ઉતરાણ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે ગુજરાતમાં ૪૮૦ સારવાર-કેન્દ્રો પર ૭૪૦થી વધુ વેટરિનરી ડૉક્ટર તેમ જ ૮૫૦૦ કર્મચારીઓ અને સ્વયંસેવકો બચાવ–સારવારમાં રહેશે તહેનાત
પ્રતીકાત્મક તસવીર
ઉતરાણના પર્વ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઓ તેમ જ પશુઓ ઘાયલ થતાં હોય છે ત્યારે ગુજરાતમાં ઉતરાણને લઈને પક્ષીઓ માટે ગઈ કાલથી કરુણા-અભિયાન શરૂ થયું છે જે ૨૦ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે ગુજરાતમાં ૪૮૦ સારવાર-કેન્દ્રો પર ૭૪૦થી વધુ વેટરિનરી ડૉક્ટર તેમ જ ૮૫૦૦ કર્મચારીઓ અને સ્વયંસેવકો બચાવ-સારવારમાં તહેનાત રહેશે.
ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘આ વર્ષે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને ગુજરાતમાં કુલ ૪૫૦ જેટલાં કલેક્શન સેન્ટર, ૮૫ કન્ટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર-કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર અને બચાવકાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો પર ૭૪૦થી વધુ વેટરિનરી ડૉક્ટર તથા અંદાજે ૮૫૦૦થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકો પક્ષીઓના બચાવ તેમ જ સારવાર માટે સેવા આપશે. ઉતરાણના બે દિવસ દરમ્યાન સવારે અને સાંજે પતંગ નહીં ચગાવવા માટે નાગરિકોને અપીલ કરીએ છીએ. ગુજરાત સરકારે શરૂ કરેલી આ પહેલના પરિણામે છેલ્લાં ૯ વર્ષમાં ગુજરાતમાં ૧.૧૨ લાખથી વધુ પશુપક્ષીઓને રેસ્ક્યુ કરાયાં છે અને સારવાર અપાઈ છે.’


