બન્ને જણ એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતાં હતાં : ઘરેથી ઠપકો મળતાં બન્ને જણ ઘર છોડીને જતાં રહ્યાં હોવાનું પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું
પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસ પહેલાં સુરતમાં ૧૧ વર્ષના સ્ટુડન્ટને લઈને જતી રહેલી ૨૩ વર્ષની શિક્ષિકાને સુરત પોલીસે ઉત્તર ગુજરાતની બૉર્ડર પર શામળાજી પાસેથી સ્ટુડન્ટ સાથે ઝડપી લીધી હતી.
સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો સ્ટુડન્ટ માનસી નામની ટ્યુશન-ટીચરને ઘરે ટ્યુશન માટે જતો હતો. બન્ને જણ એકબીજાને છેલ્લાં ત્રણ વર્ષથી ઓળખે છે તેમ જ બન્નેના પરિવારજનો પણ એકબીજાના પરિચયમાં છે. જોકે પચીસ એપ્રિલે દીકરો ઘરે નહીં આવતાં તેના પપ્પાએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને શહેરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં આ સ્ટુડન્ટ અને શિક્ષિકા સાથે જતાં જોવા મળ્યાં હતાં. પોલીસે તેમની તપાસ હાથ ધરી હતી જેમાં બુધવારે સવારે રાજસ્થાન બૉર્ડર નજીક આવેલા શામળાજી પાસેથી પસાર થઈ રહેલી બસમાંથી સુરત પોલીસે શિક્ષિકા અને તેની સાથે સ્ટુડન્ટને ઝડપી લીધા હતા અને સુરત લઈ આવી હતી.
ADVERTISEMENT
પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે શિક્ષિકાને તેના ઘરેથી લગ્ન માટે દબાણ થઈ રહ્યું હતું અને ઠપકો આપતા હતા અને બીજી તરફ સ્ટુડન્ટને પણ તેના ઘરે અભ્યાસ માટે ઠપકો આપતા હતા જેથી તેઓ ઘર છોડીને જતાં રહ્યાં હતાં. આ બન્ને સુરતથી અમદાવાદ, દિલ્હી ગયાં હતાં અને ત્યાંથી અમદાવાદ પાછાં આવીને જયપુર ગયાં હતાં. ત્યાં તેઓ ફર્યાં હતાં અને પરત ગુજરાત આવતાં ઝડપાઈ ગયાં હતાં.

