ક્રૂ-મેમ્બર્સ પર લાખો રૂપિયાના વ્યક્તિગત ફાઇન ઉપરાંત બેદરકાર અધિકારીઓને પણ આકરો દંડ
પ્રતીકાત્મક તસવીર
નાઇજીરિયાની એક અદાલતે કોકેનની આંતરરાષ્ટ્રીય તસ્કરીના ગંભીર ગુનામાં ૧૧ ભારતીય નાવિકોને દોષી જાહેર કર્યા છે. આ સાથે જ કોર્ટે સંબંધિત મર્ચન્ટ વેસલ પર પણ ૫૩ લાખ ડૉલર (આશરે ૪૪ કરોડ રૂપિયાથી વધુ)નો તોતિંગ દંડ ફટકાર્યો છે. નૅશનલ ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી (NDLEA)ના અધિકારીઓએ આશરે ૬ મહિના પહેલાં આ તમામ નાવિકોની ધરપકડ કરી હતી. આ જહાજ માર્શલ આઇલૅન્ડ્સ નામના દેશના લૅગોસના અપાપા સીપોર્ટ મારફત ૩૧.૫ કિલો કોકેન ગેરકાયદે રીતે નાઇજીરિયા લાવી રહ્યું હતું.
કોર્ટ દ્વારા NDLEA ઍક્ટ હેઠળ જહાજના કૅપ્ટન અને અન્ય ૧૦ ક્રૂ મેમ્બર્સને ગુનેગાર ઠેરવીને આકરો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. નાઇજીરિયન સરકારને વળતરપેટે ૫૩ લાખ ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જહાજના ૩ મુખ્ય વરિષ્ઠ અધિકારીઓને પ્રત્યેકને ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૮૩ લાખ રૂપિયા) ચૂકવવા જણાવાયું છે. બાકીના અન્ય નાવિકોને માથાદીઠ ૫૦,૦૦૦ ડૉલર (આશરે ૪૧.૫ લાખ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
