Wonder Woman: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણા વન્ડર વુમન છે ડૉક્ટર મેઘા ભટ્ટ, જેમણે બાળકો માટે વિજ્ઞાન (Science) કેવી રીતે સરળ અને રસપ્રદ રીતે સમજાવી અને શીખવાડી શકાય તે માટે એક પગલું ભર્યું હતું, અને આજે તેમની આ પહેલ હેઠળ હજારો બાળકો માટે વિજ્ઞાન વિષયને ‘ફન લર્નિંગ’ બનાવી દીધો છે અને તે આજે શરૂ જ રાખ્યું છે. આ સાથે ડૉ. મેઘા ભટ્ટ સાયકનોટૅક એજ્યુકેશન ફાઉન્ડેશન પણ ચલાવે છે, જે એક ટ્રસ્ટ છે અને સમાજના વંચિત વર્ગ માટે તેમની છત્ર હેઠળ આઉટ-રીચ ઍક્ટિવિટીઝ અને વર્કશોપનું આયોજન કરે છે. આ હેઠળ તેઓ અનુભવલક્ષી શિક્ષણને પાયાના સ્તરે લઈ જવાની સાથે મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં પણ કામ કરે છે. તો ચાલો જાણીએ આ જબરદસ્ત વૈજ્ઞાનિકની સાયન્ટીફીક સફર વિશે.
05 November, 2025 03:09 IST | Ahmedabad | Viren Chhaya