આ ઘટનાને કારણે ચારેય જણ હતપ્રભ થઈ ગયા છે અને ડિપ્રેશનમાં સરી પડ્યા છે
શાંતિ થાપા ઉર્ફે ચંદા રેગ્મીનું નેપાલનું ઓળખપત્ર.
ચારેય બંધક છૂટીને ઘરે પહોંચ્યા : રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી થયા મુક્ત : આ ઘટનાને કારણે ચારેય જણ હતપ્રભ થઈ ગયા છે અને ડિપ્રેશનમાં સરી પડ્યા છે
ઈરાનના તેહરાનમાં બંધક બનાવવામાં આવેલા ઉત્તર ગુજરાતના માણસા તાલુકાનાં બે ગામના ૪ જણનો આખરે છુટકારો થતાં તેમના પરિવારજનો સહિત ચૌધરી સમાજમાં હાશકારો થયો છે. ગુજરાત અને કેન્દ્ર સરકારની મદદથી વિદેશમાં અપહરણ થયેલી આ ૪ વ્યક્તિઓ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છૂટી છે અને ગઈ કાલે વતન પાછી આવી હતી.
ADVERTISEMENT
બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામના અજય ચૌધરી, તેની પત્ની તેમ જ અનિલ ચૌધરી અને બદપુરા ગામના નિખિલ ચૌધરી પાછાં આવી ગયાં છે અને ઘરે પહોંચી ગયાં છે. ગઈ કાલે બપોરે આ ચારેય જણ અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. ત્યાંથી તેમને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)માં લઈ જવાયા હતા જ્યાં તેમનો જવાબ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન અમિત શાહ તેમ જ ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ લોકોને પાછા લાવવા માટે મદદ કરી હતી. અપહરણ કરાયેલા ચારેય લોકો પાછા આવતાં તેમના પરિવારજનો અને અમારો ચૌધરી સમાજ ખુશ થઈ ગયો છે. જે ઘટના બની એને કારણે આ ૪ લોકો ડિપ્રેશનમાં છે અને હતપ્રભ થઈ ગયા છે. જોકે તેઓ ઘરે પહોંચી જતાં તેમને હાશકારો થયો છે.’
તેહરાનથી અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચેલાં ૪ જણને ગાંધીનગરમાં LCBની કચેરીમાં લઈ ગયા બાદ અજય ચૌધરી અને તેની પત્નીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, આ ચારેય લોકોને છોડવા માટે અઢી કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની ચર્ચા ઊઠી છે. જોકે આ બાબતને સત્તાવાર સમર્થન મળતું નથી.


