વાઇરલ વિડિયોના મુદ્દે અફવા ફેલાતાં પોલીસે કહેવું પડ્યું કે કોઈની ધરપકડ કરવામાં આવી નથી: તેનું સાક્ષી તરીકે નિવેદન લેવા માટે પોલીસ-સ્ટેશને બોલાવ્યો હતો
આર્યન અસારી અને તેણે મોબાઈલમાં કેપ્ચર કરેલો વિડીયો
પ્લેન-ક્રૅશની દુર્ઘટનાનો એકમાત્ર વિડિયો જે દુનિયાભરમાં વાઇરલ થયો હતો એ ઍરપોર્ટને અડીને આવેલી એક ચાલીમાં રહેતા ટીનેજરે રેકૉર્ડ કર્યો હતો અને તેની પોલીસે ધરપકડ કરી હોવાની અફવા ફેલાતાં પોલીસે કહેવું પડ્યું કે કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
અમદાવાદ ઍરપોર્ટની પાછળના ભાગે મેઘાણીનગર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર ચાલીમાં ૧૭ વર્ષનો આર્યન અસારી રહે છે. ૧૨ જૂને પ્લેન-ક્રૅશની ઘટના બની એની થોડી મિનિટ પહેલાં તે ટેરેસ પર હતો અને પ્લેનને એકદમ નીચેથી ઊડતું જોઈને તેણે મોબાઇલમાં કુતૂહલવશ વિડિયો રેકૉર્ડ કરવાનું શરૂ કર્યું હતું અને ૩૦ સેકન્ડમાં જ પ્લેન તૂટી પડ્યું હતું. એ આખી ઘટના તેના વિડિયોમાં અનાયાસ કેદ થઈ ગઈ હતી. આ વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વિડિયો ઉતારનાર કિશોરની પોલીસે ધરપકડ કરી છે એવી અફવા ગઈ કાલે ફેલાઈ હતી, પરંતુ પોલીસે જણાવ્યું કે એ કિશોર તેના પપ્પા સાથે સાક્ષી તરીકે નિવેદન આપવા બોલાવવામાં આવ્યો હતો અને તેણે પોલીસને વિડિયોની વિગત આપી હતી.

