કાદવ અને કાંટાવાળી ઝાડીઓ વચ્ચે પહાડ પર દોઢ દિવસ પસાર કર્યો
કાઠમાંડુથી પાછા ફરતી વખતે વિદેશપ્રધાન જયશંકરને પોતાની વીતક જણાવી રહેલા યાત્રાળુઓ.
નેપાલ અને તિબેટની બૉર્ડર પાસે અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલન વચ્ચે તામિલનાડુના ૨૧ યાત્રાળુઓએ સાડીના સહારે પોતાનો જીવ બચાવ્યો હતો. યાત્રાળુઓના જણાવ્યા અનુસાર પહાડી રસ્તા પર અચાનક બૉમ્બવિસ્ફોટ જેવો અવાજ આવ્યો અને ૭૦થી ૮૦ ફુટ ઊંચાં કાદવનાં મોજાં સુનામીની જેમ ધસી આવ્યાં હતાં. ડ્રાઇવરની ચેતવણી બાદ તમામ મુસાફરો બસમાંથી કૂદીને પહાડ પર ભાગ્યા હતા. સૌથી પહેલાં પહોંચેલી પુંગોડી નામની મહિલાએ પોતાની સાડી કાઢીને નીચે લટકાવી હતી જેને પકડીને ૫૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોએ કાદવ અને કાંટાવાળી ઝાડીઓ વચ્ચે જીવલેણ ચડાણ કર્યું હતું.
આ ભયાનક સ્થિતિમાં યાત્રાળુઓએ જીવના જોખમે પહાડીઓ પર દોઢ દિવસ પસાર કર્યો હતો. ત્યાર બાદ સેનાના હેલિકૉપ્ટર મારફત તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જીવ બચાવીને ચેન્નઈ પહોંચેલા કબીરદાસે જણાવ્યું હતું કે જો ચડાણ વખતે સહેજ પણ ચૂક થઈ હોત તો અમે ૫૦ ફુટ નીચે ખીણમાં ખાબક્યા હોત. પૂરના કારણે કેટલાક લોકોના પાસપોર્ટ અને અગત્યના દસ્તાવેજો પણ તણાઈ ગયા હતા.
ADVERTISEMENT
તામિલનાડુ સરકારના જણાવ્યા અનુસાર ૪૦૦થી વધુ લોકો નેપાલ ગયા હતા. એમાંથી ૯૦ જેટલા યાત્રાળુઓ સાથે હજી પણ સંપર્ક થઈ શક્યો નથી.
