
રાજ્યભરમાં ગરમીનો પારો ખૂબ જ વધી ગયો છે અને લોકો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. મરાઠવાડા અને વિદર્ભ સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવ ફેલાઈ રહી છે. બપોરે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. ગઈ કાલે અકોલામાં આ સીઝનનું સૌથી વધુ તાપમાન ૪૬.૯ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી બે દિવસમાં તાપમાન વધી શકે છે. ભારે તાપને કારણે અકોલામાં બપોરે કરફ્યુ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
મુંબઈમાં પણ હીટવેવની અસર જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં જ મુંબઈમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે રવિવારે અને સોમવારે મુંબઈ શહેર અને એની આસપાસના જિલ્લાઓમાં ચેતવણી આપી હતી. આ પછી ગઈ કાલે મુંબઈમાં તાપમાનનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો હતો. મુંબઈમાં સૌથી વધુ તાપમાન રામ મંદિરમાં ૩૬.૮ ડિગ્રી નોંધાયું હતું. વિક્રોલી, ભાયખલા અને બાંદરા પણ તાપમાન ૩૫ ડિગ્રીથી વધી ગયું હતું. આજે તાપમાનમાં થોડો ઘટાડો થાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
લાતુર જિલ્લામાં પતરાંના ઘરમાં ૯ મહિનાની બાળકીનું મોત
લાતુર જિલ્લાના ગોન્દ્રી ગામમાં ભારે ગરમીને કારણે ૯ મહિનાની એક બાળકીનું મોત થયું હોવાની કરુણ ઘટના બની હતી. બાળકીને ઘોડિયામાં સુવડાવીને તેની મમ્મી ઘરનું કામ કરી રહી હતી. તેમના ઘરની છત પતરાંની હતી અને સખત ગરમીને કારણે એ તપી જતાં ઘરની અંદર પણ ગરમી બહુ જ વધી ગઈ હતી. બાળકી ત્યાર બાદ ઘોડિયામાં જ મૃત મળી આવી હતી. ભારે ગરમીને કારણે તેનું ગળું સુકાઈ ગયું હતું અને જીભ તાળવે ચોંટી જતાં તેનું કરુણ મૃત્યુ થયું હતું.
