Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦૦ CCTV કૅમેરા ચેક કરીને બૅન્ક-લૂંટારાઓને ઉત્તર પ્રદેશથી પકડ્યા સુરત પોલીસે

૧૦૦૦ CCTV કૅમેરા ચેક કરીને બૅન્ક-લૂંટારાઓને ઉત્તર પ્રદેશથી પકડ્યા સુરત પોલીસે

Published : 07 May, 2026 10:58 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પટનામાં જેલમાં બંધ કુંદન ભગતે પોતાની ગૅન્ગના સભ્યોના સંપર્કમાં રહીને લૂંટને આપ્યો અંજામ

સુરતની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં થયેલી લૂંટમાં સામેલ બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.

સુરતની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં થયેલી લૂંટમાં સામેલ બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.


સુરતની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરીને નાસી છૂટનાર બિહારની કુખ્યાત કુંદન ભગત ગૅન્ગના બે સાગરીતોને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધા હતા.

૨૭ એપ્રિલે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બપોરના સમયે પાંચથી વધુ લોકો ધસી આવ્યા હતા. તેમણે પિસ્તોલ બતાવી બૅન્કમાં હાજર કર્મચારીઓ અને કસ્ટમર્સને બંધક બનાવ્યા હતા. એ પછી બૅન્કમાં રહેલા ૧૨ લાખ રૂપિયા તેમ જ સ્ટેટ બૅન્કની મુખ્ય બ્રાન્ચમાંથી મગાવેલા ૩૮ લાખ રૂપિયા મળીને ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરીને બાઇક પર નાસી ગયા હતા.



૧૦૦૦ CCTV કૅમેરાનું અૅનૅલિસિસ


બૅન્કલૂંટની ઘટનાને પગલે પોલીસ-કમિશનર અનુપસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચના ૭ પોલીસ-ઇન્સ્પેક્ટર તથા ૧૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ૧૦૦૦થી વધુ કલોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને ટાવર ડેટા સહિતનું ઍનૅલિસિસ હાથ ધર્યું હતું. લૂંટ કરવા માટે આરોપીઓ ખોટાં આધારકાર્ડ બનાવીને સુરતના જહાંગીરપુરા, રાંદેર ઉગત કનૅલ રોડ તથા વેડ રોડ પર મકાનો ભાડે રાખીને બે મહિનાથી રહેતા હતા. આ દરમ્યાન આરોપીઓએ બૅન્ક તથા આવવા-જવાના રૂટની રેકી કરી હતી. 

અયોધ્યા પહોંચી પોલીસ


પોલીસને કેટલાક શંકાસ્પદ મોબાઇલ નંબર મળવા ઉપરાંત એવી બાતમી મળી હતી કે બિહારના કુખ્યાત કુંદન ભગતે તેની ગૅન્ગ દ્વારા સુરતની બૅન્કમાં લૂંટને અંજામ આપ્યો છે. પોલીસને મળેલા મોબાઇલ-નંબર પરથી તપાસ કરતાં મૂળ બિહારના મુઝફ્ફરનગરનો અને હાલ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતો શુભમ ઠાકુર આ ગુનામાં સંડોવાયેલો છે એવું જાણવા મળ્યું હતું. એટલે એક ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી અને ૩ દિવસ સુધી તપાસ કરીને અયોધ્યામાંથી શુભમ ઠાકુરને ઝડપી લીધો હતો. બીજા એક આરોપીને ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના પરશપુરા 
પોલીસ-સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. આ બન્ને આરોપીઓ પાસેથી પોલીસે લૂંટ કરેલા ૯૩ હજાર રૂપિયા તથા ૩ મોબાઇલ કબજે લીધા હતા.

જેલમાંથી પાર પાડ્યું ઑપરેશન

બિહારનો કુંદન ભગત ગૅન્ગને કન્ટ્રોલ કરતો મુખ્ય સૂત્રધાર છે. તે હાલમાં પટનામાં જેલમાં કેદ છે અને તેણે પોતાની ગૅન્ગના સભ્યોના સંપર્કમાં રહીને આ બૅન્કલૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે કુંદન ભગતનો કબજો મેળવવા માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે તેમ જ અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે સર્ચ-ઑપરેશન ચાલુ છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 10:58 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK