Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: કાંદાના ટેકાના ભાવ વધારીને કિલોદીઠ ૧૬.૫૦ રૂપિયા કરવામાં આવ્યા, પણ ખેડૂતો હજી નારાજ

ન્યૂઝ શોર્ટમાં: કાંદાના ટેકાના ભાવ વધારીને કિલોદીઠ ૧૬.૫૦ રૂપિયા કરવામાં આવ્યા, પણ ખેડૂતો હજી નારાજ

Published : 14 June, 2026 07:26 AM | Modified : 14 June, 2026 08:27 AM | IST | Mumbai
Geeta Manek | feedbackgmd@mid-day.com

નવી ખરીદકિંમત પ્રતિ ક્વિન્ટલ ૧૬૫૦ રૂપિયા થાય છે. જોકે ખેડૂત પ્રતિનિધિઓનો દાવો છે કે સુધારેલા ખરીદભાવ હજી પણ વાજબી નફાની ખાતરી કરતાં ઘણા ઓછા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદાના ઉત્પાદકોને વધુ સારું વળતર આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે એના બફર સ્ટૉક પ્રોગ્રામ હેઠળ કાંદા માટે ટેકાના ભાવ ૧૫.૮૦ રૂપિયા પ્રતિ કિલોથી વધારીને ૧૬.૫૦ રૂપિયા પ્રતિ કિલો કરી દીધા છે. સુધારેલા દર ગઈ કાલે ૧૩ જૂનથી અમલમાં આવ્યા હતા. નવી ખરીદકિંમત પ્રતિ ક્વિન્ટલ ૧૬૫૦ રૂપિયા થાય છે. જોકે ખેડૂત પ્રતિનિધિઓનો દાવો છે કે સુધારેલા ખરીદભાવ હજી પણ વાજબી નફાની ખાતરી કરતાં ઘણા ઓછા છે. તેઓ માને છે કે ખરીદી-એજન્સીઓ દ્વારા ઑફર કરવામાં આવતા વર્તમાન દર ખેતીના વાસ્તવિક ખર્ચને આવરી લેવા અને યોગ્ય વળતર આપવા માટે અપૂરતા છે.

ઈલૉન મસ્કની કંપનીની કૅફેટેરિયામાં કામ કરતા કર્મચારીઓ પણ કરોડપતિ બની ગયા- સ્પેસએક્સના IPOથી આશરે ૪૪૦૦ કર્મચારીઓ માલામાલ થયા



વિશ્વની સૌથી અમીર વ્યક્તિ ઈલૉન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX)ના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)એ મસ્કને દુનિયાના પ્રથમ ટ્રિલ્યનેર બનાવવાની સાથે-સાથે કંપનીના હજારો કર્મચારીઓની જિંદગી પણ બદલી નાખી છે. આ IPOથી સ્પેસએક્સના આશરે ૪૪૦૦ કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. આ યાદીમાં માત્ર સિનિયર એન્જિનિયરો જ નહીં, કંપનીના કૅફેટેરિયાના કર્મચારીઓ અને સામાન્ય કામદારો પણ સામેલ છે જેઓ વર્ષોથી સૅલેરી-પૅકેજ અંતર્ગત કંપનીના શૅર એકઠા કરી રહ્યા હતા. ૨૦૧૧માં ઇન્ટર્ન તરીકે જોડાયેલા એન્જિનિયર ટ્રેવર હાઇસ પાસે ૧,૦૦,૦૦૦થી વધુ શૅર છે, જેની કિંમત હવે ૧૩.૫ મિલ્યન ડૉલર (આશરે ૧૧૨ કરોડ રૂપિયા) થઈ જશે.


અણ્ણા હઝારેને T-55 ભીમ ટૅન્કની બર્થ-ડે ગિફ્ટ

સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારા સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને તેમના ૯૦મા જન્મદિવસ પહેલાં ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી ‘T-55 ભીમ’ ટૅન્ક ગિફ્ટ તરીકે આપવામાં આવી છે. આ ટૅન્ક ૧૫ જૂને અણ્ણા હઝારેના જન્મદિવસે સત્તાવાર રીતે લોકોને સમર્પિત કરવામાં આવશે. આ ટૅન્ક લોકોને દેશની સેવા માટે પ્રેરણા આપશે એવા હેતુથી તેમના ગામ રાળેગણ સિદ્ધિમાં મુકાશે.


વસઈમાં ફુટબૉલ-કોચે સતત ૩ વર્ષ સુધી સ્ટુડન્ટ પર રેપ કર્યો, વિડિયો પણ બનાવ્યો: ૧૭ વર્ષની ટીનેજરનાં મમ્મી-પપ્પાને જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસે નરાધમને POCSO હેઠળ જેલમાં પૂર્યો

વસઈમાં પ્રાઇવેટ ફુટબૉલ ટ્રેઇનિંગ સેન્ટર ચલાવતા ૩૬ વર્ષના કોચની ૧૭ વર્ષની ટીનેજર પર બળાત્કાર કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. અભિજિત મંડલ નામના ફુટબૉલ-કોચે ૩ વર્ષ સુધી ટીનેજર પર રેપ કર્યો હોવાની તેમ જ તેના બીભત્સ વિડિયો બનાવ્યા હોવાની ફરિયાદ ટીનેજરનાં મમ્મી-પપ્પાએ નોંધાવી ત્યાર બાદ પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ ટીનેજર ૨૦૨૩માં અભિજિત મંડલના ટ્રેઇનિંગ સેન્ટરમાં કોચિંગ માટે ગઈ હતી. ધીરે-ધીરે ટીનેજરનો ભરોસો જીતીને અભિજિત મંડલે તેને પોતાની નજીક લાવીને પછીથી તેનો રેપ કર્યો હતો. એ વખતે તેના વિડિયો અને ફોટો લઈને અને ધમકાવીને વારંવાર ટીનેજરને શિકાર બનાવી હતી. જોકે અંતે પોતાના પર થતા અત્યાચારથી ત્રાસીને ટીનેજરે તેનાં મમ્મી-પપ્પાને આ વાત કરી હતી. ત્યાર પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

સિનિયર સિટિઝનને બેરહેમથી મારનારા કૅબ-ડ્રાઇવરને ૧૪ દિવસની જેલ-કસ્ટડી

થાણેમાં જ્યુપિટર હૉસ્પિટલ પાસે રસ્તા પર થૂંકવા બદલ કૅબ-ડ્રાઇવર નિશાંત શુક્લાને ટપારનાર સિનિયર સિટિઝન સરોશ દસ્તૂરની મારઝૂડ કરવા બદલ તેને ૧૪ દિવસની જેલ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. એ પહેલાં થાણે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. આ ઘટના ૯ જૂને બની હતી. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો હતો અને લોકોએ કૅબ-ડ્રાઇવરની વર્તણૂકને વખોડી હતી. બીજી બાજુ સરોશ દસ્તૂર એ ઘટનામાં ઘાયલ થયા હતા અને તેમને પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું. 

આજે હાર્બર લાઇન અને સેન્ટ્રલ લાઇનમાં બ્લૉક

વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામ હાથ ધરાવાનાં હોવાથી હાર્બર અને સેન્ટ્રલ લાઇનમાં આજે બ્લૉક રાખવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ-વર્ક માટે હાર્બરલાઇનના બાંદરા અને ગોરેગામ વચ્ચે બ્લૉક રાખવામાં આવ્યો છે, જ્યારે સાયન ઓવરબ્રિજ અને દિવા ફુટઓવર બ્રિજના કામ માટે સેન્ટ્રલ રેલવેએ બ્લૉક રાખ્યો છે. સેન્ટ્રલ રેલવેએ માટુંગા અને કુર્લા દરમ્યાન શનિવારે બ્લૉક રાખ્યો હતો અને અને આજે રવિવારે રાતે પણ બ્લૉક રાખવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કુર્લા વચ્ચે છઠ્ઠી લાઇનના કામ માટે આ બ્લૉક રાખવામાં આવ્યો છે. 

લેખક સ્વ. રાજુ પટેલની મંગળવારે સાંજે સ્મૃતિસભા

જાણીતા વાર્તાકાર, ટીવી-ફિલ્મ–લેખક સ્વ. રાજુ પટેલની સ્મૃતિસભા ૧૬ જૂને મંગળવારે સાંજે ૬.૩૦ વાગ્યે BCCA હૉલ, ભવન્સ કૉલેજ કૅમ્પસ, અંધેરી-વેસ્ટમાં યોજાશે. પ્રોફેસર કાન્તિ પટેલ, કિશોર પટેલ, સંજય ગોરડિયા, ઉમેશ શુક્લ, અસિતકુમાર મોદી, સંજય છેલ, અસલમ પરવેઝ, રાહુલ પટેલ, જયેશ મહેતા, સતીશ વ્યાસ તેમ જ દિવંગતના સ્વજનો–મિત્રો દિવંગતની સ્મૃતિઓને વાગોળશે. સૌ સહૃદયોને આમંત્રણ છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 08:27 AM IST | Mumbai | Geeta Manek

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK