સાબરમતી નદીના પૂરમાં ફસાયેલી મહિલા સહિત ત્રણને ઍરલિફ્ટ કરીને બચાવી લેવાયાં
પૂર જેવી સ્થિતિ
ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈ ડૅમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતાં નદીમાં આવેલા પૂરને કારણે ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરનાં પાણી ખેતરોમાં ફરી વળતાં ફસાયેલી એક મહિલા સહિત ત્રણ જણને ઍરફોર્સના હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરીને ઉગારી લેવામાં આવ્યા હતા. બીજી તરફ અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂર આવતાં રિવરફ્રન્ટ વૉકવે પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં એટલું જ નહીં, સાબરમતી નદીમાં આવેલા પૂરને લીધે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં નદીકાંઠાનાં ગામડાંઓમાં પૂરનાં પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુકસાન થયું છે.
ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા ધરોઇ ડૅમના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ધરોઈ ડૅમમાં પાણીની આવક વધતાં ૨૩ ઑગસ્ટથી ડૅમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી આવતાં ગાંધીનગર પાસે આવેલા સંત સરોવર બૅરેજમાં પાણીની આવક વધતાં એના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું જે અમદાવાદ સાબરમતી નદીમાં આવી પહોંચ્યું હતું. અમદાવાદમાં આવેલા વાસણા બૅરેજના ૨૭ દરવાજા ખોલી નાખીને પાણી છોડવામાં આવ્યું હતું અને નદીકાંઠાનાં ગામડાંઓને અલર્ટ કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ ઉપરાંત આણંદ અને ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું અને આ જિલ્લાઓનાં નદીકાંઠાનાં ગામડાંઓમાં પાણી ભરાયાં હતાં. ધરોઈ બંધની જળસપાટી ૬૧૭.૨૨ ફુટ છે અને એમાં ૮૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ધરોઈ ડૅમમાં પાણીની આવક ૪૨,૬૮૧ ક્યુસેક અને જાવક ૩૮,૯૭૬ ક્યુસેક છે.

